________________
મહારાજની ઝાટકણી કાઢવા માંડી : “મહારાજ ! ધરમ-બરમનો બકવાસ કરવો રહેવા દો. ધર્મ જેવી ચીજ આ જગતમાં છે જ નહિ. ધર્મ આત્મા માટે જ કરવાનો છે ને ? પહેલાં આત્મા જ ક્યાં છે ? એ તો બતાવો ! મેં મારા જીવનમાં આની ખૂબ જ શોધ કરી છે, ખૂબ જ મંથન કર્યું છે, પણ મને આત્માની સાબિતી મળી નથી. જો આત્મા હોય તો શરીરમાં ક્યાંક તો હોવો જોઇએ ને ? એક ચોરને ફાંસી આપવાની હતી, મેં તેના પર પ્રયોગ કર્યો. જીવતેજીવ એના મેં ટૂકડા કરાવ્યા, પણ શરીરના કોઇ ભાગમાં મને આત્મા દેખાયો નથી. હજુ બીજો અનુભવ કર્યું - એક ચોરનું ફાંસી આપ્યા પહેલાં વજન કર્યું અને પછી પણ વજન કર્યું. પરંતુ વજન એટલું જ રહ્યું. જો આત્મા નામનો કોઇ પદાર્થ હોય અને મર્યા પછી ચાલ્યો ગયો હોય તો વજન કંઇક તો ઘટવું જોઇએ કે નહિ ? હજુ પણ મેં પ્રયોગ કર્યા છે. હું પૂરી રીતે ચકાસી લેવા માંગતો હતો. એક ચોરને મેં અત્યંત પેક, ક્યાંયથી હવા પણ દાખલ ન થઇ શકે એવી ઓરડીમાં પૂર્યો. ૧૦-૧૫ દિવસ પછી તેને કાઢ્યો. ચોર મરી ગયો હતો, પણ નવાઇની વાત એ હતી કે ઓરડીની દિવાલોમાં ક્યાંય કાણું કે તિરાડ પડ્યા હતા. જો આત્મા શરીરને છોડી બહાર નીકળ્યો હોય તો
ઓરડીમાંથી પણ નીકળ્યો હશે ને ? તો ક્યાંય કાણું કેમ પડ્યું નહિ ? વળી બીજી વાત. ચોરના મડદામાં કીડાઓ પેદા થઇ ગયા હતા. તમારા મતે તો કીડાઓમાં પણ આત્મા છે. એ બધા આત્માઓ આવ્યા ક્યાંથી ? ઓરડીમાં ક્યાંયથી પણ દાખલ થઇ શકાય એવી જગ્યા તો હતી જ નહિ. આવા-આવા પ્રયોગો કર્યા પછી મને લાગ્યું કે આત્મા નામની કોઇ ચીજ નથી. આત્મા એક ભ્રમણા છે, અથવા તો મનની ચાલાકી છે, અમર રહેવાની ઇચ્છા ધરાવતા મને કરેલી એક બ્રાન્ત શોધ છે. જો આત્મા જ મનની કલ્પના હોય તો પરલોક, સ્વર્ગ, નરક, મોક્ષ વગેરે પણ કલ્પના જ માત્ર છે, એમ સ્વતઃ સિદ્ધ થઇ જાય છે. આત્મા નહિ હોય તો સ્વર્ગ, નરકે કે મોક્ષે જશે કોણ ? મહારાજ ! હું તો સાચું કહું છું કે તમારું સ્વર્ગ પણ તમારા મનની જ માત્ર કલ્પના છે. જે તમને અહીં નથી મળ્યું તે સ્વર્ગમાં મળશે - એવું તમે જૂઠું આશ્વાસન આપીને તમારી જાતને
આત્મ કથાઓ • ૧૪૮
અને આખા જગતને છેતરી રહ્યા છો. માણસના મનમાં પડેલી લાલચમાંથી જ સ્વર્ગનો જન્મ થયો છે. અને માણસના મનમાં રહેલા ભયમાંથી જ નરકનો જન્મ થયો છે. સ્વર્ગ અને નરક એ બીજું કશું નથી, લાલચ અને ભયની પેદાશ માત્ર છે. લાલચ અને ભયના આધારે તો તમારો કહેવાતો ધર્મ ટકી રહ્યો છે. વળી એક વાત પૂછું ? મારા દાદીમા બહુ ધર્મિષ્ઠ હતા. હંમેશા ત્યાગ, તપ, વ્રત-નિયમ વગેરે કરતા જ રહેતા હતા. મેં તેમને મરતાં પહેલાં કહ્યું હતું : દાદીમા ! તમે ધર્મી છો એટલે નક્કી સ્વર્ગે જ જવાના. પણ સ્વર્ગે ગયા પછી મને જરૂર કહેવા આવજો તો મને પણ “સ્વર્ગ છે.' એવો વિશ્વાસ આવશે. તો હું પણ તમારી જેમ ધર્મ કરીશ. મહારાજ ! દાદીમાં ક્યારનાય મરી ગયા છે, પણ આજ સુધી તેઓ કશું કહેવા આવ્યા નથી કે દીકરા ! દુનિયામાં દેવલોક છે. હવે હું ‘દેવલોક છે' એમ તમારા જેવા કોઇ કહે તો શી રીતે માની શકું? હજુ પણ મારી વાત સાંભળો. મારા પિતાજી મારા જેવા જ નાસ્તિક હતા. માંસ, મદિરા, શિકાર વગેરેના ભરપૂર શોખીન હતા. મરતાં પહેલાં મેં તેમને કહ્યું હતું : પિતાજી ! ધર્મી લોકો કહે છે કે જગતમાં નરક છે. પાપીઓને મર્યા પછી ત્યાં જવું પડે છે. ધર્મીઓના મતે તમે પાપી છો. પિતાજી ! જો તમે નરકમાં જાવ તો મને જરૂર કહેવા આવજો. જેથી હું પાપ છોડું અને ધર્મ કરું. મહારાજ ! મારા પિતાજીના અવસાનને વર્ષોના વહાણા વાયા છે, પણ આજ સુધી મને તેઓ કંઈ પણ કહેવા આવ્યા નથી. હવે હું સ્વર્ગ કે નરક શી રીતે માની શકું ? મેં ખૂબ જ સખત શબ્દોમાં કેશી ગણધર ભગવંતની ઝાટકણી કાઢી છતાં તેઓશ્રી શાંત અને સ્વસ્થ રહ્યા. તેમના ચહેરા પર ક્યાંય ઉશ્કેરાટની આછી રેખા પણ મને દેખાઇ નહિ. એમની આંખો વધુ ને વધુ કરુણાર્દ બનતી હોય તેવું મને લાગ્યા કરતું. હું એની સામે જોઉં ત્યારે મને એમ થઈ જતું : ખરેખર, આખી દુનિયાનું સુખ અહીં જ રમી રહ્યું છે. મોક્ષ અને સ્વર્ગની વાત જવા દો, આ મહાત્માએ તો અહીં જ મોક્ષ અને સ્વર્ગ મેળવી લીધા છે. મને હૃદયમાં તેમના તરફ એક જાતનું ખેંચાણ થવા લાગ્યું. મને મારી દલીલો સ્વતઃ નિઃસાર લાગવા માંડી. છતાં હું સભા સમક્ષ અક્કડ ઊભો
આત્મ કથાઓ • ૧૪૯