________________
હા... મારી ઉપદેશ-શક્તિ જબરદસ્ત હતી. સમજાવવાની એટલી સુંદર કળા હતી કે ગમે તે વાત હું સામાના હૃદયમાં ઠસાવી શકતો. સાંભળનાર મારી વાણી સાંભળી નખ-શિખ હલબલી ઊઠતો. ઓહ ! આવો ભયંકર સંસાર ? આવા ખતરનાક વિષયો ? ન જોઇએ આવો સંસાર ! શ્રોતાઓનું હૃદય પોકારી ઊઠતું.
હું સ્વયં વિષય-ભોગમાં ડૂબેલો હતો છતાં બીજાઓને તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપતો હતો. સ્વયં ડૂબતો માણસ જાણે બીજાને તારી રહ્યો હતો ! - તમે વિચારો તો ખરા ! વેશ્યાઓના ઘેર આવનારા માણસો કેવા હોય ? લબાડ ! લંપટ ! આખા ગામના ઉતાર ! આવા માણસોને વિષયોથી વિરક્ત બનાવવા એ કાંઇ બચ્ચાના ખેલ છે ? ...પણ એવુંયે કાર્ય હું દરરોજ નિર્વિદને કરવા લાગ્યો.
રોજ ૧૦નો પ્રતિબોધ ! પછી જ અન્નપાણી... આ નિયમ અખંડ બાર વર્ષ સુધી ચાલ્યો. તમે વિચારો મેં કેટલાને સંયમ અપાવ્યું હશે ?
- રોજના ૧૦ એટલે મહિનાના 300, બાર મહિનાના ૩૬00 ને બાર વર્ષના કેટલા? ૪૩ હજાર બસો ! પણ ઊભા રહો... બારમા વર્ષના છેલ્લા દિવસે મારો એ ૧૦નો આંકડો પૂરો ન થયો. નવ તો પ્રતિબોધ પામ્યા, પણ દસમો સોની એવો જડબુદ્ધિનો હતો કે મારી કોઈ વાત જ સમજવા તૈયાર નહિ. હું મારા હૃદયના તાર ઝણઝણાવીને બોલતો રહ્યો પણ પેલાને કાંઇ જ અસર ન થઇ. જાણે પાડા પર પાણી ! જાણે મગશેલીઆ પર પુષ્પરાવર્ત મેઘ !
કલાકો સુધી એને હું સમજાવતો જ રહ્યો. પણ પેલો તો પોતાના મનની આસપાસ જાણે મીણ લગાવીને આવ્યો હતો. મીણમાં પાણીનું ટીપું પણ શે ઉતરે ? આવા જડબુદ્ધિના માણસને બ્રહ્મા પણ ન સમજાવી શકે.
છતાં ધીરજ ગુમાવ્યા વિના હું સમજાવતો રહ્યો. આ બાજુ મારું ભોજન ઠંડું થઇ રહ્યું હતું. વેશ્યા વારંવાર મને બોલાવવા આવતી હતી, પણ દસનો આંકડો પૂરો ન થાય ત્યાં સુધી પાટલે બેસાય કેમ ?
આત્મ કથાઓ • ૯૪
આખરે અકળાઇને વેશ્યાએ કહ્યું : “હવે કેટલા બાકી રહ્યા છે.” મેં કહ્યું : “નવ તો તૈયાર થઇ ગયા છે. આ દસમો બાકી છે.”
.....તો હવે દસમા તમે તૈયાર થઇ જાવ. પ્રતિજ્ઞા તો પૂરી કરવી જ રહીને !”
વેશ્યા તો મજાક કરતી હતી, પણ આ વાક્ય મારા માટે પ્રેરણાના દીવાનું કામ કર્યું. સંયમની ભાવનાના અંગારા પર જામેલી રાખને હટાડવા એ વાક્ય ફંકનું કામ કર્યું.
મારું મન ક્યારથીયે વેશ્યાના કારાગૃહમાંથી નીકળી જવા તલસતું હતું, મારો મનનો પોપટ સંયમના મુક્ત આકાશમાં ઉડ્ડયન કરવા તલસી રહ્યો હતો, કોઇ મોકાની જરૂર હતી. અચાનક જ આવેલો આ મોકો મેં ઝડપી લીધો. મેં કહ્યું : ભલે. ત્યારે... તને સલામ ! પૂરા સંસારને સલામ ! હવે હું જાઉં છું સંયમ-માર્ગે ! દસમો કોઇ તૈયાર ન થાય તો મારે તૈયાર થવું જ રહ્યું ને !
વેશ્યાને તો કલ્પના જ હોતી કે આમ અચાનક જ આ પોપટ ઊડી જશે. એ તો એમ જ માની બેઠેલી : ગમે તેટલા મહેણાં-ટોણાં મારું તો પણ એ ક્યાં જવાના છે ? આખરે તો મારાથી બંધાયેલા છે ને ? પુરુષોના હૃદય કેવા હોય છે, એ તો અમે જાણીએ જ છીએને ? એને એ ખબર જ હોતી કે મારી અંદર વૈરાગ્યનો અંગારો ધગધગી રહ્યો છે... માત્ર તેના પર રાખ જામેલી હોવાથી એ દેખાતો નથી.
વેશ્યા આજીજી કરવા લાગી. પણ એની કાકલુદી કાને ધર્યા વિના હું તો ચાલી જ નીકળ્યો. મારા ભોગાવલી કર્મો હવે નષ્ટ થઇ ગયા હતા. મારું ફળ હવે પાકી ગયું હતું. બાર વર્ષમાં મેં તેતાલીસ હજાર એકસો નવાણું માણસોને સંયમ-માર્ગે વાળ્યા હતા. તો એના ફળરૂપે મારા જીવનમાં સંયમ ઉદયમાં ન આવે, એવું બને જ શી રીતે ?
આત્મ કથાઓ • ૯૫