________________
૧૬૨
ભાષ્યત્રયમ્
છે. વળી પ્રમાદવાળા પાર્શ્વસ્થાદિકને વંદના કરવાથી તે પ્રમાદી સાધુમાં રહેલાં સર્વે પ્રમાદસ્થાનો વંદનીય થાય છે, માટે પ્રમાદી મુનિ અવંદનીય છે, તેમજ પાર્શ્વસ્થાદિકનો સંગ કરનારા સાધુઓ પણ અવંદનીય છે.
પ્રશ્ન : પરિચયમાં આવેલા સાધુઓને તો પાર્શ્વસ્થાદિનાં લક્ષણવાળા જાણી વંદના ન કરીએ; પરંતુ અપરિચિત (અજાણ્યા) સાધુ મહારાજ ગામમાં પધાર્યા હોય તો તેમને વંદના કરવી કે નહિ ?
ઉત્તર ઃ પૂર્વે પરિચયમાં નહિ આવેલા સાધુ મહારાજને પ્રથમ તો ઉચિત વિનય અને વંદનાદિ કરવા યોગ્ય છે. પરંતુ શિથિલ વિહારી માલુમ પડ્યા પછી તો વંદનાદિ કરવા યોગ્ય નથી.
:
શિષ્ય પ્રશ્ન ઃ જો વંદના કરવામાં સાધુવેષ મુખ્ય ન ગણીએ તો છદ્મસ્થ જીવ સાધુઅસાધુને કેવી રીતે જાણે ? કોઈ વખત અસાધુઓ પણ કારણસર સાધુવત્ પ્રવૃત્તિવાળા હોય છે, અને કોઈ વખત સુવિહિત સાધુઓ પણ કારણસર અસાધુ સરખી પ્રવૃત્તિવાળા હોય છે, તો એ પ્રમાણે હોવાથી મુનિઓએ સાધુવેષવાળા મુનિને જોઈને શું કરવું ?
ગુરુ ઉત્તર ઃ- અદૃષ્ટપૂર્વ (= પૂર્વે પરિચયમાં નહિ આવેલા-અજાણ્યા) સાધુઓને દેખી મુનિઓએ અભ્યુત્થાનાદિ સત્કાર અવશ્ય કરવો, જેથી આ અવિનીત છે, એમ આવેલા સાધુઓ ન સમજે; અને દૃષ્ટપૂર્વ (પ્રથમ જાણવામાં આવેલા) સાધુઓ ઉઘતવિહારી અને શીતલવિહારી એમ બે પ્રકારના છે. ત્યાં ઉઘતવિહારીને અભ્યુત્થાન અને વંદનાદિ યથાયોગ્ય સત્કાર કરવો, અને શીતલવિહારીને તે સત્કાર ન કરવો એ ઉત્સર્ગ માર્ગ છે; તેમને તો કોઈ ગાઢ કારણના અપવાદથી પર્યાય (બ્રહ્મચર્ય) – પરિષદ્-પુરુષ-ક્ષેત્ર-કાળ-અને આગમનો વિચાર કરીને જ લાભાલાભ જાણી વંદનાદિ સત્કાર કરવો યોગ્ય છે.
શિષ્ય પ્રશ્ન ઃ જેમ તીર્થંકરની પ્રતિમામાં તીર્થંકરના ગુણ નથી, તો પણ (તીર્થંકરના ગુણનું આરોપણ કરીને) સાક્ષાત્ તીર્થંકર માનીને વંદનપૂજા કરીએ છીએ તેમ પાર્શ્વસ્થાદિ સાધુઓમાં સાધુના ગુણ નથી, તો પણ સાધુના ગુણનું આરોપણ કરીને (સાધુ માનીને) વંદના કરીએ તો શું ?
ગુરુ ઉત્તરઃ- પ્રતિમામાં તો ગુણ અને અવગુણ બન્ને ન હોવાથી જેવા ગુણવાળી માનવી હોય તેવી માની શકાય, પરન્તુ પાર્શ્વસ્થાદિમાં તો અવગુણ વિદ્યમાન છે; તેથી તેમાં ગુણનું આરોપણ થાય નહિ. જેમ ખાલી પાત્રમાં જે ભરવું હોય તે ભરાય, પરન્તુ કોઈ પણ એક વસ્તુથી ભરેલા પાત્રમાં બીજી વસ્તુ ન ભરાય, માટે પ્રતિમાનું દૃષ્ટાન્ત આ સ્થાને ઘટી શકતું નથી. (ઇત્યાદિ સવિસ્તર ચર્ચા આવ૦ નિર્યુક્તિથી જાણવી.)