________________
બનાવી લે ! અંગારા ધગધગતા હોય છે ત્યાં સુધી કોઇ તેને અડવાની હિંમત પણ નથી કરતું, પણ એ જ્યારે બુઝાઇને રાખ બની જાય છે ત્યારે નાની બેબલી પણ તેના પર પગ મૂકીને ચાલી જાય છે. ક્રોધ વગરનો માણસ તો રાખ જેવો છે. એ બધાને પોતાના પર પગ મૂકવા હાથે કરીને આમંત્રણ આપે છે. ક્રોધ વગરનો માણસ તો સાવ નપુંસક છે. એને કોઇ સાંભળતું નથી, એનો કોઈ પ્રભાવ પડતો નથી. આપણે તો જીવવું તો ‘દાદા' થઇને જીવવું, રાખ બનીને શા માટે ? અંગારા-ધગધગતા અંગારા બનીને જીવવું ! કોઇ અડી તો જુએ ! આ હતી મારી માન્યતા; પણ હવે મને સમજાયું હતું કે મારી એ માન્યતા તદ્દન ખોટી હતી. ક્રોધથી કામ થતું હતું, તેના કરતાં ક્ષમાથી કઇ ગણું વધારે થઇ જતું હતું, તે પણ કોઈ જ પ્રયત્ન વિના ! કરનાર પણ આનંદથી કામ કરતો, પ્રેમપૂર્વક રહેતા. હવે મને સમજાયું હતું કે ક્રોધથી મારું કામ થાય છે - એવું જે હું માનતી - તે નર્યો ભ્રમ હતો. ક્રોધથી નહિ, પણ પુણ્યોદયથી મારું કામ થતું. પુણ્ય ન હોય તો માત્ર ક્રોધથી કાંઇ ન વળે. પણ તે વખતે મને પુણ્યોદય દેખાતો નહિ. હું ક્રોધને જ સફળતા આપનાર માનતી. હવે મને સ્પષ્ટ સમજણ મળી હતી. ક્રોધની હેયતા બરાબર સમજાઇ હતી. આથી જ ક્ષમાના મધુર ફળો પણ મને પ્રત્યક્ષ મળવા લાગ્યા.
એક વખતે કસોટીનો પ્રસંગ આવી ચડ્યો. વાત એમ બની કે મારે ત્યાં બે સાધુ મહારાજ વહોરવા આવ્યા... પણ એમણે રોટલી-શાક વગેરે કાંઇ ન માગતાં લક્ષપાક તેલ માંગ્યું. કારણમાં જણાવ્યું કે અમારા એક સાધુ મહારાજ ગામ બહાર કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા હતા ત્યારે અચાનક જ આગથી દાઝી ગયા છે. તેમના ઉપચાર માટે લક્ષપાક તેલની જરૂર છે.
મારી ક્યાં ના હતી ? સાધુ મહારાજની સેવાનો આવો સુંદર મોકો મળે ક્યાંથી ? મેં દાસી પાસેથી લક્ષપાક તેલનો ઘડો મંગાવ્યો. દાસી લેવા અંદર ગઇ.
ધડાકે... અવાજ થયો. મેં જોયું કે દાસીના હાથમાંથી લક્ષપાક તેલનો ઘડો પડી ગયો હતો. ફૂટી ગયો હતો, તેલ નીચે ઢોળાઇ ગયું હતું. મને એની લેશ ફીકર થઇ નહીં. દાસી વિલખી પડી ગઇ. એને
આત્મ કથાઓ • ૧૨૪
એમ કે આજે શેઠાણીની કમાન છટકી સમજો. પણ હું કાંઇ ગુસ્સો કરું ? મેં કહ્યું : તું ચિંતા ન કર. એ તો હોય. ફૂટી જાય. માણસ પણ ક્ષણમાં મરી જાય તો બિચારો માટીનો ઘડો ફૂટે તેમાં નવાઇ શી ? જા, બીજો ઘડો લઇ આવ, પણ સંભાળીને લાવજે.
દાસી ફરી અંદર ગઈ !
ધડામ... ફરી અવાજ આવ્યો. મારા આશ્ચર્ય સાથે ફરી ઘટો ફૂટ્યો હતો. મને સમજાયું નહિ. આવી કુશળ દાસી આવું કેમ કરે છે ? એના હાથે નાનકડી ચીજ પણ ક્યારેય પડતી કે ફૂટતી મેં કદી જોઇ નથી. આજે આમ કેમ ? પણ હોય... ક્યારેક ફૂટી પણ જાય, બીજી વાર પણ ફૂટે. મેં ફરીથી ત્રીજી વાર દાસીને ઘડો અત્યંત કાળજીપૂર્વક લાવવા કહ્યું. પણ રે, ત્રીજી વખત પણ એ જ ભૂલનું પુનરાવર્તન ! હવે તમે જ કહો મારા જેવીનો ક્રોધ ઝાલ્યો રહે ખરો ?
લક્ષપાકે તેલને તમે સામાન્ય નહિ સમજતા. એક ઘડાની કિંમત એક લાખ સોનામહોર થાય. ત્રણ-ત્રણ લાખ સોનામહોરનું નુકશાન થાય અને મારા જેવી શાંત રહે, એ તમે કલ્પી શકો ખરા ? તમે કલ્પો કે ન કલ્પો, પણ એ હકીકત હતી કે હું શાંત, સંપૂર્ણ શાંત રહી. દાસી પર સહેજ પણ ગુસ્સો ન આવ્યો, પણ મને મારી જાતને જ ઠપકો આપવાનું મન થયું : રે જીવ ! સાધુ ભગવંત તારે ઘેર આવે અને તું દાસીને હુકમ કરે છે ? તું પોતે જ ઘડો લાવે તો શું વાંધો છે ? શું તારું શેઠાણીપણું જતું રહેવાનું છે ?
- હવે ચોથીવાર હું પોતે જ ઘડો લેવા ગઇ. સાવધાનીપૂર્વક લાવી અને મુનિ ભગવંતને વહોરાવ્યું. મને થયું જોયું? માણસ સાવધાનીપૂર્વક લાવે તો ઘડો થોડો ફૂટે ? મારો ઘડો ક્યાં ફૂટ્યો ? (ખરેખર તો મારા શીલના પ્રભાવથી ઘડો ફૂટ્યો નહોતો.)
‘બેન ! તમારા ત્રણ-ત્રણ ઘડા તૂટી ગયા, તમને અમારા નિમિત્તે કેટલું નુકશાન થયું ? હવે દાસી પર ગુસ્સો નહિ કરતા.” વહોરવા આવનાર મુનિ ભગવંતે મને કહ્યું. અરે ગુરુદેવ ! આ શું બોલ્યા ? નુકશાન ? શાનું નુકશાન ?
આત્મ કથાઓ • ૧૨૫