________________
અ૦ ૩ સૂ૦ ૬]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૧૩૧
સુધી ઉત્પન્ન થઇ શકે. સર્પ પાંચમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થઇ શકે. મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે.
નરકનું આયુષ્ય કયા જીવો બાંધે ? મિથ્યાદૃષ્ટિ, મહાઆરંભી, મહાપરિગ્રહી, માંસાહારી, પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરનાર, તીવ્ર ક્રોધી, રૌદ્રપરિણામી વગેરે પ્રકારના જીવો નરકાયુ બાંધે.
કયા જીવો ન૨કમાંથી આવેલા છે, અને પુનઃ નરકમાં જાય ? અતિક્રૂર ? અધ્યવસાયવાળા સર્પ, સિંહાદિ પશુઓ, ગીધ વગેરે પક્ષીઓ, મત્સ્ય વગેરે જલચર જીવો પ્રાયઃ નરકમાંથી આવે અને નરકમાં જાય. આ જીવો નરકમાંથી જ આવેલા હોય છે, એમ નિયમ નથી, પણ અતિ અશુભ અધ્યવસાયના કારણે સામાન્યથી તેમ કહી શકાય. તે જ પ્રમાણે આ જીવો નરકમાં જ જનારા છે એ નિયમ નથી. ઉપર્યુક્ત કારણે સામાન્યથી તેમ કહી શકાય.
કયા સંઘયણવાળો જીવ કઇ નરક સુધી જન્મે ? સેવાર્તા સંઘયણવાળો જીવ બીજી નરક સુધી જન્મે. કીલિકા સંઘયણવાળો જીવ ત્રીજી નરક સુધી જન્મે. અર્ધનારાય સંઘયણવાળો જીવ ચોથી નરક સુધી જન્મે. નારાચ સંઘયણવાળો જીવ પાંચમી નરક સુધી જન્મે. ઋષભનારાચ સંઘયણવાળો જીવ છઠ્ઠી નરક સુધી જન્મે. વજઋષભનારાચ સંઘયણવાળો જીવ સાતમી નરક સુધી જન્મે.
કઇ નરકમાંથી આવેલો જીવ કઇ લબ્ધિ પામી શકે ? પહેલી નરકમાંથી આવેલો જીવ ચક્રવર્તી થઇ શકે. પહેલી બીજી નરકમાંથી આવેલ જીવ વાસુદેવ કે બળદેવ થઇ શકે. પહેલી ત્રણમાંથી આવેલો જીવ અરિહંત થઇ શકે. પહેલી ચાર નરકમાંથી આવેલો જીવ કેવલી થઇ શકે. પહેલી પાંચ નરકમાંથી આવેલો જીવ ચારિત્રી થઇ શકે. પહેલી છ નરકમાંથી આવેલો જીવ દેશવિરતિ શ્રાવક થઇ શકે. ગમે તે નરકમાંથી આવેલો જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે.
કયા પદાર્થો નરકમાં ન હોય ? નરકમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ગામ, ઝાડ, ઘાસ, છોડ વગેરે બાદ૨ વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, દેવ, મનુષ્ય, તિર્યંચ, પંચેન્દ્રિય વગેરે નથી હોતા.