________________
એ બધાનો આદર કરવાનો છે ! ક્યાંયથી ભાગવાનું નથી. બધેય અડોલ થઇને તટસ્થ થઈને રહેવાનું છે. અનુકૂળતામાં આસક્ત નથી બનવાનું ને પ્રતિકૂળતામાં વિરક્ત નથી બનવાનું !
પણ એ ક્યારે બની શકે ? શરીરને બરાબર કેળવેલું હોય તો.
મેં મારા શરીરને બરાબર કેળવેલું હતું ! મૃત્યુ સુધીના કષ્ટને પણ સહી શકે ત્યાં સુધી કેળવેલું હતું ! તપશ્ચર્યાથી, સાધનાથી, ધ્યાનથી, કાયોત્સર્ગથી, બધી પ્રક્રિયાઓથી મેં શરીર અને મનને બરાબર તાબેદાર બનાવ્યા હતા. મારી આજ્ઞા પ્રમાણે ચાલનારા સેવકો બનાવ્યા હતા.
હું તે વખતે શરીર અને મનથી પર થઇ ગયો... એટલી વિશુદ્ધિમાં હું પહોંચી ગયો કે ધીરે ધીરે બધા જ પડદા હટી ગયા. હું શરીર, મન, વચન, ભાવ, કર્મ વગેરે બધાથી પર એવા પ્રદેશમાં પહોંચી ગયો જ્યાં કેવળજ્ઞાનનો સૂર્ય ઝગારા મારી રહ્યો હતો. જે ક્ષણે મને કેવળજ્ઞાન થયું એ જ ક્ષણે મારું આયુષ્ય પૂરું થયું. કાયમ માટે સિદ્ધશિલામાં બિરાજમાન થઇ ગયો.
તમે કહેશો : તમને પેલા માણસો મારવા કેમ આવ્યા ? એનું કારણ તો કાંઇ તમે જણાવ્યું નહિ. રાજાએ આવી આજ્ઞા શા માટે કરી ?
વાત એમ બનેલી કે હું જ્યારે ગોચરી માટે રાજમાર્ગ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઝરૂખામાં બેઠેલી રાણીની મારા પર નજર પડી. રાણી મારી સંસારી સગી બેન થતી હતી. પોતાના ભાઇને ઊઘાડા પગે તપ-કુશ દેહે ઘેર-ઘેર ફરતા જોઇ એની આંખમાં આંસુ આવી ગયા : અરેરે... હું અહીં રાજમહેલમાં મોજ કરું છું અને મારો ભાઇ કેટલા કષ્ટો સહે છે ?
સ્ત્રીઓ આમેય લાગણીશીલ હોય છે. કોઈ પણ એવી ઘટનાથી તરત જ આંસુ આવી જાય.
રાણીની આંખમાં આંસુ જોઇ રાજા શંકાશીલ બન્યો. રાજાએ જોયું કે રાણીની નજર નીચે જતા સાધુ પર છે. ચોક્કસ આ સાધુ મારી રાણીનો યાર છે. એને જોઇને, એને યાદ કરીને જ આ રડી રહી છે. રાજાનું
શંકાશીલ મન બોલી ઊઠ્યું.
પ્રેમીઓ હંમેશા ઇર્ષ્યાળુ હોય છે. પોતાના પાત્રનો કોઇની સાથે સંબંધ જોતાં તરત જ ઇર્ષ્યાથી સળગી મરે છે, તરત જ અવળી કલ્પના કરી લે છે.
રાજાએ સાવ જ અવળી કલ્પના કરી લીધી : ચોક્કસ મારી પત્નીનો આ સાધુ સાથે સંબંધ છે. હવે આ સાધુ જીવતો રહી જાય એ વાતમાં કોઇ માલ નથી.
રાજાએ તરત જ મારો વધ કરવાનો આદેશ આપી દીધો. રાજા એટલો બધો બહાવરો બની ગયો હતો કે બે મિનિટ વિચારવા પણ થોભ્યો નહિ, કોઇને પૂછ્યું પણ નહિ. રાણીને તો ઠીક.. બીજા કોઇને પણ પૂછ્યું નહિ. રાજાએ તો મારાઓને સીધો આદેશ જ આપી દીધો. જાઓ... પેલા સાધુડાની ચામડી ઊતરડી લો.
તમે કહેશો : આ કોઇ મારવાની રીત છે? મારવાની આવી રીત કેમ પસંદ કરી ? તલવારથી ડોકું પણ ઊડાવી શકત. બીજી રીતે પણ મારી શકત. પણ આવી ઘાતક રીત કેમ પસંદ કરી ?
એમાં પણ કારણ છે. મેં પૂર્વભવમાં એવાં કર્મ કરેલાં હતાં માટે રાજાને એવી બુદ્ધિ સૂઝી.
- પૂર્વના કોઇ એક ભવમાં હું શેઠ હતો. એક વખતે હું ચીભડું છોલી રહ્યો હતો. ચપ્પથી મેં અખંડ છાલ ઉતારીને કહ્યું : જોઇ મારી કળા ? છાલ ક્યાંય તૂટી છે ? આવું તમને આવડે ?
તે વખતે હું એ ભૂલી ગયો કે ચીભડું પણ સજીવ હોય છે. માણસને ચામડી ઉતારતાં જેટલું દર્દ થાય તેટલું જ દર્દ છાલ ઉતારતાં તેને થાય
અહીં મારે દિલમાં દર્દ રાખવું જોઇતું હતું, પણ મેં તો ગર્વ કર્યો : હું કેવો હોંશિયાર ? એકીસાથે અખંડ છાલ ઉતારી લીધી !
આવા વિચારોથી મેં ચીકણા કર્મ બાંધ્યા. એ જ કર્મો અત્યારે ઉદયમાં આવ્યા. શેઠ તે હું અંધક મુનિ બન્યો ને પેલું ચીભડું તે રાજા બન્યું. મેં છાલ ઉતારી હતી, તેણે આ ભવમાં મારી ચામડી ઉતરાવી !
આત્મ કથાઓ • ૧૧૫
આત્મ કથાઓ • ૧૧૪