________________
અ૦ ૩ સૂ૦ ૧૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૪૯
મ્લેચ્છ– કર્મભૂમિમાં યવન, શક, ભીલ વગેરે જાતિના મનુષ્યો તથા અકર્મ ભૂમિના સઘળા મનુષ્યો મ્લેચ્છ છે. અનાર્ય દેશોની વ્યાખ્યા કરતાં સૂર્યપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં કહ્યું છે કે—જે દેશોમાં સ્વપ્રમાં પણ ‘ધર્મ’ એવા અક્ષરો જાણવામાં ન આવે તે અનાર્ય દેશો છે. (સૂર્ય અ.પ.ઉ. ૧) પ્રવચન સારોદ્વારમાં અનાર્ય દેશનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવ્યું છે—
पावा य चंडकम्मा, अणारिया निग्घिणा निरणुतावी । धम्मत्ति अक्खराई, सुमिणेवि न नज्जए जाणं ॥
અનાર્ય દેશના લોકો પાપકર્મનો બંધ કરતા હોવાથી પાપી હોય છે, હિંસા આદિ ક્રૂર કર્મ કરનારા હોય છે, પાપ જુગુપ્સાથી રહિત હોવાથી નિઘૃણ હોય છે, અકૃત્ય કરવા છતાં જરા પણ પશ્ચાત્તાપ કરતા ન હોવાથી અનુતાપથી રહિત હોય છે, તેમને ધર્મ એવા અક્ષરો સ્વપ્રમાં પણ જાણવામાં (=સાંભળવામાં) ન આવે. અનાર્યદેશની આ વ્યાખ્યાના આધારે સમજી શકાય છે કે આજના આફ્રિકા, અમેરિકા વગેરે દેશો અનાર્ય ન ગણાય. અલબત્ત તેમાં અમુક જાતિઓ કે કુટુંબો વગેરે અનાર્ય હોઇ શકે છે, પણ આખો દેશ અનાર્ય ન ગણાય. (૧૫) કર્મભૂમિની સંખ્યા—
भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ॥ ३-१६ ॥ દેવકુરુ-ઉત્તરકુરુને છોડીને પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહ એમ ૧૫ ક્ષેત્રો કર્મભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ અકર્મભૂમિ છે. કર્મના નાશ માટેની ભૂમિ કર્મભૂમિ. અર્થાત્ જે ભૂમિમાં સકલ કર્મોનો ક્ષય કરી સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે તે કર્મભૂમિ. મોક્ષમાર્ગના જ્ઞાતા તથા ઉપદેશક તીર્થંકર ભગવંતો કર્મભૂમિમાં જ ઉત્પન્ન થાય.
૧૦૧ ક્ષેત્રો–
લઘુહિમવંત પર્વતના છેડાથી ઇશાન આદિ ચાર વિદિશાઓમાં લવણસમુદ્ર તરફ ચાર દાઢા આવેલી છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો છે. એથી કુલ ૨૮ દ્વીપ થયા. એ જ પ્રમાણે શિખરીપર્વતની ચાર દાઢાઓમાં કુલ ૨૮ દ્વીપો છે. આ દ્વીપો લવણસમુદ્રમાં હોવાથી અંતર્દીપો કહેવાય છે. આમ કુલ ૫૬ અંતર્દીપો છે.