________________
ખરેખર મારી આશા ફળી. એક દિવસ મારો ભાઇ ઇન્દ્રદત્ત વેપાર માટે ત્યાં આવી ચડ્યો. મારા તરફ તેની નજર ચડી. જો કે હું ખૂબ જ દુર્બળ થઇ ગયેલી હોવાથી મને તરત જ ઓળખી શક્યો નહિ, પણ થોડી જ વારમાં તેને લાઇટ થઇ : ઓહ! આ તો મારી જ બેન ! કેટલાય વખતથી ખોવાઇ ગયેલી... ! શોધવા માટે આકાશ-પાતાળ એક કરેલા, પણ ક્યાંય મળી નહિ, અમે તો આશા જ છોડી દીધી. શોધવાના પ્રયત્નો પણ લગભગ છોડી દીધા. પણ કુદરતનું ગણિત અકળ હોય છે. જ્યાં તમારા પ્રયાસ છુટી જાય છે, ત્યાં જ તમને ઘણીવાર ઇષ્ટની પ્રાપ્તિ થઇ જતી હોય છે.
મારો ભાઇ મારી પાસે આવી પહોંચ્યોં. મેં મારી કરુણ કથની કહી સંભળાવી. અમે બંને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. અમારું રુદન હર્ષ-શોકથી મિશ્રિત હતું. દુઃખ પડ્યું તેનું દુઃખ હતું, મિલન થયું તેનો આનંદ હતો.
મારો ભાઇ મને પિતાજીની પાસે લઇ ગયો. મારા પતિને આ સમાચાર મળતાં જ તેઓ મને લેવા આવ્યા. મને તો એમ કે હવે મારા પતિ મારી સામું પણ નહિ જુએ. મારા જેવી ક્રોધમુખી - કાળમુખી – જ્વાળામુખીને કોણ બોલાવે ? પણ મારા પતિનો મારા પર અનહદ પ્રેમ હતો, અકૃત્રિમ સ્નેહ હતો. જ્યાં સ્નેહ હોય છે ત્યાં દોષો હોય તો પણ દેખાતા નથી. પ્રેમ જ એવું અંજન છે, જે આંખમાં આંજો તો પ્રેમ-પાત્રના દોષો કદી દેખાય જ નહિ. આ જ પ્રેમનો વ્યાપ વધતો જાય, આખા વિશ્વ પર પ્રેમ ફેલાઇ જાય તો કોઇના પણ દોષો દેખાય ખરા? કોઇના પર પણ ગુસ્સો આવે ખરો ? જોયું ? હવે હું તમને - ઉપદેશ આપવા લાગી ગઇ. ગાંડી સાસરે જાય નહિ ને ડાહીને શીખામણ આપે ! પણ અનુભવે હું શીખી છું કે ગુસ્સો કરવો એ કોઇ ડહાપણનું કામ નથી. ગુસ્સો કરવાથી બીજાને નુકશાન થાય કે ન થાય, પણ ગુસ્સો કરનારને પોતાને તો નુકશાન થાય જ થાય. સાપ અને વીંછીના ઝેર કરતાં પણ ગુસ્સાનું ઝેર ખતરનાક છે. સાપ કે વીંછીમાં રહેલું ઝેર તેને પોતાને મારતું નથી, જ્યારે ક્રોધનું ઝેર સંઘરનારને પોતાને જ ખતમ કરી નાખે છે. પોતાને નુકશાન કરે એવો સોદો કયો ડાહ્યો વેપારી કરે ?
આત્મ કથાઓ • ૧૨૨
મને ક્રોધના કડવા વિપાક અનુભવવા મળ્યા હતા. જો કે આવા વિપાકો જરૂરી હતા. નહિ તો હું કદાચ કદી પણ શીખી શકત નહિ કે ક્રોધ ખતરનાક છે. જીવનભર હું ક્રોધમુખી રહેત. મારું સમગ્ર જીવન ક્રોધની આગમાં ખાખ બની જાત.
બીજા માણસો તમને ક્રોધ ન કરવા માટે લાખ ઉપદેશ આપે, પણ કદાચ તમારો ક્રોધ નહિ જાય. પણ તમે સ્વયં જ્યારે અનુભવો કે ગુસ્સાથી મને જ નુકશાન થઇ રહ્યું છે. ક્રોધ એ તો આગ છે. બીજાને તો બાળતાં બાળશે, પણ જ્યાં ઉત્પન્ન થયેલી હશે તે લાકડાને તો સૌ પ્રથમ બાળશે. જો તમે સ્વયં આ રીતે જુઓ અને અનુભવો તો મારી જેમ આ જ પળે ગુસ્સાનો ત્યાગ કરી દો. માટે જ તમે કહો છો ને ?
આત્મા સુધરે તો આપથી, નહિ તો સગા બાપથી પણ નહિ.
મારા પતિ મને લેવા આવ્યા. એમના આવા નૈસર્ગિક પ્રેમથી હું અત્યંત પ્રભાવિત બની ગઇ. હવે મેં નક્કી કરી લીધું હતું. ગુસ્સો કદી કરવો નહિ. પતિ પર કદી હુકમો છોડવા નહિ. ઊલટું પતિની દરેક આજ્ઞા પ્રેમપૂર્વક સ્વીકારવી.
હવે હું અત્યંત ક્ષમાશીલ બની ગઇ હતી. મારા સ્વભાવમાં આવેલા પરિવર્તનથી બધા આશ્ચર્ય સાથે આનંદ અનુભવવા લાગ્યા. હવે ઘરના વાતાવરણમાં પરિવર્તન આવ્યું. પહેલાં ઘરના નોકરો મારાથી થરથર ધ્રૂજતા, મને જોતાં જ ક્યાંક આડા-અવળા થઇ જવા પ્રયત્ન કરતા. કદાચ કામ કરવું પડે તો પરાણે કરતા... હવે તેઓ મારા કહ્યા વિના જ સુંદર રીતે કામ કરવા લાગ્યા. મારી પાસે નિખાલસતાથી વાતો કરવા લાગ્યા. માત્ર નોકરો જ નહિ, સ્નેહી-સ્વજનોમાં પણ આ રીતે જ પરિવર્તન આવી ગયું. પહેલાં તેઓ કદી મારી નજરે ચડતા નહિ, ચડી જાય તો ઝટપટ ભાગવા મથતા, પણ હવે હું જોઈ રહી હતી કે બધા મને પ્રેમપૂર્વક ચાહી રહ્યા છે.
પહેલાં હું માનતી કે ક્રોધ તો જોઇએ જ. ક્રોધ વિના તો બધા માથે ચઢી બેસે. સાવ ઠંડા-ઠંડા બેસી રહીએ તો લોકો આપણા માથા પર રસ્તો
આત્મ કથાઓ • ૧૨૩