________________
જીવને જોઇએ છે : અવિનાશી સુખ, કદી ન જાય તેવું સુખ ! પણ એના લમણે ટીચાય છે વિનાશી સુખ !
મોક્ષનું સુખ એકવાર મળ્યા પછી ક્યાંય જવાનું નથી. માટે જ તે અવિનાશી છે. અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની આપણી ઇચ્છા, મોક્ષ વિના બીજે ક્યાંય પૂરી થાય તેમ નથી.
(૪) આપણી ઇચ્છા કોઇનેય આધીન થઇને નહિ રહેવાની છે. પણ આ સંસારમાં તો પરાધીનતા જ પરાધીનતા છે ! વિદ્યાર્થી હો તો શિક્ષકની, પુત્ર હો તો મા-બાપની, નોકર હો તો શેઠની, સેવક હો તો રાજાની, રાજા હો તો પ્રજાની... સૌ કોઇને આખરે કોઇની તો ગુલામી સ્વીકારવી જ પડે છે. અરે... કાંઇ નહિ તો કર્મની ગુલામી તો બધાને લાગેલી જ છે ને ? કર્મસત્તા બધાને એડીતળે ચગદી રહી છે. એમાંથી કોઇ જ મુક્ત નથી.
મોટો શહેનશાહ કે ચક્રવર્તી પણ આખરે કર્મને આધીન છે. કર્મસત્તા રૂઠે ત્યારે શ્રેણિક કે શાહજહાં જેવાને પોતાના સગા દીકરાના હાથે જેલમાં જવું પડે છે. શ્રીકૃષ્ણ જેવાને જંગલમાં એકલા પાણી વગર તરફડતા મરવું પડે છે. મલ્લિનાથ જેવા તીર્થંકરને સ્ત્રી બનવું પડે છે. આદિનાથ જેવા ભગવાનને ૪૦૦ દિવસ સુધી ભૂખ્યા રહેવું પડે છે.
સંસારમાં કર્મસત્તાની એકછત્રી આણ છે.
આમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે : મોક્ષમાં પહોંચી જવું. બધાને રમાડતી કર્મસત્તા સિદ્ધોને કશું જ કરી શકતી નથી. (૫) ‘સૌ કોઇ મારે આધીન રહે' એવી જીવની ઇચ્છા છે ખરી, પણ અહીં ઘરના પુત્રો પણ આધીન નથી રહેતા ત્યાં આખા જગતની તો વાત જ ક્યાં કરવી ?
હા... મોક્ષમાં રહેલા સિદ્ધ ભગવંતોને આધીન આખું જગત છે. એમના કેવળજ્ઞાનમાં જેવું પ્રતિબિંબિત થયેલું હોય છે, તેવી જ ઘટના જગતમાં બને છે. એનાથી અન્યથા કદી જ ન બની શકે.
ઉપદેશધારા * ૨૬૮
એટલે આપણી આ પાંચેય ઇચ્છાઓ મોક્ષમાં ગયા વગર પૂરી થવાની નથી. ‘મોક્ષમાં જવા તમે કેમ ઇચ્છો છો ?’ એવું કોઇ પૂછે ત્યારે કહેજો : ‘મોક્ષ વગર આ પાંચ ઇચ્છાઓ સંસારમાં ક્યાંય ક્યારેય પૂરી થઇ શકે તેમ નથી, માટે મોક્ષમાં જવા ઇચ્છું છું.'
આવી પાંચ ઇચ્છાઓ પ્રત્યેક જીવને કેમ છે ? તે જાણો છો ? કારણ કે પ્રત્યેક જીવનું સ્વરૂપ જ તેવું છે. આત્મા સુખમય છે માટે સુખની જ ઇચ્છા થવાની, દુ:ખમય થવાની નહિ જ થવાની. જડ પદાર્થોને આવી કોઇ ઇચ્છા નહિ થવાની, કારણ કે તેમનું સ્વરૂપ આવું નથી.
જીવનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે.
જીવની આ પાંચ ઇચ્છાઓને શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવી છે : (૧) સત્ : જીવવાની ઇચ્છા... (૨) ચિત્ : જાણવાની ઇચ્છા... (૩) આનંદ : સુખની ઇચ્છા... (૪) ઇશિત્વ : સ્વતંત્રતાની ઇચ્છા... (૫) વશિત્વ : સત્તાની ઇચ્છા...
આ પાંચેય ઇચ્છાઓ (આ ઇચ્છાઓ, ઇચ્છાઓના ત્યાગ કરવાથી જ પૂર્ણ થઇ શકે, તે ભૂલવું નહિ) મોક્ષમાં જ પૂરી થઇ શકે, એ બરાબર, પણ મોક્ષ ન મળે ત્યાં સુધી અહીં શું કરવું ?
ઉપાધ્યાયજી મહારાજ કહે છે : મોક્ષની વાનગી અહીં જ ચાખવી હોય તો ‘આત્મજ્ઞાન’ આ જ જીવનમાં પામવાનો ધ્યેય સદા નજર સામે રાખવો.
આત્મજ્ઞાન કરતાં ઊંચું કોઇ જ્ઞાન નથી. આત્માની પ્રાપ્તિથી ઊંચી કોઇ પ્રાપ્તિ નથી.
'आत्मलाभात् परो लाभो नास्तीति मुनयो विदुः ।'
ઉપદેશધારા * ૨૬૯