________________
અ૦ ૧ સૂ૦ ૩૪-૩૫]
શ્રીતત્ત્વાર્થાધિગમસૂત્ર
૬૭
તમારે કહેવું જ પડશે કે ‘અમુક વનસ્પતિ લાવ'. આમ કહેવાથી તે જોઇતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ. આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે.
અહીં સુધી આપણે જોઇ ગયા કે નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નયોમાં નૈગમનય સામાન્ય અને વિશેષ એમ ઉભયને સ્વીકારે છે. સંગ્રહનય કેવળ સામાન્યને સ્વીકારે છે. વ્યવહારનય કેવળ વિશેષને સ્વીકારે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. આથી એક જ વિચાર સંગ્રહનયનો પણ હોય અને વ્યવહારનયનો પણ હોય. જેમ કે ‘આ નગરમાં મનુષ્યો રહે છે’.
આ વિચાર સંગ્રહનયનો પણ છે અને વ્યવહારનયનો પણ છે. નગરમાં મનુષ્ય ઉપરાંત જાનવર પ્રાણીઓ પણ રહે છે. આથી જાનવર અને મનુષ્ય એ બંને જીવ છે. જીવની દૃષ્ટિએ મનુષ્ય વિશેષ છે. આથી જીવની દૃષ્ટિએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે’ એ વિચાર વ્યવહારનયથી છે. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે હોય છે. મનુષ્યના સ્ત્રી, પુરુષ આદિ વિશેષ ભેદોની અપેક્ષાએ ‘આ નગરમાં મનુષ્યો રહે છે' એ વિચાર સંગ્રહનયથી છે. આ પ્રમાણે એક જ વિચાર સંગ્રહનય પણ કહેવાય અને વ્યવહારનય પણ કહેવાય.
આથી તાત્પર્ય એ આવ્યું કે—જેટલા અંશે સામાન્ય તરફ દૃષ્ટિ તેટલા અંશે સંગ્રહનય અને જેટલા અંશે વિશેષ તરફ દૃષ્ટિ તેટલા અંશે વ્યવહારનય. (૪) ઋજુસૂત્રનય– જે નય કેવળ વસ્તુની વર્તમાન અવસ્થા તરફ લક્ષ્ય રાખે તે ઋજુસૂત્રનય. આ નય વસ્તુના વર્તમાન પર્યાયને જ માન્ય રાખે છે. અતીત અને અનાગત પર્યાયોને તે માન્ય નથી રાખતો.
જ
આ નય વર્તમાનમાં જે શેઠાઇ ભોગવતો હોય તેને જ શેઠ કહે છે, જ્યારે વ્યવહારનય વર્તમાનમાં તે શેઠાઇ ન ભોગવતો હોય પણ ભૂતકાળમાં તેણે શેઠાઇ ભોગવી હતી એ દૃષ્ટિએ તેને વર્તમાનમાં પણ શેઠ કહેશે.
ઋજુસૂત્રનય જે વર્તમાનમાં રાજ્યનો માલિક હોય તેને જ રાજા કહે છે. જ્યારે વ્યવહારનય જે ભવિષ્યમાં રાજ્યનો માલિક બનવાનો છે તેને પણ રાજા કહે છે. આ પ્રમાણે વ્યવહારનયની અપેક્ષાએ ઋજુસૂત્રનય સૂક્ષ્મ છે. (૫) સાંપ્રત-શબ્દનય— આપણે સમજવું હોય કે અન્યને સમજાવવું હોય તો શબ્દોની જરૂર પડે છે. શબ્દો વિના વ્યવહાર ન ચાલે. શબ્દોથી થતા અર્થના