________________
બાળકો સ્વચ્છંદી, રિસાળ અને આળા બની જતા હોય છે, ભણવામાં પણ ઢ હોય છે. હું પણ ભણવામાં ઢબુ જ રહ્યો.
એક વખત રસ્તા પર ઠાઠમાઠથી જતી પાલખીને જોઇ મારી મા રડતી હતી. મેં રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે કહ્યું: બેટા ! એક દિવસ તારા પિતાજીનો પણ આવો જ ઠાઠ હતો. આ રાજપુરોહિતની પાલખી છે. તારા પિતાજી રાજમાન્ય પુરોહિત હતા. આવા જ ઠાઠથી રાજદરબારમાં જતા હતા... પણ તેમના અવસાન પછી આ પદ બીજાને આપવામાં આવ્યું. બેટા ! તું કાંઇ ભણ્યો નહિ. ભણ્યો હોત તો આ પાલખીમાં તું હોત. આ બધું જોઈ શકાતું નથી - એટલે રડું છું !
માના રુદને મને હચમચાવી મૂક્યો. ભણવાનું આટલું બધું મૂલ્ય હોય છે તે મને હવે સમજાયું... ‘પણ હવે શું થાય ? હવે કેમ ભણાય? હવે તો ઉંમર વીતી ગઇ.” એમ વિચારીને બેસી રહું તેવો હું ન હતો. હું આશાવાદી હતો. હજુ તો ૧૫-૧૬ વર્ષ જ થયા છે ને ? હજુ શું ભણી ન શકાય ? જાગ્યા ત્યારથી સવાર !
મેં કહેલું : મા ! હું ભણવા તૈયાર છું, જો મને કોઇ ભણાવનાર મળી જાય.
“બેટા ! અહીં તો કોઇ તને નહિ ભણાવે. અહીં કૌશાંબીમાં તો બધા ઇર્ષા કરશે. તું એમ કર. તારા પિતાજીના મિત્ર ઇન્દ્રદત્ત પાસે ભણ. પણ એમ કરવા તારે શ્રાવસ્તી જવું પડશે. બોલ તું તૈયાર છે ?”
‘હા... મા ! હું બધું કરવા તૈયાર છું.”
...ને વળતે જ દિવસે હું માના આશીર્વાદપૂર્વક અહીં શ્રાવસ્તીમાં આવી પહોંચ્યો. પિતાજીના મિત્ર ઇન્દ્રદત્તે મને ભણાવવાનું શરૂ કર્યું, એક શ્રીમંતને ત્યાં મારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવી આપી. પણ હું હતો ઊગતો યુવાન ! ભોજન પીરસવા આવતી એક દાસીમાં મોહાઇ પડ્યો. મારું મન આખો દિવસ એના વિચારમાં જ રહેતું. આથી અધ્યયનમાં ચિત્ત ક્યાંથી ચોટે ? આથી જ વિદ્યાર્થી માટે સ્ત્રીસંગ વર્ય ગણાયો છે. પણ મેં તો મારી પ્રેમિકાને પૂરેપૂરું દિલ આપી દીધું હતું. એના હર વાક્યને હું વધાવી લેતો હતો. એના નારાજગી દૂર કરવા આકાશના તારા
પણ તોડી લાવવા તત્પર રહેતો, તૂટી શકતા હોય તો ! એક વખતે મેં એની નારાજગીનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું : મારે ઊજાણીમાં સખીઓની સાથે જવાનું છે. બીજી બધી સખીઓ ત્યારે સુંદર વસ્ત્રઆભૂષણ પહેરીને આવશે, જ્યારે મારી પાસે એવું કાંઈ નથી... એમના પ્રેમીઓ એમને બધું લાવી આપે. મને કોણ આપે ? તમે તો રહ્યા નિરંજન નિરાકાર ! તમે મને શું આપવાના ?
વાત એની સાચી હતી. સાચે જ હું ‘નિરંજન’ ‘નિરાકાર’ હતો ! દરિદ્ર માણસ ‘નિરાકાર' જ હોય ને ? એનો કોઇ આકાર હોય છે ? એ કોઇની આંખે ચડે છે ? કોઈ એની સામું જુએ છે ? નિરાકારની જેમ દરિદ્ર પણ સમાજને દેખાતો નથી.
પત્નીના મેણા-ટોણાથી હું આહત બન્યો... પણ શું કરું ? મારી નિરાશાને ખંખેરતાં મારી પ્રેમિકા કપિલાએ કહ્યું : પ્રાણનાથ ! એમ નિરાશ થવાની જરૂર નથી. જુઓ હું એક યુક્તિ બતાવું. તમને બીજો કોઇ ધંધો તો આવડે તેમ નથી, પણ માંગવાનો ધંધો તો ફાવશે ને ? માંગવું એ તો આપણા બ્રાહ્મણોનો જન્મસિદ્ધ વ્યવસાય છે. તમે રાજા પાસેથી બે માસા સોનું લઇ આવો. અહીંના રાજાનો એવો નિયમ છે કે જે કોઇ સવારે સૌથી પહેલાં આશીર્વાદ આપવા આવે તેને બે માસા સોનું આપવું. તો તમે વહેલા-વહેલા ત્યાં પહોંચી જજો. બે માસા સોનાથી થોડા-ઘણા દિવસો સુધી આપણો ગુજારો થઇ રહેશે.
મને મારી પ્રેયસીની યુક્તિ ગમી. બીજા જ દિવસે વહેલી સવારે હું રાજાને આશીર્વાદ આપવા ગયો, પણ એ પહેલાં જ બે માસા સોનું કોઇને અપાઈ ગયું હતું. ત્રીજા દિવસે હું વહેલો ગયો તો પણ નંબર ન લાગ્યો. સતત આઠ દિવસ સુધી હું ચક્કર ખાતો રહ્યો... પણ સ્પર્ધામાં હું પાછળ જ રહ્યો. સ્પર્ધાની દુનિયામાં પહેલી જ વખત પગ મૂક્યો હતો. પગ મૂકતાં જ મને એ ભાન થવા લાગ્યું કે જે ચીજને તમે ઇચ્છો છો એ જ ચીજને બીજા સેંકડો માણસો પણ ઇચ્છી રહ્યા છે. બધા એમ જ ઇચ્છે છે : કોઇ લઇ જાય તેના પહેલાં જ હું લઇ લઊં ! બીજાને પાછળ રાખી બધા આગળ નીકળી જવા ચાહતા હોય છે. આવી ભયંકર સ્પર્ધામાં
આત્મ કથાઓ • ૯૮
આત્મ કથાઓ • ૯૯