________________
-
(૧૫) હું સહુમાર
કે
દરેક માણસમાં કાંઇક ને કાંઇક વિશેષતા હોય છે. વિશેષતાના કારણે એ બીજાથી અલગ પડે છે. વિશ્વમાં કરોડો માણસો છે, પણ કોઇ બે માણસ સંપૂર્ણ એક સરખા નથી. દરેકના મુખ, સ્વર, આકાર, વ્યક્તિત્વ, સંયોગ, બુદ્ધિ વગેરે અલગ-અલગ છે. એટલે જ દરેક માણસ ‘અજોડ' છે.
કુદરત દરેકને ‘અજોડ બનાવવા ચાહે છે. એ બીબાઢાળ એક સરખા માનવોને પેદા કરતી નથી. નિત્ય-નવીનતા એ કુદરતનું કામ છે !
મારામાં કુદરતે એક વિશેષતા મૂકી હતી : રૂપની ! રૂપ એટલે અદ્ભુત ! તમને દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવું !
મળેલી વિશેષતા પચાવવી અઘરી છે. મને ઊંડે-ઊંડે ગર્વ હતો : હું રૂપાળો છું. બીજા બધા કોલસા ને હું એક સોનું. બીજા બધા કાળમીંઢ પથ્થર અને હું બરફનો શ્વેત હિમાલય !
એક વખતે હું સ્નાન કરી રહ્યો હતો ને બે બ્રાહ્મણો મને મળવા આવ્યો. મેં પૂછ્યું : “શા માટે આવ્યા છો ?”
“અમે તમારું રૂપ જોવા આવ્યા છીએ.” જવાબ મળ્યો.
હું ગર્વ અનુભવી રહ્યો : મારા રૂપની કેટલી પ્રસિદ્ધિ ! કેટલો મહિમા ! લોકો દૂર-દૂરથી મારું રૂપ જોવા આવે છે.
પણ હું મૂરખ એટલુંય ન સમજી શક્યો કે આમાં મારી પોતાની વિશેષતા શી ? આ રૂપ તો જન્મથી મળેલી ભેટ છે, મેં કાંઇ અર્જિત કરેલ નથી. એમાં મલકાવું શું ? લોકોના ટોળા જોવા આવે તેમાં રાજી શું થવાનું ? લોકો તો તમાશા પ્રેમી હોય છે. ગામમાં એક હાથી આવે તોય લોકોનું ટોળું ભેગું થઇ જાય છે. આમાં હાથીએ થોડું અભિમાન કરવાનું હોય ? પણ હાથી અભિમાન નથી કરતો, માણસ કરે છે. હાથી માણસ કરતાં વધારે સમજદાર હોય - એવું નથી લાગતું ? મારું રૂપ જોઇ મોં મલકાવતા બ્રાહ્મણો બોલી ઊઠ્યા : શું અદ્ભુત
આત્મ કથાઓ • ૧૦૨
રૂપ છે ! જાણે એકી સાથે સો-સો પૂનમના ચન્દ્ર ખીલી ઊઠ્યા ! તમારું રૂપ ઘડીને વિધાતાએ ખરેખર હાથ ખંખેરી નાખ્યા હશે ! માટે જ જગતમાં બીજે ક્યાંય આવું રૂપ અમને જોવા મળ્યું નથી ને ! ખરેખર અમારો ફેરો સફળ થઇ ગયો. તમારા રૂપની પ્રશંસા સાંભળી અમને જોવાનું મન થઈ આવ્યું. પણ રસ્તામાં ઘણીવાર વિચાર આવતાઃ હવે માણસના રૂપમાં શું જોવાનું હોય ? જોયા પછી નાહક પસ્તાઈશું : અરેરે... આ તો ધક્કો માથે પડશે... ઘણીવાર દુરથી જેટલું સંભળાય છે, નજીકમાં એટલું લાગતું નથી. એવું ઘણીવાર જીવનમાં બન્યું છે. દૂરથી પ્રશંસા સાંભળી જેમની પાસે ગયા ત્યાં અમને એવું કાંઇ લાગ્યું નથી. ડુંગરા દૂરથી રળિયામણા ! પણ અહીં આવ્યા પછી અમને પસ્તાવો તો નથી થયો, પણ ખૂબ ખૂબ આનંદ થયો છે. ‘ડુંગરા દૂરથી રળિયામણા' એ ઉક્તિ બીજે સાચી હશે, પણ આપના માટે તો નહિ જ. ખરેખર આજે અમારી આંખો સાર્થક થઇ છે. આપને ન જોયા હોત તો ખરેખર અમારું જીવતર એળે ગયું ગણાત.
બ્રાહ્મણોની વાત સાંભળી હું મનોમન પોરસાઈ ઊઠ્યો : કેવો અદ્ભુત હું માનવી ? એક તો હું રૂપનો ગર્વ હતો જ, વળી આ પ્રશંસા સાંભળવા મળી, પછી બાકી શું રહે ? એક તો ઝેર અને વળી એને વધારવામાં આવે... એક તો વાઘનું બચ્ચું અને વળી એને છંછેડવામાં આવે... એક તો માંકડું અને વળી એને દારૂ પીવડાવવામાં આવે... બાકી શું રહે ?
સાવ કદરૂપો માણસ પણ અરીસામાં પોતાનું મોટું જોઇ મલકાઇ શકતો હોય તો હું તો સ્વરૂપવાન હતો. મારી જગ્યાએ બીજો કોઇ હોય તો મારાથી કઇ ગણો વધુ ગર્વ કરે.
મને એ ભલા-ભોળા બ્રાહ્મણોની વાત સાંભળી હસવું આવ્યું : બિચારાઓને ખબર નથી અસલી રૂપ કેવું છે? મેં તેમને કહ્યું : “ભૂદેવો ! અત્યારે ખુલ્લા શરીરે શું રૂપ હોય ? મારા રૂપનો નિખાર જોવો હોય તો આવજો રાજદરબારમાં. સર્વ અંગે આભૂષણો પહેરી સિંહાસન પર બેઠો હોઉં ત્યારે રૂપની ગરિમા કોઇ જુદી જ હોય છે. સ્નાન કરતી વખતે કાંઇ રૂપ જોવાય ?'
આત્મ કથાઓ • ૧૦૩