________________
એવા સ્થાને મૂકીશ જયાં બુદ્ધિહીનતા હશે. જા બુદ્ધિહીન પશુઓના ભવમાં.” આથી જ માયાને તિર્યંચ ગતિનું એક મુખ્ય કારણ ગણવામાં આવ્યું છે. તિર્યચોમાં માયા વધુ હોય છે, એમ કહેવા કરતાં માયાવી માણસ તિર્યંચમાં જાય છે, એમ કહેવું વધુ ઠીક લાગે છે.
- મવા તૈર્યથોની (તત્ત્વાર્થસૂત્ર ૬/૨૭) કપટ, છલ, વંચના, ધૂર્તતા, ઠગાઇ, વિશ્વાસઘાત, ધોખો આ બધાજ શબ્દો માયાના પર્યાયવાચી શબ્દો છે. આજની સુધરેલી ભાષામાં લોકો એને ‘પોલીસી’ કે ‘મુત્સદ્દગિરી' પણ કહે છે.
માણસ જેમ જેમ બુદ્ધિમાન બનતો જાય તેમ તેમ માયા પ્રાયઃ વધતી જાય. આથી જ પશુ કરતાં માણસમાં વધુ માયા જોવા મળશે ને માણસમાંય અભણ કરતા ભણેલામાં, ભણેલાઓમાં પણ ગામડિયા કરતા શહેરીઓમાં વધુ જોવા મળશે. પ્રાચીન શાસ્ત્રોમાં ગામડિયાઓને શહેરી કઇ રીતે ઠગી લે છે ? એ માટેની ઘણી કથાઓ જોવા મળે છે. આજે પણ આવું જ જોવા મળે છે.
ક્રોધી અને અભિમાનીને તો આપણે તરત ઓળખી શકીએ, પણ માયાવીને શી રીતે ઓળખવો? સામાન્ય રીતે જેનું સૌમ્ય મુખ હોય, મધ જેવી મીઠી વાણી હોય, આંજી નાખે તેવું આકર્ષક વ્યક્તિત્વ હોય એવા માણસોથી આપણે પ્રભાવિત થઇ જઇએ છીએ... પણ ચાણક્ય અહીં જ આપણને ચેતવે છે : બંધુઓ ! એમ ભોળવાઈ નહિ જતા. મુખ સૌમ્ય છે, પણ હૃદય કેવું છે ? તે જુઓ. વાણી મીઠી છે, પણ અંદરનું વલણ કેવું છે ! તે જુઓ. મીઠી વાણી અને શાંત આકૃતિ - આ જ તો ધૂર્તના લક્ષણો છે. આવા ધૂતની વાગુજાળમાં આવીને બિચારા કેટલાય લોકો ફસાઈ જતા હોય છે. ચાણક્ય આપણને ભોળા નહિ થવાનું કહે છે, ધૂર્તને ઓળખવાના લક્ષણો જણાવે છે.
मुखं पद्मदलाकारं, वाणी चन्दनशीतला । हृदयं कर्तरीयुक्तं, त्रिविधं धूर्तलक्षणम् ॥
“કમળ જેવું સુંદર મુખ, ચંદન જેવી શીતલ વાણી અને હૃદયમાં છરી - ધૂર્તના આ ત્રણ લક્ષણો છે.”
- ચાણક્યનીતિ દેખાવ, ડોળ, દંભ, છાપ - આ બધા જ માયાવીના પ્રિય શબ્દો હોય છે. પોતાની છાપ જમાવવા એ સદા પ્રયત્ન કરતો રહે છે. ‘તપસ્વી, વિનયી, સેવાભાવી, જ્ઞાની કે નિઃસ્પૃહ તરીકેની છાપ જમાવવામાં એ વર્ષોના વર્ષો લગાવી દે છે. એ માટે ગમે તેટલું સહન કરવા તૈયાર થઇ જાય છે. પેલા વિનયરત્ન કેવી છાપ જમાવેલી ? તે યુગના જ્ઞાની ગુરુ પણ એને ઓળખવામાં થાપ ખાઈ ગયેલા. એના વિનય, સેવા અને સમર્પણ વગેરે ગુણોથી ગુરુ એટલા પ્રભાવિત થઇ ગયેલા કે એનું નામ પણ વિનયરત્ન પાડી દીધું. આજે પણ ઇતિહાસ એને ‘વિનયરત્ન' તરીકે જ ઓળખે છે. ૧૨-૧૨ વર્ષ સુધી આ છાપ જમાવવા કેટલો પ્રયત્ન કર્યો હશે ? ૧૨ વર્ષ સુધી શા માટે ? માયા જો અનંતાનુબંધી કક્ષાની હોય તો જીવનભર પણ માણસ આવું સહન કરી લે. આવી માયાને શાસ્ત્રકારોએ વાંશના મૂળિયા સાથે સરખાવી છે. કદી સીધી ન થનારી !
માયાવીની આ સાધના કાંઇ જેવી તેવી નથી. મોટા યોગીઓને પણ ટક્કર મારે તેવી આ સાધના હોય છે. હિન્દી સાહિત્યના સ્તંભ પ્રેમચંદે એક જગ્યાએ આવી વ્યક્તિનું વર્ણન બહુ જ સરસ રીતે કર્યું છે :
“માયાવી માણસ પોતાની લાગણીઓ પર જે કાબૂ ધરાવે છે, તે કોઇ મોટા યોગીઓ માટે પણ મુશ્કેલ હોય છે. તેનું હૃદય રડે છે, પણ હોઠ હસે છે, હૃદય હર્ષથી નાચે છે, પણ આંખો રડે છે. હૃદય દાહ-અગ્નિથી ભડકે બળે છે, પણ જીભથી મધ અને સાકરની નદીઓ વહે છે.”
- પ્રેમચંદ (ગુપ્તધન, ૧, આલ્હા, પૃ-૭૪)
ઉપદેશધારા + ૩૨
ઉપદેશધારા * ૩૩