________________
ચૈત્યવંદન ભાષ્ય
૮૩
ભક્તિ કરી શકે છે. તે દરેકને માટે વિગતવાર શાસ્ત્રીય પુરાવા મળી શકે છે; પરંતુ વિસ્તારભયથી અહીં આપવામાં આવતા નથી. ભિન્ન ભિન્ન અવસ્થાની અપેક્ષાએ પૂજાના પ્રકારો ગોઠવનારાઓનું નય-નિક્ષેપાઓનું અને માનસશાસ્ત્ર તથા આધ્યાત્મિક સાધનોની સૂક્ષ્મ રચનાની ગોઠવણનું જ્ઞાન અદ્ભુત હોવાનું સાબિત થાય છે.
પ્રશ્ન :- પ્રભુની તે અવસ્થા ધ્યાનમાં આરોપ્યા બાદ તે સંબંધી ભાવના શી રીતે ભાવવી ? ઉત્તર :શ્રી પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે, કે - “હસ્તિ, અશ્વ, સ્ત્રીઓ આદિ મહાવૈભવ અને સુખવાળું સામ્રાજ્ય પણ છોડીને જે પ્રભુએ નિઃસંગપણું (શ્રમણપણું) અંગીકાર કર્યું હતું. એવા અચિત્ત્વ મહિમાવાળા જગત્પ્રભુનું દર્શન મહાપુણ્યશાળી જીવો જ પામી શકે છે.
તેમ જ, શ્રમણપણામાં પ્રભુ શત્રુ-મિત્રમાં સમાન બુદ્ધિવાળા, ચાર જ્ઞાનવાળા, તૃપ-મણિ તથા સુવર્ણ અને પત્થરમાં સમાન દૃષ્ટિવાળા, નિયાણારહિત વિચિત્ર તપશ્ચર્યાઓ કરતા કરતા નિઃસંગપણે વિહાર કરતા હતા, તે ત્રણ જગતના નાથનું દર્શન ઉત્તમ પુણ્યશાળી જીવોને જ થાય છે.” ઇત્યાદિ ભાવાર્થ પ્રમાણે પ્રભુની છદ્મસ્થ અવસ્થા ભાવવી. તેમજ કેવલિપણાના ગુણ વિચારીને કેવલિ અવસ્થા ભાવવી, અને સિદ્ધના ગુણ વિચારવાથી સિદ્ધત્વ ભાવના ભાવી ગણાય છે.
તથા, ત્રિભુવન-પૂજ્ય પરમાત્મા તરફ દેવેન્દ્રોએ આ પ્રમાણે લોકોત્તર વિનય બતાવી પ્રભુનો સ્નાત્ર મહોત્સવ કર્યો હતો. પ્રભુએ ધર્મમાર્ગ નિષ્કંટક રાખવા ન્યાયથી રાજ્ય વ્યવસ્થા સ્થાપી અને ટકાવી હતી. તથા તે સર્વ છોડી આ રીતે શ્રમણપણું અંગીકાર કરી કેવળી ભગવંત થયા હતા, એમ છદ્મસ્થાવસ્થા ભાવવી. કેવળી થયા પછી ધર્મતીર્થ પ્રવર્તાવવા અને અનેક બાળ-જીવોનેય તેની ઉપાદેયતા તરફ અભિમુખ થવા પ્રેરણા કરી શકે, તેવા પ્રાતિહાર્યાદિક વિભૂતિથી વિભૂષિત હતા અને અન્ને પદ્માસન મુદ્રાનો આશ્રય લઈ મોક્ષમાં ગયા હતા. પરિકરાદિક દ્વારા તે સર્વ પ્રતિબિંબિત કરવામાં શાસ્ત્રકારોની વ્યવહારઅધ્યાત્મ-માનસશાસ્ત્ર-શિક્ષણ- વગેરે દૃષ્ટિથી પરોપકારી માર્ગની કુશળતા અસાધારણ જણાય છે. ૧૨.