________________
૬૬
શ્રીતત્ત્વાધિગમસૂત્ર [અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫ છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમન કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે. પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છ-કાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમનય સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
(૨) સંગ્રહનય- જે નય સર્વ વિશેષોનો એક રૂપે સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે છે, એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ રહેલ છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ હોઈ શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવતુ અસતુ જ છે. સામાન્ય વનસ્પતિ વિના વિશેષ લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમ કે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે. પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત્ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, બુશકોટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય સંક્ષિપ્ત.
(૩) વ્યવહારનય- જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. “વનસ્પતિ લાવ' એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિ શું કંઈ લાવી શકશે? નહિ જ. અહીં