________________
કહે તેથી હું થોડો મઢ કે ગમાર બની જવાનો હતો? કોઇ તપસ્વી કહે તો થોડો તપસ્વી બની જવાનો હતો ? આપણે એવા મૂર્ખ છીએ કે લોકો જેવા આપણને કહે તેવી આપણે આપણી જાતને માની લઇએ છીએ, સાચા સાધકો કદી દુનિયાની પરવા કરતા નથી. તે તો પોતાની મસ્તીમાં જીવે છે. આવી મસ્તી જ, આવો આનંદ જ એમને સાધનામાં વેગ આપે છે. આનંદ જ તમારી પ્રગતિનું પ્રમાણ-પત્ર છે. લોકો શું બોલે છે તે નહિ, પણ તમારી અંદર આનંદ કેટલો વધ્યો ? એ જ તમારી સાધનાનું પ્રમાણ ! જેમ જેમ આનંદ વધતો જાય, તેમ તેમ સમજવું કે મારી સાધના સારી રીતે ચાલી રહી છે.
લોકોને ભલે દૂબળો લાગતો હતો, પણ મારી અંદર આનંદ તો દિવસે દિવસે વધી રહ્યો હતો. આ આનંદ જ મને જણાવતો હતો કે હે મુનિ ! તું સાચા માર્ગે છે. આવો આનંદ જ તપ સાથે સમતા આપે છે. આવો આનંદ જ સાધનામાં અજોડ ઉલ્લાસ બક્ષે છે. આવો આનંદ જ ગમે તેવા પ્રતિકૂળ વાતાવરણને પણ વધાવી લે છે.
એક વખતે હું નગર બહાર ધ્યાન કરી રહ્યો હતો. મારી પાસે બે માણસો આવ્યા. એમના હાથમાં તીક્ષ્ણ કુહાડીઓ હતી. મને કહેવા લાગ્યા : “મહારાજ ! રાજાની આજ્ઞા પ્રમાણે અમારે તમારી ચામડી છોલવાની છે.”
મરણાન્ત ઉપસર્ગ મેં સામે જોયો, છતાં મારું રૂંવાડું પણ ન ફરક્યું. હું મધુર સ્મિત વેરતાં બોલ્યો : ભલે ભાઇઓ ! રાજાની આજ્ઞા પ્રમાણે ચાલવું તમારી ફરજ છે. તમ-તમારે ચામડી છોલવા માંડો. મારી કોઇ પરવા ના કરો. તમે કહો તેમ હું ઊભો રહું. તમને જરાય તકલીફ પડવી ન જોઇએ. મારી ચામડી એકદમ બરછટ અને રૂક્ષ બની ગઇ છે એટલે તમને તકલીફ પડશે. માટે જ તમે કહો તેમ ઊભો રહું..
મારી વાત સાંભળી પેલા તો સ્તબ્ધ બની ગયા. એમની ધારણા તો એવી હતી : આવી વાત સાંભળતાં જ સાધુ ભાગવા માંડશે, ગુસ્સો કરશે, ગાળો બોલશે અથવા અમને મીઠાશથી સમજાવવા પ્રયત્ન કરશે, પણ આ અમે શું જોઇ રહ્યા છીએ ? આવો અદ્દભુત માનવી અમે અમારી
આત્મ કથાઓ • ૧૧૨
જિંદગીમાં જોયો નથી, જે કહે : તમે મારી ચામડી છોલો. તમને અનુકૂળ આવે તેમ હું ઊભો રહું ! આ માણસને આપણે શું કહેવું ? આ માણસને આપણે કેવી રીતે હરાવવો ? જે પોતે હારેલો જ ઊભો રહી જાય તેને તમે શી રીતે હરાવી શકો ? આ માણસને કેવી રીતે મારવો ? એણે તો મૃત્યુને પણ મારી નાખ્યું છે, આવા મૃત્યુંજયી માણસને આપણે શું મારવાના ? અરેરે... આવી રાજાજ્ઞા આપણા માથે ક્યાં આવી ચડી ? ભગવાનને પ્રાર્થના કે કોઇને પણ આવું કામ કરવાનો અવસર આપે નહિ.
એ માણસોના મુખ પરના ભાવો હું વાંચી ગયો. મેં કહ્યું : ડરો છો શું ? તમે તો રાજાના સેવક છો. હું સ્વસ્થ ઊભો છું. તમે તમારું કામ કરી શકો છો. પેલાઓ મારી ચામડી ઊતરડવા લાગ્યા. ચ... ૨... ૨... ચ... ૨... ૨... મારી ચામડી છોલાવા લાગી. ભયંકર વેદના થવા લાગી, પણ વેદના કોને ? શરીરને. મારા આત્માને શું ? વસ્ત્ર ફાટે એમાં આપણને શું ? શરીર પણ એક વસ્ત્ર જ છે ને ? વસ્ત્ર છ મહિનામાં ફાટી જાય છે... શરીર ૫૦-૧૦૦ વર્ષમાં ફાટી જાય છે. શરીર થોડું ટકાઉ છે. બાકી ફરક શું ?
તમે કહેશો : આવા મરણાન્ત કષ્ટથી તમે ડરી ન ગયા ? તમે અસ્વસ્થ બની ન ગયા ?
ડરવાની વાત જ ક્યાં ? ડર જ ન હોય તો અસ્વસ્થતા આવે ક્યાંથી ? અસ્વસ્થતાનું મૂળ ડર છે. જ્યાં ડર ન હોય ત્યાં કદી અસ્વસ્થતા નહિ આવે. હું તો કોઇ પણ પ્રસંગનો સત્કાર કરવા તૈયાર રહેનારો સાધક હતો. સાધના કરતાં-કરતાં હું એટલું શીખ્યો હતો કે જીવનના સહજ ક્રમમાં જે કાંઇ પણ આવે તેનો સત્કાર કરવો. આપણે સુખનો સત્કાર કરીએ ને દુ:ખનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? દિવસનો સ્વીકાર કરીએ ને રાતનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? વસંતનો સ્વીકાર કરીએ અને પાનખરનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? છાંયડાનો સ્વીકાર કરીએ ને તડકાનો ઇન્કાર કરીએ એ શી રીતે ચાલે ? આ તો સહજ ક્રમ છે. રાત અને દિવસનો, વસંતનો ને પાનખરનો, તડકાનો અને છાંયડાનો ! સુખનો અને દુઃખનો ! માનનો અને અપમાનનો !
આત્મ કથાઓ • ૧૧૩