________________
-
(0) હું ચંડરુદ્રાચાર્ય
મારું નામ તો હતું રુદ્રાચાર્ય, પણ એમ તમે નહિ ઓળખો. ચંડરુદ્રાચાર્ય કહીશ તો જરૂર ઓળખશો. ખરું ને ? તમે પૂછશો : રુદ્રાચાર્યમાંથી ચંડરુદ્રાચાર્ય તમે કેમ બની ગયા ? મારે નિખાલસપણે કહેવું પડશે કે હું ખૂબ જ ગુસ્સેબાજ હતો. વાતે-વાતે મારો પિત્તો ફાટી જતો હતો. મારો કોઇ શિષ્ય કંઇક આડું અવળું કરે એ મારાથી જોવાતું નહિ. હું તરત જ, બધાની વચ્ચે જ તેને ટોકતો. કોઇ ઉદ્ધત શિષ્ય ન માને તો હું વધુ ગુસ્સે ભરાતો. જો કે મારો આશય સારો જ હતો, શિષ્યોને સુધારવાનો જ હતો, પણ શિષ્યોને સુધારતાં-સુધારતાં હું જ ખુદ બગડી ગયો. મારો સ્વભાવ ચંડ-પ્રચંડ બની ગયો. અરે, મારા નામની આગળ પણ ‘ચંડ' શબ્દ લાગી ગયો. હું રુદ્રાચાર્યમાંથી ચંડરુદ્રાચાર્ય બની ગયો, પેલો “કૌશિક' જેમ ચંડકૌશિક બની ગયો. તમે કહેશો આચાર્ય થઇને આટલો ગુસ્સો ? તમારી વાત ખરી છે : મારે જરાય ગુસ્સો કરવો જોઇતો ન્હોતો. સામાન્ય સાધુ પણ ક્ષમાનો ભંડાર હોય, ‘ક્ષમાશ્રમણ’ હોય તો આચાર્યની તો વાત જ શી કરવી ? પણ આચાર્ય બન્યા પછી જવાબદારી વધી જાય છે. મારી નજર સામે જ મારા શિષ્યો બરાબર વર્તતા ન હોય તો હું એ શી રીતે જોઇ શકું? શું શિષ્યોને ટોકવાની મારી ફરજ નહિ? સારણા, વારણા, ચોયણા, પડિચોયણા આદિ શા માટે બતાવ્યું છે ? પ્રશસ્ત કષાય જરૂરી ખરા કે નહિ? પણ પ્રશસ્ત કષાયના નામે હું અપ્રશસ્ત કષાયોના રવાડે ચડી ગયો. પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયની ભેદરેખા બહુ જ સૂક્ષ્મ હોય છે. તમે જરા ગાફેલ રહો કે તરત જ એ ભેદરેખા ભૂંસાઇ જાય. મારા માટે પણ આવું જ કાંઇક બન્યું. પણ મારો આત્મા ગાફેલ હોતો. હું તરત જ ચેતી ગયો. મેં વિચાર્યું : અરર... પ્રશસ્ત કષાયોના નામે અપ્રશસ્ત કષાયોના રવાડે શા માટે ચડવું ? શિષ્યોને સુધારવા જતાં જાતે શા માટે બગડવું ? મારે મારી પાછલી ઉંમર તો શાંતિથી ગાળવી જોઇએ. પણ એના માટે શું
આત્મ કથાઓ • ૧૩૮
કરું ? જરાક ગેરવર્તણુક કરતા શિષ્યોને જોઉં છું ને હું છળી ઊઠું છું. એના કરતાં તો એવા સ્થાને રહેવું કે જ્યાં કોઇ જ શિષ્યો નજરે ચડે નહિ. દેખવું પણ નહિ ને દાઝવું પણ નહિ. કંઇક દેખવા મળે તો કષાયો થાય ને ? દેખવું જ નહિ પછી દાઝવાની વાત જ ક્યાં ? ન રહેગા બાંસ, ન બજેગી બંસરી ! આવું કાંઇક વિચારી હું શિષ્યોથી અલગ સ્થાનમાં રહેવા લાગ્યો. આથી શિષ્યોને પણ શાંતિ થઇ, મને પણ શાંતિ થઇ.
આખરે તો નિમિત્તવાસી આત્મા છે. નિમિત્તો મળે તેવો બની જાય. આગ ક્યાં સુધી બળે ? લાકડાં મળે ત્યાં સુધી. લાકડાં વગેરે બંધ થઇ જાય એટલે ફરજિયાત અગ્નિને બુઝાવું જ પડે. મારા માટે પણ એવું જ થયું. મને ‘લાકડાં' મળતા બંધ થયા, મારે શાંત થવું જ પડ્યું. જો કે આવી શાંતિ છેતરામણી બનતી હોય છે. નિમિત્ત મળતાં જ ભડકો થતાં વાર લાગતી નથી. ખરેખર શાંતિ તો જ કહેવાય કે નિમિત્ત મળવા છતાં મગજ સ્વસ્થતા ન ગુમાવે. નિમિત્ત વિના તો કોણ શાંત ન રહે ? પણ શું કરું? મહાસત્ત્વશાળીઓને સાથે એવી શાંતિ તો મારા નસીબમાં હતી નહિ, મને તો આવી જ શાંતિ (નિમિત્ત ન મળે તો) મળી શકે તેમ હતી. મેં આવી શાંતિથી પણ સંતોષ માન્યો. ભીલની દીકરી, સોનાના ઘરેણાં ન મળે તો તાંબાના ઘરેણાંથી સંતોષ માની જ લે છે ને ? આવી શાંતિની આરાધના કરતાં-કરતો હું ક્યારે કે પરમ શાંતિ પણ પામીશ - એવો આત્મવિશ્વાસ હતો.
મને પરમ શાંતિ મળે એવી એક ઘટના ઘટી.
એક વખતે અમે કોઇ નગરની બહાર ઉદ્યાનમાં ઉતરેલા હતા. મારી શાંતિ માટે હું શિષ્યોથી અલગ સ્થાનમાં આરાધના કરતો હતો. ત્યારે કોઇ યુવકોની ટોળી મારી પાસે આવી પહોંચી. એક યુવકના કપડાં પરથી લાગતું હતું કે તે તાજો જ પરણેલો છે. બીજા એના સાથીદારો હતા. મને વંદન કરીને કહેવા લાગ્યા : બાપજી ! આ ભાઇને દીક્ષા લેવી છે. દીક્ષા લેવા માટે જ બનીઠનીને આપની પાસે આવ્યો છે. બીજા પણ બોલ્યા: હા... હા... મહારાજ ! આ દીક્ષાર્થી છે. મશ્કરા લોકોને શું જવાબ આપવો ? મૌન એ જ તેમનો જવાબ છે. હું મૌન રહ્યો. પણ
આત્મ કથાઓ • ૧૩૯