________________
ચૈત્યવંદન ભાગ
૧૦૫ વિશેષાર્થ :- ૧આ સૂત્રમાં કોની સ્તુતિ કરવામાં આવી છે? એટલે સ્તુતિ કરવા યોગ્ય-સ્તોતવ્ય કોણ છે ? તે જણાવવા માટે અરિહંતાણે, ભગવંતાણે એ બે પદો છે. અર્થાત્ અરિહંત ભગવંતો આ સ્તુતિથી સ્તુતિ કરવા યોગ્ય છે, માટે સ્તોતવ્યસંપદા કહેવાય છે.
૨. પછીના-ત્રણ પદોમાં તેઓ જ સ્તોતવ્ય છે. તેનું સામાન્ય કારણ આપવામાં આવેલું છે. માટે તે ત્રણ પદની ઓઘહેતુ સંપદા કહેવામાં આવે છે.
૩. ઓઘ હેતુનો વિસ્તાર પછીના ચાર પદમાં કરવામાં આવેલ છે, માટે તે વિશેષહેતુ સંપદા કહેવાય છે.
૪. જેની સ્તુતિ કરવામાં આવે છે, તેની લોકોને જરૂર શી છે ? માત્ર દષ્ટિરાગથી જ સ્તુતિ કરવામાં આવે છે, કે અરિહંત ભગવંતો જગત્ ને કાંઈ પણ ઉપયોગી થાય છે ? તે સમજાવવા પાંચ પદની ચોથી ઉપયોગ હેતુ સંપદા કહેવાઈ છે.
૫. એ સ્તોતવ્યો લોકોને ઉપયોગી છે, પરંતુ કઈ રીતે ઉપયોગી થાય છે? ઉપયોગી હોવાનાં શાં શાં કારણો છે? તે માટે તહેતુ એટલે ઉપયોગના હેતુરૂપ તદ્ધતુ સંપદા કહેવાઈ છે.
૬. સામાન્ય ઉપયોગ માત્ર ઉપરથી કોઈ વ્યક્તિની પરમ સ્તોતવ્યતા નથી આવી શકતી. પરંતુ ખાસ ઉપયોગ-વિશેષ ઉપયોગ-અસાધારણ ઉપયોગ જેનો હોય, તે જ અસાધારણ સ્તુતિનો વિષય બની શકે છે. માટે ધમ્મદયાણું વગેરે પાંચ પદોથી સવિશેષોપયોગસંપદા કહેવાઈ છે.
૭. સ્તોતવ્ય અરિહંત ભગવંતોનું બે પદોમાં અસાધારણ વ્યક્તિત્વવાળું સ્વરૂપ બતાવ્યું છે, તેથી તે સ્વરૂપ સંપદા કહેવાઈ છે.
૮. સ્તુતિ કરવાનું ફળ ન મળે, તો સ્તુતિ કરવી નકામી છે, માટે સ્તોતવ્યો પોતાના જેવા બનાવી શકે છે, માટે સ્તુતિ કરવી જરૂરની છે. તે બતાવવા નિજ-સમ-ફળદ સંપદા કહેવાઈ છે. બીજું નામ સ્વતુલ્ય-પર-ફલ-કર્તુત્વ છે. જે સ્તોતવ્યો પોતાના સમાન બીજાને ન બનાવે, તેની સ્તુતિ કરવાનું જ પ્રયોજન શું હોઈ શકે ?