________________
અર્થ : પદ - ‘દ્રવ્યથી પદ' લૌકિક રાજા આદિ પાંચ પદવીઓ (રાજા, મંત્રી, કોષાધ્યક્ષ, સેનાપતિ, પુરોહિત) છે.
‘લોકોત્તર પદ’ આચાર્યાદિ (આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણાવચ્છેદક, સ્થવિર) પાંચ પદવીઓ છે અને પંચપરમેષ્ઠીઓનું ધ્યાન કરવું તે ‘ભાવથી પદ' છે.
વિવેચન : પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનને ‘પદ ધ્યાન' કહેવાય છે.
‘પરમ માત્રા'માં ચોવીસ વલયો દ્વારા ધ્યાનને ત્રિભુવન-વિષય-વ્યાપી બનાવવાની પ્રક્રિયા બતાવી છે. પદ વગેરે ધ્યાનોમાં ધ્યાનને ક્રમશઃ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બનાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી છે.
માત્રા અને ૫૨મમાત્રા ધ્યાનના સર્વ ધ્યેય-પદાર્થોનો સંક્ષેપ પાંચ પરમેષ્ઠીઓમાં થયેલો હોવાથી અહીં પાંચ પરમેષ્ઠીપદોના ધ્યાનને, ‘પદ ધ્યાન' રૂપે ઓળખાવવામાં આવે છે.
‘પદ ધ્યાન’માં સર્વ પ્રકારના આચાર, ધ્યાન-યોગ તથા મંત્રો અને વિદ્યાઓનો સંગ્રહ થયેલો છે. કેમ કે ‘પદ ધ્યાન’માં ધ્યેય રૂપે પંચપરમેષ્ઠી ભગવંતો હોવાથી તે નમસ્કાર મહામંત્ર - સ્વરૂપ છે. નમસ્કાર-મહામંત્ર એ જિનશાસનનો સાર છે, ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે. સર્વ મંત્ર, તંત્ર અને વિદ્યાઓનો
ભંડાર છે. ઇત્યાદિ મહામંત્રનું જે માહાત્મ્ય આગમ ગ્રંથો વગેરેમાં બતાવેલું છે તે સર્વ ‘પદ ધ્યાન’માં અત્યંત ઉપયોગી છે.
-
અહીં આગમ, યોગ (ધ્યાન), મંત્ર અને તંત્ર-યંત્રની દૃષ્ટિએ પરમેષ્ઠીનમસ્કારનું માહાત્મ્ય વિચારવામાં આવે છે, જેથી ‘પદ ધ્યાન'નું મહત્ત્વ પણ ખ્યાલમાં આવશે.
આગમ-દૃષ્ટિએ પરમેષ્ઠી-નમસ્કારનું
•
માહાત્મ્ય :
‘મહાનિશીથ’, ‘નમસ્કાર-નિર્યુક્તિ’ આદિ આગમ ગ્રંથોમાં પરમેષ્ઠી-નમસ્કારમહામંત્રને ‘પંચમંગલ-મહાશ્રુતસ્કંધ' તરીકે ઓળખાવવામાં આવેલ છે. કારણ કે તે (નવકાર) તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાયની જેમ સર્વ આગમોમાં વ્યાપીને રહેલો છે. સર્વ આગમોનું આદિ પદ છે, તેથી સર્વ સૂત્રોના આદિમાં પણ તે અવશ્ય હોય છે.
અગ્નિ આદિના ભય વખતે માણસ કણ-કપાસ આદિ બધું છોડી દઇને જેમ કિંમતી રત્નને ગ્રહણ કરે છે, દુશ્મનોના હુમલા વખતે તલવાર જેવાં સામાન્ય શસ્ત્રોને છોડીને ‘શક્તિ' આદિ અમોઘ શસ્ત્રોનો જ ઉપયોગ કરે છે, તેમ શ્રુતકેવળી જેવા પૂર્વધર-મહર્ષિઓ પણ મરણ સમયે દ્વાદશાંગ-શ્રુતને છોડીને તેનું જ સ્મરણ કરે છે. તેથી નવકાર
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૮૦