________________
અ૦ ૩ સૂ૦ ૧૧]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
આ
પ્રમાણે ભરતક્ષેત્રનું સામાન્ય વર્ણન પૂર્ણ થાય છે.
લઘુ હિમવંત પર્વત— ભરતક્ષેત્ર પછી હિમવંત પર્વત છે. આ પર્વત ઉપર પદ્મ નામે દ્રહ–પાણીનો ધરો છે. એ દ્રહમાં પૃથ્વીકાયનું બનેલું મોટું કમળ છે. એ કમળની કર્ણિકામાં શ્રીદેવીનું ભવન છે. તેમાં શ્રીદેવી રહે છે તથા તેના ઉપર ૧૧ ફૂટો=શિખરો છે. તેમાં પહેલા સિદ્ધાયતન નામના કૂટમાં સિદ્ધમંદિરમાં દરેક દિશામાં ૨૭-૨૭ એમ કુલ ૧૦૮ જિનપ્રતિમાઓ છે. આ સંપૂર્ણ પર્વત સુવર્ણનો છે.
૫૬ અંતર્દીપો— હિમવંત પર્વતથી ગદંતના આકારની ચાર દાઢા નીકળે છે. તેમાં બે દાઢા તે પર્વતના પૂર્વ છેડાથી નીકળીને અને બે દાઢા પશ્ચિમ છેડાથી નીકળીને લવણ સમુદ્રમાં આવે છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપો હોવાથી કુલ ૨૮ દ્વીપો છે. એ જ પ્રમાણે ૨૮ દ્વીપો શિખરી પર્વતથી નીકળતી ચાર દાઢા ઉ૫૨ છે. આમ કુલ ૫૬ દ્વીપો છે. આ દ્વીપો લવણ સમુદ્રની અંદર હોવાથી અંતર્દીપો તરીકે ઓળખાય છે. અંતર્રીપમાં રહેલા યુગલિકો ૮૦૦ ધનુષ્યની ઊંચાઇવાળા, પલ્યોપમના અસંખ્યતમા ભાગ પ્રમાણ આયુષ્યવાળા, એક દિવસના આંતરે આહાર કરનારા, ૬૪ પાંસળીવાળા, આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે સ્ત્રી-પુરુષરૂપ એક યુગલને જન્મ આપનારા, ૭૯ દિવસ અપત્યનું પાલન કરનારા હોય છે.
હૈમવતક્ષેત્ર હિમવંત પર્વત પછી હૈમવતક્ષેત્ર આવેલું છે. તેના બરોબર મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલો છે. તે વૃત્ત=ગોળાકારે હોવાથી વૃત્તવૈતાઢ્ય કહેવાય છે. એની આસપાસ સુંદર પદ્મવેદિકા અને બગીચો છે. તથા તેના માલિક દેવનો પ્રાસાદ છે. હૈમવતક્ષેત્રમાં રોહિતાંશા અને રોહિતા એ બે નદીઓ આવેલી છે. રોહિતાંશા નદી પદ્મદ્રહમાંથી ઉત્તર દિશા તરફ નીકળે છે. આગળ જતાં હૈમવંતક્ષેત્રના વૃત્તવૈતાઢ્યથી બે ગાઉ દૂર રહીને પશ્ચિમ દિશા તરફ વળે છે અને લવણ સમુદ્રને મળે છે. રોહિતાનદી મહાહિમવંત પર્વતના મહાપદ્મ દ્રહમાંથી નીકળી દક્ષિણ દિશા તરફ વહે છે. આગળ જતાં વૃત્તવૈતાઢ્યથી બે ગાઉ દૂર રહીને પૂર્વદિશા તરફ વળે છે અને લવણસમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં સદા અવસર્પિણીના ત્રીજા આરા સમાન કાળ હોય છે. તેમાં રહેલાં યુગલિક જીવો એક દિવસના આંતરે આમળા પ્રમાણ આહાર લે છે. તેમનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. શરીરની ઊંચાઇ એક ગાઉ હોય છે.
૧૪૩