________________
પુત્ર તેમને સોંપવાનો છે. તો બેટા ! તું તેમના ચરણોમાં જા. તેમનો શિષ્ય બની મારું ઋણ ઉતાર...'
‘શું વાત કરો છો ? હું ધનપાલ જૈન મુનિ બનું ? એ વાત કદી બની શકશે નહિ. મુંજરાજને હું માનનીય છું. ધારાનરેશ ભોજરાજ મારા મિત્ર છે. શંકર મારા આરાધ્ય દેવ છે. હું જૈન મુનિ બનું તો તો ધરતી રસાતલમાં પેસી જાય ! દેવું તમે કર્યું છે, એમાં મને શા માટે સંડોવો છો ? તમે વચન આપ્યું છે, તો તમે જાણો. તમારી ભૂલે હું કષ્ટમાં શા માટે પડું ?'
ધનપાલની આ વાત સાંભળીને સર્વદેવ તો સ્તબ્ધ બની ગયો. એને થયું ધનપાલ તો કોઇ હિસાબે જૈન મુનિ બને તેમ નથી. તો હવે શું કરવું ? નાના પુત્ર શોભનને સોંપું ? જો કે એ ના પાડે એવો નથી. આજ સુધીમાં તેણે કદી મારી આજ્ઞા લોપી નથી, પણ... એ પુત્ર તો મને ખૂબ જ વહાલો છે. એને શી રીતે આપું ? મારો લાલ...! મારા કાળજાની કોર ! મારી આંખોની કીકી ! મારો વ્હાલસોયો નંદન શોભન મારાથી વિખૂટો પડે એ કેમ ચાલે ?
સર્વદેવના મનમાં લાગણીનો પ્રવાહ ધસી આવ્યો. પણ બીજી જ પળે તેને કર્તવ્યશીલતા યાદ આવી : ભલે શોભન મને ગમે તેટલો પ્રિય હોય, પણ મારે મારા વચનને ખાતર એ સોંપી જ દેવો જોઇએ. લાગણીઓને કચડીને કર્તવ્યની કાંટાળી કેડીનો સ્વીકાર કરવો જ જોઇએ.
આખરે મન મક્કમ કરી સર્વદેવે શોભનને બધી વાત કરી ત્યારે તે બોલી ઊઠ્યો : ‘પિતાજી ! આપ કોઇ ચિંતા કરશો નહિ. આપની આજ્ઞા હું માથે ચડાવું છું. મને ગુરુદેવશ્રી મહેન્દ્રસૂરિજીના ખોળામાં બેસાડો. હું તેમનો શિષ્ય બનીશ અને પવિત્ર જીવન ગાળીશ.’
શોભનનો આવો વિનયભર્યો જવાબ સાંભળી ખુશ થયેલા પિતાજી તેને ઉપાશ્રયે લઇ ગયા અને મહેન્દ્રસૂરિજીના ચરણોમાં સમર્પિત કરતાં કહ્યું :
બજે મધુર બંસરી * ૩૪૬
ગુરુદેવ ! આ મારો વ્હાલો પુત્ર હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. જો કે મારા મનમાં ઊઠતી પ્રેમની લાગણીઓ મને તેમ કરતાં અટકાવે છે પણ કર્તવ્યશીલતા પાસે લાગણીઓને આખરે દબાવવી જ પડે છે. સૂરિદેવ ! મારા આ લાલને બરાબર સાચવજો. સુંદર કેળવણી આપી ઉત્તમ જીવનનો સ્વામી બનાવજો. એ પોતાના જીવનથી મારું કુળ અજવાળે અને આપનું નામ રોશન કરે—એવી મારી અપેક્ષા છે.
મારો આ પ્રિય પુત્ર આપને પણ પ્રિય બની પડશે— એવો વિશ્વાસ છે. કારણ કે એની દેહયષ્ટિ જ એવી છે કે જોતાં જ સૌને પ્રિય થઇ પડે.
એક પત્થર બનીને આપની પાસે આવ્યો છે. એમાંથી કેવી ઘાટ ઘડામણ કરવી તે આપના હાથની વાત છે. એ બીજ બનીને આપની નિશ્રારૂપ ધરતીમાં ખોવાઇ જવા આવ્યો છે. એનું જીવન એક ભવ્ય પ્રતિમા બનો. એનું જીવન વિશાળ ઘેઘૂર વૃક્ષ બનો એવી મારી અંતરની ઇચ્છા છે.’
‘સર્વદેવ ! તમે કોઇ ચિંતા કરશો નહિ. સૌ સારા વાના થશે. તમારા ઘરમાં જો આ પુત્ર રહ્યો હોત તો માત્ર તમને જ કામ લાગત... પરંતુ આજથી એ શાસનને સમર્પિત બને છે. એ સ્વનો મટી સર્વનો બને છે.
એની આકૃતિ જ એની સહેજ યોગ્યતા કહી આપે છે. હું એને તૈયાર કરવા દિલ દઇને પ્રયત્ન કરીશ. થોડા જ સમયમાં તમે જોઇ શકશો કે શોભન મુનિ કેવા તૈયાર થયા છે ?'
‘ગુરુદેવ ! આપના વચનમાં મને પૂર્ણ વિશ્વાસ છે.’ અને... મહેન્દ્રસૂરિજીએ શોભનને દીક્ષા આપી. ત્યાર પછી ગુજરાત તરફ વિહાર કર્યો.
બન્ને મધુર બંસરી * ૩૪૭