________________
(૧૪) હું કપિલ
માંગ માંગ માંગે તે આપું... એક જ ઝાટકે બોલી નાખ. તારે શું જોઇએ છે ?” રાજાના આવા અણધાર્યા વરદાનથી હું તો દિમૂઢ થઇ ગયો. મને કાંઇ સૂઝયું નહિ. શું માંગવું? પણ એટલું જરૂર લાગ્યું: રાજા જેવા રાજા પ્રસન્ન થયા છે ને મોં માંગ્યું આપવા તૈયાર છે તો વિચાર કરીને માંગવું જોઇએ... જેથી પછી પસ્તાવાનો વખત ન આવે.'
- રાજાની આજ્ઞા મેળવી હું વિચાર કરવા પાછળના બગીચામાં ગયો. મારું મન વિચારે ચડ્યું : શું માંગવું? કેટલું માંગવું ? આમ તો મારે બે માસા સોનું જોઇતું હતું. પણ રાજા પ્રસન્ન જ થયા છે તો બે માસાથી શું વળે ? કમ સે કમ... પાંચ સોનામહોર તો જોઇએ જ ને ? પાંચ સોનામહોર માંગી લઉં? પણ એથી શું વળે ? થોડા દિવસોમાં એ તો વપરાઇ જવાની. તો શું ૧૦ સોનામહોર ? ના... ના... સો સોનામહોર જ માંગી લઉને ? ફટ રે જીવ ! સોથી શું થવાનું ? એ કેટલા વખત ચાલવાની? વળી પાછો તું ભિખારી થઇશ. માંગવાનો અવસર જ મળ્યો છે તો પૂરો ઉપયોગ કરી લે ને ! તો હજાર ? માંગવું જ હોય તો પછી હજાર શા માટે ? લાખ જ માંગી લઉંને ? ફરી-ફરીને થોડું માંગવું છે? અરે... ભૂલ્યો... આ અવસર જિંદગીનો પહેલો જ છે... કદાચ છેલ્લો પણ છે. તો કરોડ સોનામહોર શા માટે ન માંગું ? એક જ ઝાટકે બંદા કરોડપતિ ! પછી જોઇ લો બંદાનો વટ ! પણ ઓહ ! હુંયે મૂરખ જ છું ને ? રાજા જ્યારે પુષ્કરાવર્ત મેઘની જેમ વરસી રહ્યા છે ત્યારે હું નાનકડી ડોલ ભરીને સંતોષ મેળવી રહ્યો છું. મોટા મોટા તળાવને ભરી દેતા મેઘ પાસેથી ડોલ ભરીને જ રાજી થઈ જવાનું? છટ... મારે આવા મૂરખ નથી બનવું ! જિંદગીની આ તો સોનેરી તક છે. એ તક ચૂકી ગયો તો ફરી રડવા સિવાય કશું હાથમાં આવવાનું નથી. કહે છે કે તક ને તીર એક વાર ગયા તે ગયા જ ! તીર તો હજુય મેળવી શકાય, પણ તક ? કદાચ હું કરોડપતિ બની રહીશ ને ? પ્રજા થઇને રહેવું એટલે
આત્મ કથાઓ • ૯૬
રાજાની પરાધીનતા ભોગવવી. હું શા માટે પરાધીનતા સ્વીકારું ? જ્યારે રાજા ખુશ જ થઇ ગયા છે ને માંગવું જ છે તો અર્ધ રાજ્ય જ શા માટે ન માંગું ? રાજા વચનથી બંધાયેલો છે એટલે માંગીશ તે આપવાના જ છે ને ? અધું રાજ્ય મળી જાય પછી તો લીલા-લહેર ! પણ ઊભા રહો. અહીં પણ મને કશુંક ખુટતું લાગે છે. માની લો કે અધું રાજ્ય મને મળી જાય તો પણ બીજું અધું રાજ્ય રહે તો રાજાનું જ ને ? એ રાજા જ પછી મારા માર્ગમાં કંટક ન બને ? નીતિશાસ્ત્ર કહે છે કે - “અર્ધચંદ મિત્ર વો રચાત્ સ ાતે” . “અર્ધા રાજ્યને ભોગવનારા મિત્રને જે ન મારે તેને પોતાને જ એક દિવસે મરવું પડે.” ના... મારે એમ મરવું નથી. રાજા જ બનવું હોય તો પાકા રાજા જ બનવું. એનો પાયો અત્યારથી જ મજબૂત કરી લેવો, અત્યારથી જ સંભવિત શત્રુઓનો સમૂળગો ઉચ્છેદ કરી દેવો. આખું રાજ્ય જ માંગી લેવું. બસ... ત્યારે અત્યારે જ જાઉ અને રાજાને કહી દઉં : રાજન ! આપનું આખું રાજ્ય મારે જોઇએ છે. આપ વચન-પાલનમાં કર્ણ છો એટલે મને વિશ્વાસ છે કે આપ હમણાં જ સિંહાસન ખાલી કરી મને બેસાડી દેશો અને આપ મારા સેવક બનશો. આપ વચનનું પાલન કરવા બંધાયેલા છો.” ના... હજુ હું આવી માંગણી કરવા રાજા પાસે ગયો હોતો માત્ર વિચારણા જ ચાલુ હતી. બે માસાની ખીણથી વિચાર-યાત્રા શરૂ કરીને ઠેઠ હું આખું રાજય હડપ્પ કરવાના શિખર સુધી પહોંચી ગયો હતો. હવે ઉપર ક્યાંય જવાય તેમ ન્હોતું. મારી વિચારયાત્રાને ફરજિયાત નીચે ઊતરવું પડે તેમ હતું.
અચાનક જ મારી વિચારધારા બદલાઇ. અરેરે.. હું આ શું કરવા બેઠો ? બે માસાથી ક્યાં જઇને હું પહોંચ્યો ? જેની પાસેથી હું માંગવા ચાહું છું. તેનું બધું જ હું ઝુંટવી લઉં ? મને સંતોષ ક્યાં છે ? મારું અતૃપ્તિનું ખપ્પર આખી દુનિયાનું રાજ્ય મળી જાય તોય ભરાવાનું નથી. આકાશની જેમ ઇચ્છાઓનો પણ કોઇ છેડો નથી... અને મારું મન ભૂતકાળમાં સરકી પડ્યું.
મારી માનો એકનો એક લાડકવાયો હું પુત્ર ! બહુ લાડકોડ એ એક જાતનો અભિશાપ છે - એમ માનજો. બહુ લાડકોડમાં ઊછરેલા
આત્મ કથાઓ • ૯૭