________________
મારા જેવો ભલી-ભોળો જુવાનીયો શી રીતે ટકે ?
આઠ-આઠ દિવસ નિષ્ફળતા મળી છતાં હું નિરાશ ન થયો. મેં વિચાર્યું : જો દાન મેળવવું હોય તો મારે અહીં જ ક્યાંક સૂવું પડશે. ત્યાંથી અહીં આવતાં થોડુંક મોડું થઇ જાય છે ને વચ્ચે કોઇ હડપ્પ કરી જાય છે.
...ને હું રાજમહેલની બાજુના જ મેદાનમાં સૂઇ રહ્યો. સૂતી વખતે મેં દઢ સંકલ્પ કર્યો : મારે વહેલા ઊઠવું છે. વહેલા ઊઠવું છે... વહેલા ઊઠવું છે. આપણું અજાગૃત મન આપણે જે સૂચનાઓ આપીએ તેનો સ્વીકાર કરી લેતું હોય છે ને એ પ્રમાણે અમલ પણ કરતું હોય છે. તમે ક્યારેક પ્રયોગ કરી જોજો. સવારે વહેલા ઊઠાતું ન હોય તો આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. સૂતી વખતે મનમાં દઢતાપૂર્વક ઉચ્ચારણ કરવું : “મારે અમુક સમયે ઊઠવું છે.” ૧૦-૨૦ વખત ઉચ્ચારણ કરી સૂઇ જવું. પછી જોજો. તમારું મન તમને જગાડે છે કે નહિ ? નિર્ધારિત સમયે ચોક્કસ તમારી આંખ ઉઘડી જશે. પછી આળસને છોડી ઊઠવાની હિંમત તમારામાં જોઇએ. નહિ તો ઘણી વખત માણસ જાગીને પણ સૂઇ જાય ! સવારની મીઠી ઊંઘ છોડવી મુશ્કેલ છે. પણ મેં મનને જરા વધારે પડતી સૂચના આપી દીધેલી. ઉત્સુકતા ખૂબ જ હતીને ? અર્ધી રાત્રે જ મારી ઊંઘ ઊડી ગઇ. આકાશમાં ચન્દ્રનો ઉદય થઇ ચૂક્યો હતો. પણ હું સમજ્યો કે સૂર્યોદય થઇ ચૂક્યો છે. મોહાંધને આવું જ દેખાયને?
બાપ રે... ઘણું મોડું થઇ ગયું. આજે પણ દાન નહિ મળે તો ? ને... હું મૂઠીઓ વાળી ભાગ્યો રાજમહેલ તરફ... અર્ધી રાત્રે આમ ભાગતા માણસને કોઇ પણ શંકાની નજરે જ જુએ ને ? ચોકીદારોએ મને ચોર સમજીને પકડી લીધો.
સવારે રાજા સમક્ષ મને હાજર કર્યો ત્યારે મેં બધી વાત ચોખેચોખ્ખી કહી દીધી. મારી નિર્દોષતા તરફ રાજાને વહાલ ઊભરાયું. બાળકની જેમ જે સાચું બોલી જાય તેને સામી વ્યક્તિ તરફથી પિતાની જેમ વહાલ મળે. પણ સાચું કહેવાની હિંમત જોઈએ, નિર્દોષતા જોઇએ.
ખુશ થયેલા રાજાએ મને આજે વરદાન માંગવા કહ્યું છે ને હું ક્યાંથી ક્યાં પહોંચ્યો ?
આત્મ કથાઓ • ૧૦૦
જ્યાં બે માસાની જ વાત હતી ત્યાં હું આખું રાજ્ય જ ઝુંટવી લેવા તૈયાર થયો છું ! અરેરે... મનની દોડનો તે કોઇ અંત છે ? આ મનના કહ્યું દોડતા ગયા દોડતા ગયા તો થાક સિવાય કશુંય મળવાનું નથી. મનને ગમે તેટલું મળે, પણ એ તૃપ્ત નથી થવાનું. કારણ કે એને તળિયું જ નથી. આવા મનને આપણે અનાદિકાળથી ભરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આજ સુધી સફળતા મળી નથી. મને પણ ક્યાંથી ? દિશા જ ઊંધી છે પછી મંઝિલ મળે ક્યાંથી ? મનને તૃપ્ત કરવાનો માર્ગ છે ભરવું બંધ કરવું! જ્યાં તમે ભરવાનું બંધ કરો છો, એ જ ક્ષણે મનમાં તૃપ્તિનું અવતરણ શરૂ થાય છે. લાકડાં નાખવા એ અગ્નિને શાંત કરવાનો માર્ગ નથી. લાકડાં નાખવા બંધ કરવા એ માર્ગ છે. તમે લાકડાં નાખવાનું બંધ કરો છો એ જ ક્ષણથી અગ્નિ શાંત થવાનું શરૂ કરે છે.
મેં મનની આગને ઇચ્છાના ઇધન આપવાનું બંધ કર્યું. મારા લોભના ભડકાઓ શાંત થવા લાગ્યા. ધીરે.. ધીરે... મને મનનાં રહસ્યો છતા થવા લાગ્યા. આખરે હું મનથી પેલે પાર પહોંચી ગયો. માત્ર મનથી જ નહિ, શરીર, વચન, મન, ઊર્મિ, ભાવના, કર્મ વગેરે તમામથી હું પર થઇ ગયો. હું મારા શુદ્ધ સ્વભાવમાં ડૂબી ગયો અને જ્યાં વીતરાગતામાં ડૂબકી લગાવી કે બીજી જ ક્ષણે કેવળજ્ઞાન મને મળી ગયું. હું કેવળી બની ગયો.
લોચ કરી સાધુ-વેષ ધારણ કરી હું રાજ-દરબારમાં જઈ પહોંચ્યો. રાજાએ માંગવાની વાત કરી ત્યારે મેં કહ્યું :
"जहा लाहो तहा लोहो, लाहे लोहो पवड्डइ । दो मासकयं कज्जं कोडीए वि न निटिअं ॥"
“રાજન ! મારા લોભને કોઇ અંત હોતો. આજે લોભની નિરર્થકતા સમજાઇ છે.
રાજનું ! હવે મારે કશું જોઇતું નથી. અનંત-અનંત કાળથી જેને હું શોધતો હતો તે મને મળી ગયું છે. રાજનું ! ધર્મલાભ.
...ને હું ચાલતો થયો.”
આત્મ કથાઓ • ૧૦૧