________________
(૫) હું ચંદના
હું રાજકુમારી ! વસુમતી મારું નામ ! ખૂબ જ લાડકોડથી ઊછરેલી. દુ:ખનું મોઢું પણ કદી જોયું ન્હોતું ! પણ અચાનક જ કાળે કરવટ બદલી. હું દુઃખ - પિશાચના જડબામાં ધકેલાઇ !
અમારા રાજ્ય પર શત્રુ-સેનાએ હુમલો કર્યો. અચાનક જ થયેલા શત્રુઓના ભારે ધસારાથી મારા પિતાજીને એકદમ ધ્રાસકો લાગ્યો. એમનું હૃદય બેસી ગયું અને તરત જ મૃત્યુ પામ્યા. મંત્રીઓએ આવીને અમને કહ્યું : ‘તમે જલદી-જલદી ભાગી છૂટો. શત્રુઓ હમણાં જ કિલ્લો તોડીને નગરમાં આવી પહોંચશે. પછી બચવું મુશ્કેલ બનશે. જીવતા રહેશો તો કદીક રાજ્ય પામશો. માટે પહેલાં જીવ બચાવો.
મંત્રીની સલાહથી અમે મા-દીકરી ગુપ્ત માર્ગે ભાગી છૂટવા... ! અમારા થોડાક પુણ્યોદયે અમને એક ઘોડેસવાર મળી ગયો. ઘોડા પર બેસીને અમે બહુ દૂર-દૂર નીકળી ગયા... ઘોર જંગલમાં ! પણ દુર્ભાગ્ય અમારી પાછળ ભટકતું હતું ! ઘોડેસવારને કુમતિ જાગી. તેણે મારી માતાને કહ્યું : ‘તું મારી પત્ની બન. હું તને જીવનભર સાચવીશ.’ મારી
મા તો અત્યંત પતિવ્રતા ! આવા શબ્દો સાંભળીને તે સ્તબ્ધ થઇ ગઇ ! તેણીને પોતાનું શીલ જોખમમાં લાગ્યું. આ દુષ્ટ મને ભ્રષ્ટ બનાવે એના પહેલાં જ જીવનનો અંત આણી દઉં. એવો વિચાર કરી જીભ કચરી મારી માતાએ આપઘાત કરી લીધો. માનો મૃતદેહ જોઇ હું રડી ઊઠી ! ઓ નસીબ ! હજુ તારે કેટલા દુઃખો મોકલવા છે ? પિતા ગયા, રાજ્ય ગયું અને માને પણ તે ઝૂંટવી લીધી ? નિરાશાના દરિયામાં ડૂબેલી હું પણ આપઘાત કરવા તૈયાર થઇ. હવે મારે જીવીને કામ પણ શું હતું ? કોના સહારે જીવું ? મારું રક્ષણ ક્યાં ? ઉપરથી આકાશ જતું રહ્યું હતું અને નીચેથી ધરતી ખસી ગઇ હતી. મારે જવું ક્યાં ? હા - પિતા એ જ મારા આકાશ હતા અને મા એ જ મારી ધરતી હતી. હું આપઘાત કરવા તૈયાર થઇ, પણ ઘોડેસવારે મને અટકાવી. મારી માના આપઘાતથી એ આત્મ કથાઓ • ૧૮૦
પણ સ્તબ્ધ બની ગયો હતો. એના દિલમાં માણસાઇના ઝાંખા દીવા ઝબૂક્યા હતા. એ બોલ્યો : બેન ! તું આપઘાત કરીશ નહિ. હું તને કાંઇ નહિ કરું ! તું મારી પુત્રી છે.'
ઘોડેસવારના આવા વચનોથી મને જીવવાની કંઇક હિંમત પ્રગટી. પેલો ઘોડેસવાર મને કોઇ નગરમાં લઇ ગયો, જ્યાં સ્ત્રીઓ વેચાતી હતી તે બજારમાં મને વેચાણની વસ્તુ તરીકે ઊભી રાખી. હું રાજકુમારી અત્યારે બજારમાં દાસીની જેમ વેચાઇ રહી હતી ! હાય નસીબ ! તું ક્યાંથી ક્યાં લઈ જાય છે ? તું દાસીને રાજકુમારી બનાવે છે, તો રાજકુમારીને દાસી બનાવે છે. અકળ છે તારી કરામત ! હું મારા નસીબ પર રડી રહી !
આમ તો જો કે કોઇ દુષ્ટ અક્કા મને ખરીદીને વેશ્યા જ બનાવત, પણ મારું ભાવિ ઊજળું હતું. એક શેઠની મારા પર નજર પડી અને મારું ભાગ્ય પલટાઇ ગયું ! શેઠે વિચાર્યું : ‘આ કોઇ ખાનદાન કન્યા લાગે છે. આને કોઇ વેશ્યા બનાવે એના કરતાં હું મારે ઘેર દીકરી તરીકે રાખું તો એકનું જીવન વેડફાઇ જતું બચશે.’
એ શેઠને ત્યાં હું દીકરી તરીકે રહી. શેઠનું નામ હતું ધનાવહ ! બહુ જ ભલા શેઠ ! પણ એમનાં પત્ની ! ભારે દુષ્ટ ! ભારે કર્કશ ! બોલે ત્યારે ડોળા કાઢીને જ બોલે. શેઠ પર શંકાશીલ પણ એટલાં જ ! એ શેઠાણીનું નામ હતું ઃ મૂળા શેઠાણી ! વહેમીલાં એટલાં કે મને પણ શંકાની નજરે જ જુએ ! શેઠને મારા પર અપાર નિર્દોષ - નિર્મળ પ્રેમ ! પણ શેઠાણીને તો એમાં પણ શંકા જાગે. કમળાવાળાને બધું પીળું જ દેખાયને ?
એમાંય એક વખતે ભારે થઇ ગઇ. શેઠજી બહારથી આવે ત્યારે હું હંમેશાં પગ ધોવરાવતી. એક વખતે મારો ચોટલો પાણીમાં પડી ગયો. શેઠે લાકડીથી તે ચોટલો મારી પીઠ પર મૂક્યો. આ દૃશ્ય જોઇ રહ્યા હતાં શેઠાણી... બસ થઇ રહ્યું ! શંકાનો કીડો સળવળી ઊઠ્યો : આવો પ્રેમ કોને હોય ? માથાના વાળને કોણ હાથ લગાડે ? પ્રેમી જ ને ? શેઠ ઘરડા થયા છે, પણ મન ઘરડું થયું નથી. વાંદરો ગમે તેટલો ઘરડો પરકાય - પ્રવેશ - ૧૮૧