________________
જે જિનનો ભક્ત હોય તે અવશ્ય જીવોનો મિત્ર હોય જ. જિનભક્તિ અને જીવ-મૈત્રી એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને એકબીજાથી અનુસૂત છે.
તે જ સાચો જિન ભક્ત છે જે જીવોનો મિત્ર છે. તે જ સાચો જીવ-મિત્ર છે જે જિન ભક્ત છે. બંને ગુણો એક-બીજાના પૂરક છે.
દયામણા ચહેરે યાચના કરતા આ ગરીબ-બાળકની માંગણીને કુકરાવીને મારાથી આગળ વધાય જ કેમ ? શું પત્થર જેવા મારા હૃદયમાં પરમાત્મા પધારશે ? હું જો એમ ભગવાન પાસે જઇશ તો કદાચ ભગવાન કહે : “ઓ ભગતરાજ ! લાલચોળ કેસરથી મારી પૂજા પછી કરજે પહેલા જીવોની સાથે મૈત્રી કેળવ. હું તેના જ હૃદયમાં આવું છું, જે જીવોનો મિત્ર છે. વિશ્વના તમામ જીવો મારા સાધર્મિક બંધુઓ છે. એમાંના એક પણ જીવનું અપમાન એટલે મારું જ અપમાન. જા ભગત ! જા. પહેલાં જીવોની સાથે મૈત્રીનું અનુસંધાન કરી આવ. પછી મારી ભક્તિ કરજે, જે જીવો પર દ્વેષથી ભરેલો છે. તે ભલે લાલચોળ કેસરથી મારી પૂજા કરે, ભલે મોટે અવાજે સ્તવનો ગાય, ભલે એ મારા નામનું તિલક કપાળે લગાવે, હું કદી પણ તેવા લોકો પર પ્રસન્ન થવાનો જ નથી. હા, દુનિયા ભલે એને ધાર્મિક કહે, પણ અમારા રાજયમાં એવો નકલી ધાર્મિક કદી પણ પ્રવેશ મેળવી શકશે નહિ.”
સાક્ષાત્ ભગવાન જાણે બોલી રહ્યા ના હોય-એ રીતે એના હૃદયમાં ભગવાનની વાણી ગૂંજવા લાગી.
શેઠજીના પગ થંભી ગયા. હૈયું કરુણાથી છલકાઈ ઊડ્યું. મધુર સ્વરે પેલા છોકરાને કહ્યું :
‘વત્સ ! હું તને જરૂર અનાજ આપીશ હોં...! જરાય ચિંતા કરીશ નહિ. પણ મને ચિંતા એ થાય છે કે તું આમ ભીખ ક્યાં સુધી માંગ્યા કરીશ ? એના કરતાં હું તને કામ બતાવું તો ?'
ઓ શેઠજી ! તો તો આપનો ખૂબ-ખૂબ આભાર ! કામ જો મળી જાય તો ભીખ માંગું જ શા માટે ? આ તો કેટલીયે તપાસ કરી... પણ કામ નથી મળતું માટે ભીખ માંગવી પડે છે. બાકી ‘આપો' એવો શબ્દ બોલતાં મને એવું દુઃખ થાય છે... જાણે છાતીમાં સો-સો ખંજરો ભોંકાતા હોય...'
દીન-વદને છોકરાએ કહ્યું.
નાનકડા છોકરાની વિશાળ બુદ્ધિ અને વાકપટુતા જોઇને શેઠ એકદમ પ્રભાવિત થઇ ગયા. શેઠે કહ્યું :
‘તો તું એમ કર. હું તને તારા જેવું કામ બતાવું છું. ફૂલ જેવા તને કામના ઢસરડાથી કચડી નાખવા માંગતો નથી. હું જયારે ભગવાનની પૂજા કરવા જાઉં ત્યારે મારી વાડીમાંથી પૂજા માટે રોજ ફૂલો લાવી આપવા. હું તને રોજ બે માણા ધાન આપીશ.'
પરગજુ શેઠની અણધારી ઓફર સાંભળીને રાજીરેડ થઇ ગયેલો બાળક બોલી ઊઠ્યો : “આભાર ! શેઠજી આભાર ! આપનો આ ઉપકાર હું કયા શબ્દોમાં વર્ણવું ? ત્રણ-ત્રણ દિવસ ભીખ માંગું, ગલીએ ગલીએ ભટકું, લોકોની ગાળો સાંભળું છતાં પણ મને જેટલું ધાન ન મળે એટલું ધાન આપ એક જ દહાડામાં મામૂલી કામ માટે આપી રહ્યા છો.’
‘કામની અપેક્ષાએ ભલે આ મામૂલી દામ લાગતું હોય પણ ફળની અપેક્ષાએ આ અણમોલ કામ છે. આ તો ત્રણ લોકના સ્વામીની પૂજા માટે ફૂલો લાવવાનું કામ છે. આવા કામ માટે ઇન્દ્રો પણ પડાપડી કરે છે. સમજયો ?'
‘મારું અહોભાગ્ય’ કહીને ગરીબ છોકરાએ માથું ઝૂકાવ્યું.
ત્યારથી દરરોજ આ કાર્યનો પ્રારંભ થઇ ગયો. રોજ શેઠજી જિન-પૂજાએ જાય ત્યારે આ પંચવર્ણી સુગંધી ફૂલોને ચંગેરીમાં ભરીને તૈયાર જ ઊભો હોય.
બજે મધુર બંસરી * ૩૧૨
બજે મધુર બંસરી * ૩૧૩