________________
એ
જીવંત સૂરિજીની સ્મશાન યાત્રા
છે . જેમના નામ પરથી પાલીતાણા ગામ વસેલું છે, તે મહાન આચાર્યશ્રી પાદલિપ્તસૂરિજીએ એકવાર તદ્દન નૂતન ગ્રંથનું સર્જન કર્યું. એ ગ્રંથને સમૃદ્ધ બનવામાં સૂરિજીએ પોતાની સમગ્ર શક્તિ રેડી દીધી હતી, આથી આ ગ્રંથ બે-નમૂન બન્યો હતો. જે કોઇ આ ગ્રંથને જુએ તે મોંમાં આંગળા નાખી જાય. હૃદયમાંથી ઉગારો છલકાય : ઓહ ! કેટલો અદ્ભુત ગ્રંથ છે ? જયારે હૃદયના ઊંડાણના ભાવો શબ્દરૂપે ગ્રંથસ્થ બને છે ત્યારે સર્જન ખરેખર અદ્દભુત બને છે, લોકોની ચેતનામાં નવો જ પ્રકાશ લાવનારું બને છે. કોઇનું લખેલું લખનારા, કોઇનું બોલેલું બોલનારા અને કોઇનું ગાયેલું ગાનારા લેખકો, વક્તાઓ અને ગવૈયાઓ આ દુનિયામાં હજારો હોય છે. પણ લોકહૃદય પર તેમની કોઇ સ્થાયી અસર રહેતી નથી. પણ જે અંતરના અવાજને બહાર આવવા દે તે જ ખરો મૌલિક સર્જક ગણાય, તેનું જ વચન જન-જનના હૃદયમાં સોંસરું ઊતરી જાય, પણ આવા સર્જકો વિરલ જ હોય છે.
પાદલિપ્તસૂરિજી આવા વિરલ મૌલિક સર્જક હતા. આથી જ એમના ગ્રંથો વાંચવા માટે વિદ્વાનોમાં પડાપડી થતી. તેમાંય આ નૂતન ગ્રંથે તો એમની પ્રતિભામાં ચાર ચાંદ લગાડી દીધેલા હતા. જેના જેના હાથમાં એ ગ્રંથ ગયો તે બધા જ વિદ્વાનો બેમોઢે સર્જકોની પ્રતિભાને વખાણવા લાગ્યા.
બજે મધુર બંસરી * ૩૩૬
પણ સૂરિજીની જબરદસ્ત થતી પ્રશંસા એક ઇર્ષ્યાખોર બ્રાહ્મણ પંડિતને ન ગમી. એ પંડિત ઇર્ષ્યાથી સળગતો એમને એમ બેસી રહ્યો હોત તો વાંધો ન હોતો... પણ એ તો ઠેર-ઠેર ઇર્ષાની આગ
ઓકવા લાગ્યો અને સૂરિજીના યશને ભસ્મીભૂત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. તમારી ઇર્ષ્યા જયાં સુધી તમારા મનમાં જ રહે ત્યાં સુધી હજુ વાંધો નથી. તેનાથી માત્ર તમને જ નુકશાન થશે... પણ જયારે એ બહાર નીકળે ત્યારે કેટલાયને બાળી નાંખે.
ઈર્ષ્યાનો જન્મ ક્યાંથી થાય છે? અહંકારમાંથી. દરેક માણસને પ્રાયઃ એક છૂપો ભ્રમ હોય છે, અહંકાર હોય છે. આ દુનિયામાં હું જ મહાન છું. અને પોતાની કલ્પિત આ મહાનતાને ટકાવવા તે હંમેશા બધી જ પ્રવૃત્તિઓ કરતો રહે છે. પણ જયારે કોઇ પોતાનાથી પણ અધિક મહાન દેખાય, જ્યારે પોતાની કલ્પેલી મહાનતા કકડ...ભૂસ કરતી ભાંગી પડતી દેખાય ત્યારે તે ભૂરાટો બને છે ! તે બીજાની મહાનતાને સ્વીકારવા હરગીઝ તૈયાર નહિ થાય. તેની મહાનતાને કાપવા ભાતભાતના દાવપેચ અજમાવવા શરૂ કરશે. અનેક પ્રકારના એ દાવપેચોનું સહિયારું એક જ નામ છે. ઇર્ષ્યા. ઇર્ષાળુ માણસ એમ જાહેર કરવા માંગે છે કે એ માણસ (જેની તે ઇર્ષ્યા કરે છે તે) કોઇ જ વિસાતમાં નથી. તમે ખોટા જ સાવ અંજાઇ જાવ છો. એની મહાનતાની નીચે કેટલી ગંદવાડ છૂપાયેલી છે, તે તો માત્ર હું જ જાણું છું.
આમ ઇર્ષાળુ જયારે પોતે મહાન બની શકતો નથી ત્યારે તે બીજાને નાના બનાવવાની બતાવવાની ચેષ્ટા શરૂ કરે છે.
જો કે એમ કરવાથી કદી કોઇ નાનું બનતું જ નથી. પણ એનો ભ્રમ (હું મોટો છું નો ભ્રમ) જે પોષાયા કરે છે એની પોતાના વિષેની કલ્પના અખંડ રહે છે.
બજે મધુર બંસરી * ૩૩૭