________________
સવાલ એ નથી કે ભગવાન છે કે નહિ ? સવાલ એ જ છે કે હૃદયમાં ભક્તિ છે કે નહિ ? આકાશમાં સૂર્ય છે કે નહિ ? એ સવાલ નથી. તમારી પાસે આંખો છે કે નહિ ? એ સવાલ છે.
સવાલ આકાશનો નથી, આપણી પાસેની પાંખોનો સવાલ છે. સવાલ મંઝિલનો નથી, આપણી પાસેના પગોનો સવાલ છે. મંઝિલ માટે ન પૂછો, પગ માટે પૂછો. સૂર્ય માટે ન પૂછો, આંખ માટે પૂછો. ભગવાન માટે ન પૂછો, ભક્તિ માટે પૂછો.
જેને આટલું સમજાઈ ગયું તે ભક્તિમાર્ગનો પ્રવાસી બની જવાનો.
- ભક્તિમાર્ગના પ્રવાસી માટે પૂજયશ્રી હરિભદ્રસૂરિજીએ ચાર સોપાન બતાવ્યા છે : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. (૧) પ્રીતિયોગ : પ્રભુને ચાહવા. (૨) ભક્તિયોગ : પ્રભુને વફાદાર રહી સમર્પિત થવું. (૩) વચનયોગ : પ્રભુની આજ્ઞા માનવી. (૪) અસંગયોગ : પ્રભુ સાથે એકમેક થઇ જવું.
માણસ જેને ચાહવા લાગે છે તેને જ સમર્પિત થાય છે. તેના પ્રત્યે જ વફાદારી નિભાવી શકે છે. જેને સમર્પિત થાય છે, તેની જ વાત તે માની શકે છે. જેની વાત તે માને છે તેની સાથે જ એકમેક થઇ શકે છે.
દુન્યવી પ્રેમનો આ જ ક્રમ છે. આ જ ક્રમ પ્રભુના પ્રેમમાં પણ છે. માત્ર એ પ્રેમને પ્રભુ તરફ ઢાળવાની જરૂર છે.
ચારેય સોપાનમાં સૌથી મહત્ત્વપૂર્ણ પ્રીતિ છે. પ્રીતિ હશે તો જ ભક્તિ આદિ યોગો મળી શકશે.
પ્રભુ-પ્રીતિ એ પાયો છે. ભક્તિ આદિ, તે પર ખડી થયેલી ઇમારત છે.
પ્રીતિ’ને જો દૂધ કહીશું તો ‘ભક્તિ' દહીં છે. ‘ભક્તિ’ને જો દહીં કહીશું તો ‘વચન’ માખણ છે. ‘વચન'ને જો માખણ કહીશું તો ‘અસંગ' ઘી છે.
દૂધ જ નહિ હોય તો ઘી ક્યાંથી મળશે? પ્રીતિ જ નહિ હોય તો પ્રભુ સાથે એકતા શી રીતે થશે ?
આથી જ ભક્તિમાર્ગના પ્રવાસીઓ કહે છે : સૌ પ્રથમ તમે પ્રભુને ચાહો... પ્રભુ પ્રત્યે પ્રેમ પ્રગટાવો. બીજું બધું પોતાની મેળે થઇ પડશે.
આખી દુનિયાને તમે ચાહો ને પ્રભુને ચાહી શકતા નથી ? બીજા બધા માટે તમને પ્રેમ છે. માત્ર પ્રભુ માટે જ પ્રેમ નથી ?
ખરી વાત છે. બીજા બધા માટે પ્રેમ છે, માટે જ તો પ્રભુ પર પ્રેમ પ્રગટતો નથી. દુનિયાને ચાહતા રહીએ છીએ એટલે જ પ્રભુને ચાહી શકતા નથી.
પૂજયશ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે : “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ’, જે પુદ્ગલનો, સંસારનો પ્રેમ તોડી શકે તે જ પ્રભુ સાથે પ્રેમ જોડી શકે.
‘પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાય' એમ કહેતા કબીર પણ આ જ વાત કહે છે : સંસારનો પ્રેમ અને પ્રભુનો પ્રેમ એકીસાથે રહી શકતા નથી.
પ્રભુનો પ્રેમ એ જ સાધનાનું પ્રથમ સોપાન છે. એ જ વાત બતાવવા જાણે ત્રણેય ચોવીશી (પૂ. યશોવિજયજી, પૂ. આનંદઘનજી, પૂ. દેવચંદ્રજી)ના પ્રથમ સ્તવનમાં પ્રભુ-પ્રેમની વાત છે.
પૂ. શ્રીયશોવિજયજીની ચોવીશીનું પહેલું સ્તવન : જગજીવન જગ વાલો, મરુદેવનો નંદ, મુખ દીઠે સુખ ઉપજે, દરિસણ અતિથી આનંદ.'
ઉપદેશધારા * ૨૪૪
ઉપદેશધારા * ૨૪૫