________________
ભગવાન શું છે ? કોઇ સુખી તો કોઇ દુ:ખી શા માટે છે ? કોઇ જ્ઞાની તો કોઇ અજ્ઞાની શા માટે છે ?
આવા અનેક મૌલિક પ્રશ્નોની સરવાણી ફૂટવી તેનું નામ જિજ્ઞાસા છે.
જિજ્ઞાસા ખરા હૃદયથી પ્રગટે તો જ્ઞાન આપનાર ગુરુ મળી જ રહે. ખરેખરી તરસ લાગી હોય તો માણસ પાણી ક્યાંકથી શોધી જ કાઢે.
જ્ઞાનની નહિ, માણસને જિજ્ઞાસાની ચિંતા થવી જોઇએ. ભોજનની નહિ, ભૂખની ચિંતા થવી જોઇએ. સૂરજની નહિ, આંખની ચિંતા થવી જોઇએ. આંખ હશે તો સૂર્ય મળવાનો જ છે. ભુખ હશે તો ભોજન મળવાનું જ છે. જિજ્ઞાસા હશે તો જ્ઞાન મળવાનું જ છે. ભક્તિ હશે તો ભગવાન મળવાના જ છે.
છતાં આશ્ચર્યની વાત છે : માણસને મારામાં કેટલી જિજ્ઞાસા છે તેની ચિંતા નથી, જ્ઞાનની ચિંતા છે ! ભૂખની નહિ, ભોજનની ચિંતા છે. આંખની નહિ, સૂરજની ચિંતા છે. ભક્તિની નહિ, ભગવાનની ચિંતા છે.
જિજ્ઞાસા છે કે નહિ ? તે શી રીતે જણાય ? હૃદયમાંથી ઊગતા પ્રશ્નો દ્વારા.
પ્રશ્નો જેટલા ઘણા, જિજ્ઞાસા તેટલી ઉત્કટ.
ગૌતમસ્વામીમાં ઉત્કટ જિજ્ઞાસા હતી. તેઓ ભગવાનને અનેક પ્રશ્નો પૂછતા. ભગવતી સૂત્રમાં, ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરસ્વામીને કરેલા ૩૬ હજાર પ્રશ્નોનો સંગ્રહ છે. બાળક જેવા નિર્દોષ ભાવે ગૌતમસ્વામી ભગવાન શ્રી મહાવીરદેવને પ્રશ્નો પૂછતા રહેતા અને ભગવાન તેના જવાબો આપતા રહેતા.
તમારા પ્રશ્નો તમારી અંદર રહેલી જિજ્ઞાસાને જણાવે છે. આથી જ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં બીજો પ્રકાર “પૃચ્છના” છે.
પૃચ્છના એટલે પ્રશ્ન. વાચના લીધા પછી પ્રશ્ન ન જાગે તો ગુરુને શી રીતે ખ્યાલ આવે કે શિષ્યમાં જિજ્ઞાસા છે કે નહિ ?
શિષ્ય રાજીવ માટે મહાન નૈયાયિક વિશ્વનાથ પંચાનન ભટ્ટાચાર્યું ન્યાયમુક્તાવલી ગ્રંથની રચના કરી. રાજીવને ભણાવવાનું શરૂ કર્યું. ગ્રંથ પૂરો થયા પછી તેમણે પૂછ્યું : બોલ, રાજીવ ! હવે કાંઇ પૂછવું છે ?
‘ના, ગુરુજી ! કાંઇ પૂછવા જેવું રહ્યું નથી. બધું જ બરાબર સમજાઇ ગયું છે.' | ‘ડફોળ ! તને કાંઇ પૂછવા જેવું નથી લાગતું ? તારા હૃદયમાં જો કોઇ પ્રશ્ન ઊઠતો જ નથી તો મારે કહેવું પડશે કે તું કાંઇ ભણ્યો જ નથી. ચાલ, બીજીવાર ભણ.'
રાજીવને બીજીવાર ભણાવવાનું શરૂ કર્યું.
ગ્રંથ પૂરો થયા પછી ફરી એ જ પ્રશ્ન પૂછ્યો : કાંઇ પૂછવા જેવું લાગે છે ?
‘હા... ક્યાંક ક્યાંક પૂછવા જેવું લાગે છે ખરું !' | ‘તું હવે કાંઇક ભણ્યો છે. પણ હજુ બરાબર નથી ભણ્યો. હજુ ફરીવાર ભણવું પડશે.'
ફરી અધ્યાપન શરૂ ! ફરી એ જ પ્રશ્ન !
રાજીવમાં ધીરે-ધીરે જિજ્ઞાસા જન્મે છે, પ્રશ્નો પૂછવાનું મન થયા કરે છે.
૪-૫ વાર ભણાવ્યા પછી તો રાજીને કહી દીધું : “ગુરુજી ! હવે તો ડગલે-પગલે પ્રશ્નો જાગ્યા કરે છે. એક શબ્દ વાંચું છું ને મારું મન પ્રશ્નોથી ભરાઇ જાય છે. આગળ વધવું મુશ્કેલ બને છે.'
‘શાબાશ ! હવે તું સાચા અર્થમાં ભણ્યો.” ગુરુજી બોલી ઉઠ્યા. પ્રશ્ન જાગે જ નહિ ત્યાં ભણતર શા કામનું ? ભુખ હોય જ નહિ ત્યાં ભોજન શા કામનું ?
ઉપદેશધારા ૪ ૨૧૪
ઉપદેશધારા ૪ ૨૧૫