________________
(૧૭
જીવદયાના અવતાર જગડું શાહ
મહા દાનવીર શ્રી જગડુ શાહને એકેય પુત્ર ન્હોતો. આથી પોતાના ભાઇના પુત્રને દત્તક તરીકે લીધો હતો.
એક વખતે એ દત્તકપુત્ર સાથે બપોરના સમયે ભદ્રાવતી નગરથી વહાણમાં મુસાફરી કરવા તૈયાર થયા, પણ નાવિકોએ અત્યારે વહાણ હંકારવાની ના પાડી. કારણ પૂછતાં ખલાસીઓએ કહ્યું કે– સામે... જે પહેલો કોયલા પહાડ દેખાય છે ને ? એના પર પેલું સફેદ દેખાતું મકાન તે એક દેવીનું મંદિર છે. બપોરના સમયે એ દેવીની નજર જે કોઇ પણ વહાણ પર પડે છે તે દરિયામાં અવશ્ય ડૂબી જાય છે. આ ફક્ત સાંભળેલી વાત નથી, પણ આ રીતે ઘણા વહાણો અમે ડૂબતા જોયા પણ છે. શેઠજી ! અમને અમારો જીવ વ્હાલો છે. અમે ડૂબવા માંગતા નથી અને આપને ડૂબાવવા માંગતા નથી. અમારો અવિનય માફ કરજો... પણ અત્યારે મુસાફરીએ નહિ લઇ જવાનું આ જ કારણ છે.'
શેઠ વિચારમાં પડી ગયા. ના... એમના વિચારમાં કદી ‘સ્વ’ કેન્દ્રમાં ન હતો. હંમેશાં તેઓ પરનો જ વિચાર કરતા. પરગજુ જગડુ શાહે વિચાર્યું : ‘શા માટે વહાણો ડૂબતા હશે ? દેવી એમ શા માટે કરતી હશે ? ગમે તે ભોગે મારે દેવીને પ્રસન્ન કરીને નિર્દોષ વહાણખેડૂની થતી કતલ અટકાવવી જ જોઇએ.’
બજે મધુર બંસરી * ૩૮૪
આવા સત્ત્વ ભરપૂર વિચારથી શેઠ તો તે પહાડી પર પહોંચી ગયા અને દેવી સમક્ષ અક્રમ લગાવી દીધો. દેવી પ્રત્યક્ષ થઈ. જગડુ શાહે કહ્યું : ‘ઓ કરૂણામયી દેવી ! આ તમારી દેરીનો દરવાજો દક્ષિણ સન્મુખ છે. એના કારણે કેટલાય વહાણો બપોરના સમયે દરિયામાં ડૂબી જાય છે. તો હું આ દેરીનું મુખ ઉત્તર દિશા તરફ
કરી દઉં તો આપને વાંધો નથી ને ?
‘ના... એ કદાપિ નહિ બને. મારું મંદિર જેમ છે તેમ જ રહેશે. એમાં જરા પણ ફેરફાર થઇ શકશે નહિ. મારા મંદિરને ફેરવનાર તું વળી કોણ ? દેવીએ વિકરાળ મુખાકૃતિ કરીને ગર્જના કરી.’
જગડુ શાહ ચોધાર આંસુએ રડી પડ્યા અને દેવીના ચરણોમાં ઝૂકી પડ્યા અને કહેવા લાગ્યા : ઓ દેવી ! આપ નારાજ કેમ થાઓ છો ? આપને શું જોઇએ છે ? આપ જે કહો તે શરત પાળવા હું તૈયાર છું, પણ કૃપા કરીને દેરીના મુખની દિશા બદલવા દો. આટલી કરુણા કરો આ સેવક પર.’
જગડુ શાહની પ્રાર્થનાથી દેવીનું દિલ કંઇક પીગળ્યું અને તેણીએ કહ્યું : ‘સારું ત્યારે. મારા મંદિરમાં ૧૦૮ પગથિયા છે. એકેક પગથિયે જો તું બોકડાનું બલિદાન આપે તો દેરીનું મુખ બદલવા દઉં.'
આમ કહીને દેવી અદૃશ્ય થઇ ગઇ.
દેવીની શરત સાંભળી જગડુ શાહ વિચારમાં પડી ગયા. હવે શું કરવું ? આ બાજુ પણ હિંસા અને પેલી બાજુ પણ હત્યા ? ક્યાં જવું ? ‘ઇતો વ્યાઘ્રઃ ઇતસ્તટી' આ બાજુ વાઘ છે ને પેલી બાજુ નદી છે. શું કરવું ? ક્યાં જવું ? જગડુ શાહ મૂંઝવણમાં મૂકાઇ ગયા, પણ એમના સત્ત્વશીલ આત્માએ એક જ ક્ષણમાં ‘કંઇક’ નિર્ણય લઇ લીધો અને બીજે જ દિવસે ૧૦૬ બોકડાને લઇને પોતાના દત્તકપુત્રની સાથે જગડુ શાહ દેવીના મંદિરે આવી પહોંચ્યા. બજે મધુર બંસરી * ૩૮૫