________________
૨૮
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી
વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ગુજરાતના કનોડુ (મહેસાણા પાસે) નામના ગામમાં જન્મેલ જસવંત નામના દેશ વર્ષના એક તેજસ્વી બાળકે તપાગચ્છીય શ્રી નયવિજયજીની પાસે દીક્ષા લીધી. નામ પડ્યું : યશોવિજયજી. (દીક્ષા સંવત ૧૬૮૮) માતા સોભાગદેવી અને પિતા નારણભાઇનો લાડીલો જસવંત ગૃહસ્થપણામાં પણ જબરદસ્ત પ્રતિભા ધરાવતો હતો. દીક્ષા લીધા પછી તો તેની પ્રતિભા અત્યંત તીવ્રતાથી વધવા લાગી.
૨૨ વર્ષની વયે જ્યારે યશોવિજયજીએ અમદાવાદના શ્રીસંઘ સમક્ષ અષ્ટ અવધાન કરી બતાવ્યું ત્યારે જ તેમની પ્રતિભાનો સૌને ખ્યાલ આવ્યો.
આવા પ્રતિભાશાળી સાધુ જો કાશી જેવા વિદ્યાધામમાં ભણી આવે તો બીજા હેમચન્દ્રસૂરિજી થાય-આવો વિચાર સભામાં બેઠેલા શ્રાદ્રરત્ન શ્રી ધનજી સૂરાને આવતાં તેમણે પોતાના ખર્ચે શ્રી યશોવિજયજીને કાશી મોકલ્યા.
કાશીમાં એક વિદ્વાન બ્રાહ્મણ ભટ્ટ પાસે ૭૦૦ છાત્રો ભણતા હતા, ત્યાં યશોવિજયજી પણ ભણવા લાગ્યા. ભટ્ટ દ૨૨ોજનો એક રૂપિયો લેતો.
બજે મધુર બંસરી * ૪૨૮
એક વખતે કાશીમાં કોઇ મોટો વાદી આવી ચડ્યો. કોઇ તેની સાથે વાદ કરવા તૈયાર થયું નહિ ત્યારે કાશીનું નામ રાખવા યશોવિજયજીએ વાદનું બીડું ઝડપ્યું.
યશોવિજયજીની ધારદાર તર્કશક્તિ અને અકાટ્ય દલીલો સામે પેલો ઉદ્ભટ વાદી નિરુત્તર બની ગયો.
કાશીની કીર્તિ સલામત રહી જતાં ત્યાંના સર્વ પંડિતોએ તેમને ‘ન્યાયાચાર્ય'નું મોટું બિરૂદ આપ્યું.
શ્રીયશોવિજયજીએ કાશીમાં ગંગા કિનારે રહી સરસ્વતીની સાધના પણ કરેલી અને પ્રસન્ન થયેલી સરસ્વતી પાસેથી વિદ્યાનું વરદાન પણ મેળવ્યું. આ વાત તેમણે પોતાના જ શબ્દોમાં કહેલી છે : “તૂ તૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગંગ.'
કાશીમાં રહીને તેમણે નવ્ય ન્યાયના ૧૦૮ નૂતન ગ્રંથોનું સર્જન કર્યું. આથી ત્યાંના પંડિતોએ ફરી તેમને ‘ન્યાયવિશારદ’નું બિરૂદ આપ્યું.
આ રીતે ત્રણ વર્ષ કાશીમાં ગાળી તેઓશ્રી પોતાના ગુરુદેવશ્રી નયવિજયજી સાથે આગ્રા આવ્યા અને ચાર વર્ષ સુધી તર્કશાસ્ત્ર વગેરે ભણ્યા. આ રીતે ઊંડા અધ્યયન દ્વારા તેઓશ્રીની પ્રચંડ પ્રતિભા સોળે કળાએ ખીલી ઊઠી.
તેઓ જ્યારે કાશીથી વિહાર કરી અમદાવાદ આવ્યા ત્યારે તેમને જોવા લોકોના ટોળે ટોળા ઊભરાયા. અમદાવાદમાં સૌપ્રથમ નાગોરી સરાહમાં પધાર્યા. તે વખતનો ગુજરાતનો સૂબો મહોબતખાન યશોવિજયજીની પ્રશંસા સાંભળી તેમની પાસે આવ્યો. સૂબા સમક્ષ તેઓશ્રીએ અઢાર અવધાન કરી બતાવતાં તે તાજ્જુબ થઇ ગયેલો. આવા મહાન પ્રતિભાશાળી મુનિવરને ઉપાધ્યાય પદવી મળવી જોઇએ-એવી વિનંતી અમદાવાદના શ્રીસંઘે તપાગચ્છાધિપતિ શ્રી વિજયદેવસૂરિજીને કરી.
બન્ને મધુર બંસરી * ૪૨૯