________________
અમર પણ થઇ શકાતું નથી. મારી આ કથા આપે બાળી નાંખી એટલે આપ એમ સમજો છો કે એ કથા વિશ્વમાંથી નષ્ટ થઇ ગઇ ? એ ક્યાંય નષ્ટ થઇ નથી. એ રાખમાંથી પણ ફરીથી બેઠી થશે. એવો મારો આત્મ-વિશ્વાસ છે.” આમ બોલીને ધનપાલ ઘેર પહોંચ્યો.
ધનપાલને બેચેનીનો કોઇ પાર નથી. સાહિત્યકારનું સાહિત્ય નષ્ટ થઇ જાય ત્યારે કેટલી વેદના થાય એ તો એ જ જાણી શકે. ગ્રંથ એ તો કર્તાનું હૃદય છે. એનો માનસપુત્ર છે. કેટલાય પરિશ્રમ પછી એનું નિર્માણ થયેલું હોય છે. એ પરિશ્રમ સહૃદયી વિજ્ઞ વિના અન્ય કોણ જાણી શકે ?
- પિતાજીને બેચેન બનેલા જોઇ નવ વર્ષની નાનકડી પુત્રી તિલકમંજરી બોલી ઊઠી : ‘કેમ પિતાજી ! આજે ઉદાસ કેમ છો ?”
‘ઉદાસીનતાની શી વાત કરું ? આજે મારૂં બધું જ લૂંટાઈ ગયું છે. મારી વ્યથા કોને કહું ? આજે ભોજરાજાએ ભગવાન શ્રી આદિનાથની કથા સગડીમાં સળગાવી નાખી. મને તો એમ જ થયું. મારા હૃદયને જ જાણે સળગાવી નાખ્યું. આટલી મહેનતથી બનેલી આ કથા રાજાના ગુસ્સાની આગમાં સળગી ગઇ.'
‘પિતાજી ! આપ કોઇ ચિંતા કરશો નહિ. એ કથા હું રોજને રોજ વાંચી જતી હતી. મને તે અક્ષરશઃ યાદ છે. એ ક્યાંય સળગી ગઇ નથી, પણ મારા મનમાં જીવંત છે. હું બોલીશ અને આપ લખશો એટલે એ ફરી ગ્રંથસ્થ બની જશે. એમાં ચિંતા શી કરવાની ?'
નાનકડી નવ વર્ષની તિલકમંજરીને ભણાવવા માટે ધનપાલે ખૂબ જ મહેનત કરી હતી. તે નવ વર્ષની વયે જ વિદુષી બની ચૂકી હતી... પણ આટલી બધી સ્મૃતિ શક્તિ હશે એ વાતનો ખ્યાલ તો ખુદ ધનપાલને પણ ન હતો.
તિલકમંજરીની વાત સાંભળીને ધનપાલનું રોમ-રોમ આનંદથી ઝૂમી ઊઠ્યું. તેના સંતપ્ત હૃદય પર જાણે અમૃતની વૃષ્ટિ થઇ.
બજે મધુર બંસરી * ૩૬૨
બીજા દિવસથી જ કથા લખવાનું કામ શરૂ કરી દીધું. તિલકમંજરી બોલતી ગઇ અને ધનપાલ લખતો ગયો. જે પાઠો તિલકમંજરીએ વાંચ્યા નહોતા તે પાઠોની પૂર્તિ ધનપાલે કરી...
આમ એક નવ વર્ષની નાનકડી બાળાના કારણે એક મહાન સાહિત્ય ગ્રંથ નષ્ટ થતો બચી ગયો. તિલકમંજરીના કારણે જ આ ગ્રંથને પુનર્જન્મ મળ્યો હોવાથી ધનપાલે એનું નામ રાખ્યું : ‘તિલકમંજરી'.
આ ઘટના પ્રાયઃ વિ.સં. ૧૦૮૪માં ઘટેલી છે. વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજીએ આ કથામાં કોઇ ઉસૂત્ર ન આવે – એટલા પૂરતું જ સંશોધન કર્યું હતું. બાકી ધનપાલ રચિત સાહિત્યમાં વ્યાકરણના દોષો હોય જ ક્યાંથી ? એના માટે કહેવાયું છે કે
'शब्दसाहित्यदोषास्तु, सिद्धसारस्वते न किम् ?'
સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, દેડીનું દશકુમારચરિત, ત્રિવિક્રમની નવ કથા, ઓઢેલની ઉદયસુંદરી - આ બધા સુંદર ગ્રંથોની જેમ ધનપાલની ‘તિલકમંજરી’ પણ સાહિત્ય જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે.
છંદોનુશાસન અને કાવ્યાનુશાસનમાં કલિકાલ–સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ તિલકમંજરીના પદ્યોનું અવતરણ મૂક્યું છે, તેથી ધનપાલની રચનાનું મહત્ત્વ એકદમ વધી જાય છે.
આ તિલકમંજરીના આધારે દિગંબર ૫. ધનપાલે સં. ૧૨૬૧માં કથાસાર', શ્વેતાંબર પંડિત લક્ષ્મીધરે સં. ૧૨૮૧માં કથાસાર', પદ્મસાગરગણિએ ‘કથાસાર’ તથા બીજા એક વિદ્વાને ‘કથાંશ” રચી તિલકમંજરીનો સાર બતાવવા પ્રયત્ન કરેલો છે.
જયાં સુધી તિલકમંજરી ગ્રંથ રહેશે ત્યાં સુધી ધનપાલ અને તિલકમંજરીનું નામ પણ જગ-બત્રીસીએ ગવાયા કરશે.
બજે મધુર બંસરી + ૩૬૩