________________
ખરેખર તો ઇર્ષ્યાળુ બીજાની ઇર્ષ્યા કરીને પોતાની જ તુચ્છતા પ્રગટ કરતો હોય છે. ચતુર માણસો તો તરત જ આવા માણસને સમજી જ જાય છે.
આ ઇર્ષ્યાળુ પંડિત, પાદલિપ્તાચાર્યનો તેજોવેધ કરવા માટે મેદાને પડ્યો. તેણે ચારે બાજુ એક મોટો ગપગોળો ગબડાવ્યો. આ
આચાર્ય મહારાજ મૌલિક સર્જક નથી. એમણે બનાવેલો કહેવાતો
આ ગ્રંથ એમનો છે જ નહિ, બીજા પ્રાચીન ગ્રંથનો માત્ર ઊતારો છે. બીજાની રચનાને પોતાના નામે ચડાવીને આ આચાર્યે ભયંકર દ્રોહ કર્યો છે, નરદમ જૂઠાણું ચલાવેલું છે.
આ વાત એકે બીજાને કરી, બીજાએ ત્રીજાને કરી, અને બસ પછી તો ચાલ્યું. બધા જ પંડિતો કહેવા લાગ્યા કે આ પાદલિપ્તાચાર્ય ચોર છે, તેમણે પૂર્વ સાહિત્યની ચોરી કરી છે. તેઓ મૌલિક સર્જક છે જ નહિ, માત્ર ઊતારો કરનાર છે. અત્યાર સુધી તેઓ આપણી સાથે બનાવટ કરતા આવ્યા છે. પણ આજે એમની પોલ પકડાઇ ગઇ છે, પાપ ક્યાં સુધી છુપું રહે ? લોકોને તમે ક્યાં સુધી મૂર્ખ બનાવી શકો ?– આમ બધા જ પંડિતો તેમની વિરુદ્ધમાં વાતો કરવા લાગ્યા. ગઇ કાલે જેઓ પ્રશંસા કરનારા હતા, તેઓ પણ આજે નિંદાના વરઘોડામાં જોડાઇ ગયા.
આમ કેમ બનતું હશે ? પ્રશંસક નિંદક કેમ બની જતો હશે ? કારણ જાણવું છે ? કારણ સાવ સ્પષ્ટ છે. મનના અતળ તળીયે સૂતેલો અહંકાર ! બસ આ જ એનું કારણ છે. તો પછી અત્યાર સુધી તેમણે પ્રશંસા શા માટે કરી ? પ્રશંસા એમણે કરી નથી, પણ કરવી પડી છે. બધા જ પ્રશંસા કરતા હતા માટે તેમની સાથે જોડાવું પડ્યું હતું. બધાની સાથે જોડાય નહિ તો લોકો ઇર્ષ્યાળુનું બિરૂદ આપી દેને ? અહંકાર માણસને ઇર્ષ્યાળુનું ટાઇટલ શી રીતે ગમે ? પણ જ્યારે કોઇએ ગપગોળો ગબડાવ્યો ત્યારે હવે એ પણ સામેલ
બજે મધુર બંસરી * ૩૩૮
થયા. હવે ક્યાં કોઇ ઇર્ષ્યાળુ કહેવાનું છે ? અને આ વાત હું થોડો કહું છું ? બીજાઓ કહે છે. આમ ચાન્સ મળતાં જ સૂતેલો અહંકાર જાગી જાય છે. પહેલા પણ મનમાં ગ્રંથકાર તરફ છૂપી ઇર્ષ્યા તો હતી જ, પણ આબરૂના ભયથી બોલી શકાતું ન હોતું. પણ હવે તો તેને છૂટોદોર મળી ગયો.
મોટા મોટા સજ્જન ગણાતા પંડિતો પણ આ નિંદાના ‘કાર્યક્રમ’માં સામેલ થયા. કેટલાક તો વળી આગળ વધીને ત્યાં સુધી કહેવા માંડ્યા : કેવો છે આ લોકોનો જૈન ધર્મ ? જૈન ધર્મે એમને આવું જ શીખવાડેલું હશે ? પોતાની નામના મેળવવા કોઇકના ગ્રંથની આ રીતે તડફંચી કરવી ? ધિક્કાર હો આવા ધર્મને - આવા ધર્મ ગુરુઓને !
નિંદા કરનારાઓમાંથી કોઇએ એ તપાસ ન કરી કે કયા ગ્રંથની નકલ કરી છે ? એ મૂળ ગ્રંથ બતાવો ! પણ ના... ટોળું કદી એવી પરવા કરતું નથી. એ તો પ્રવાહમાં જ તણાય છે, બધા જેમ કરતા હોય તેમ કરે છે. બધા જે તરફ ઝૂકતા હોય તે તરફ ઝૂકે છે. બધા જે તરફ રોષ કરતા હોય તે તરફ તે પણ રોષ કરે છે. ટોળાને સ્વતંત્ર ચેતના હોતી નથી. એ તો પ્રવાહમાં ઢસડાતું જાય છે. બધાથી આપણે શા માટે જુદા પડવું ? બધા જેમ કરે તેમ કરવા દો ? આપણે જુદી રીતે વિચારવાની તકલીફ પણ શા માટે લેવી ? ‘સબકા હોગા વહ અપના હોગા' આ તેમનો મુદ્રાલેખ ! ટોળામાંથી બહાર જઇ નકામી બદનામી (?) શા માટે વહોરવી ?
પાદલિપ્તાચાર્યે આ સમાચાર સાંભળ્યા કે આખું ટોળું પોતાનાથી વિપરીત થઇ ગયું છે. સામાન્ય માણસ વાત કરે તો હજુ પણ ચાલે, પણ પંડિત જેવા પંડિત પણ આ ટોળામાં ભળી જાય એ તો હદ થઇ ગણાય.
બન્ને મધુર બંસરી * ૩૩૯