________________
તેમાંય મારી વ્યક્તિગત નિંદા થતી હોય તો હજુયે વાંધો નહિ, પણ આ લોકો તો જૈન-ધર્મની પણ નિંદા કરે છે. મારા નિમિત્તે શાસનની અવહીલના ? એના જેવું બીજું ભયંકર પાપ કયું ? હવે ટોળાને તો કોઇ હિસાબે અટકાવી શકાય તેમ નથી. અટકાવવા જઇશ તો કદાચ વધુ વિફરશે. વળી મારા કારણે થઇ રહેલી શાસનની હીલના પણ ચલાવી લેવાય નહિ. તો હવે શું કરવું ?
ત્યાં જ એમના મગજમાં વિચાર વીજળી ઝબૂકી ઊઠી અને તેમનું મન હસી ઊડ્યું.
તેમણે તરત જ પીઢ અને ગંભીર શ્રાવકોને બોલાવ્યા અને ખાનગીમાં કહ્યું : તમે જાણો છો કે અત્યારે સમગ્ર પંડિત-વર્ગ મારી સામે વિરોધમાં ઊભો છે. શાસનની ભયંકર અપભ્રાજના થઈ રહી છે. આવા સમયે મારે બહુ વિચિત્ર ગણાય તેવા પગલા લેવા પડે તેમ છે. આવતીકાલે તમારે આચાર્ય ભગવંત કાળધર્મ પામ્યા છે એવી જાહેરાત કરવાની છે. માત્ર જાહેરાત જ નહિ, પણ મારી સ્મશાનયાત્રા પણ કાઢવાની છે. એ સ્મશાનયાત્રા દરમ્યાન જ મારું કામ પૂરું થઇ જવાનું છે. કદાચ એ પૂરું ન થાય તો તમારે મને અગ્નિદાહ આપી દેવાનો છે. હા... મારે જીવતે જીવ જ અગ્નિ સમાધિ લેવી પડે એવા સંયોગો ઉપસ્થિત થયા છે.”
સૂરિજી જાણતા હતા કે માણસ માત્ર જીવતા માણસોનો જ ઈર્ષ્યાળુ હોય છે. માણસ જેવો મરી જાય કે તરત જ તેના પર રહેલી ઇર્ષ્યા પણ મરી જાય છે અને આથી જ આપણે જોઇએ છે ને ? સાવ સામાન્ય માણસ પણ જયારે મરી જાય છે, ત્યારે તેના કેવા ગુણો ગવાય છે ? તેના ગુણો વીણી વીણીને કહેવામાં આવે છે. શા માટે હવે ગુણો દેખાયા ? કારણ કે ઇષ્યનો પડદો હટી ગયો, જે ગુણો જોવા દેતો ન હતો.
આચાર્યશ્રી જાણતા હતા કે “હું મરી ગયો છું’ એવા સમાચાર જાણતાં જ પેલા ઇર્ષાળુ પંડિતને પશ્ચાત્તાપ થવાનો. અને કદાચ તેના કઠોર દિલમાં પશ્ચાત્તાપનું ઝરણું પેદા નહિ થાય તો હું અગ્નિ-સમાધિ લઇ લઇશ. શાસન ખાતર મરવાનું સૌભાગ્ય ભાગ્ય હોય તો મળે !
સૂરિજીના જણાવ્યા પ્રમાણે શ્રાવકોએ બધું જ કર્યું. ‘આચાર્યદેવ કાળધર્મ પામ્યા છે” એવા સમાચાર મળતાંની સાથે જ આખા નગરમાં સન્નાટો છવાઈ ગયો.
અચાનક જ આચાર્યશ્રી કાળધર્મ કેમ પામ્યા ? કોઇ રોગ તો હતો જ નહિ ? નક્કી આપણે કરેલી બેફામ ટીકાઓએ તેમનો ભોગ લીધો લાગે છે. અરેરે ! આપણે પંડિત કે પલિત ? કાંઇ જાણ્યાસમજયા વિના જ ‘ટીકા' રચવા મંડી પડ્યા ? - આમ બધા જ પંડિતો પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને પશ્ચાત્તાપથી વ્યથિત હૃદયે સૂરિદેવની સ્મશાન યાત્રામાં જોડાયા.
જ્યારે આ સ્મશાનયાત્રા પેલા ઇર્ષાળુ પંડિતના ઘર પાસે આવી ત્યારે તે પણ ઘરથી બહાર આવ્યો. તેની આંખમાં ધસી આવેલા આંસુઓ તેના પશ્ચાત્તાપને જણાવતા હતા.
બહાર આવીને તે રડતાં-રડતાં બોલવા લાગ્યો : ઓ નગરવાસીઓ ! પંડિતો ! આ મહાન આચાર્યશ્રીનું ખૂન કરનાર હું જ છું. મેં જ એમને મારી નાખ્યા છે. વગર તલવારે મારી નાખ્યા છે. અરેરે ! આચાર્યશ્રી કેટલા મૌલિક સર્જક હતા ? છતાં મેં ગપગોળો ચલાવ્યો કે એમનો આ ગ્રંથ, પ્રાચીન કોઇ ગ્રંથની નકલ છે. આ વાત વાયુવેગે બધે પ્રસરી ગઇ અને બધાએ ખાતરી કર્યા વિના સાચી પણ માની લીધી. આના આઘાતથી જ સૂરિજી મૃત્યુ પામ્યા છે. નિદૉષ સૂરિજીની મેં જ હત્યા કરી છે. ન જાણે હવે હું પાપથી શી રીતે છૂટીશ ?
બજે મધુર બંસરી * ૩૪૦
બજે મધુર બંસરી * ૩૪૧