________________
થોડીવારમાં ભાલો તૂટી ગયો તો મેં બાણ-કામઠાં હાથમાં લીધાં. સન... ન... ન... બાણ છોડતો જ ગયો... છોડતો જ ગયો... એટલી શીવ્રતાથી હું બાણો છોડતો કે સામાવાળાને પ્રતિકાર કરવાનો સમય જ ન મળે. હું નિશાનબાજ હતો. બાણાવળી તરીકે પ્રસિદ્ધ હતો. મારું એકેય તીર ખાલી હોતું જતું. એકેક તીરે એકેક માથું ઢળતું ગયું. કેટલાય માથાઓને મેં ઢાળી દીધા. પણ રે... થોડીવારમાં મારું માથું ખાલી થઇ ગયું. માત્ર કામઠું જ બચ્યું હતું. હું કામઠું લઇને ઝૂડવા માંડ્યો. એ પણ તૂટી જતાં ગદા, કટારી, છરી... જે હાથમાં આવ્યું તે લઈને તુટી જ પડ્યો. નક્કી જ કર્યું હતું : આજે તો બસ જીતવું જ છે. બધા શસ્ત્રો ખૂટી ગયા તો પણ હું હિંમત ન હાર્યો. મેં તૂટેલા રથના પાટિયાઓનો ઉપયોગ કરવા માંડ્યો. એ પણ ખલાસ થઇ જતાં હું વિચારમાં પડી ગયો : હવે શું કરવું ?
રે બહાદુર ! આમ નિરાશ થયે શું ચાલે ? એમ કાંઇ યુદ્ધમાં જીત મળતી હશે ? ચાલ... ફરી કૂદી પડ. બધા શસ્ત્રો ખૂટી ગયા તો શું થયું? હજુ તારા મસ્તક પર મુગટ તો છેને ? એનાથી ઝીંકવા માંડ ! હાજર તે હથિયાર ! મારું મન બોલી ઊઠ્યું. મેં નિરાશા ખંખેરી.
મુગટ લેવા માથે હાથ મૂક્યો અને હું ચમકી ઉઠ્યો : અરે.. અહીં ક્યાં મુગટ છે ? મુગટ તો શું વાળ પણ નથી, મુંડન છે. હું અત્યારે ક્યાં પ્રસન્નચન્દ્ર રાજા છું? હું તો મુનિ છું. મારે ને રાજ્યને શું લેવાદેવા? અરેરે.. મનથી જ યુદ્ધ ખેલીને મેં કેટલા માણસોને મનોમન મારી નાખ્યા? મેં કેટલા કર્મો બાંધ્યા હશે ! ભગવાન જાણે ?
- દુનિયા તો મને સમજે છે : હું મહાન ધ્યાની છું ! એક પગે ઊભો રહી સૂરજની આતાપના લઊં છું ! પણ રે, ખરેખર હું કેવો છું ? મુનિ છું કે ખૂની ? ધ્યાની છું કે દંભી ? ભયંકર રૌદ્રધ્યાનથી મેં કેટલાની હત્યા કરી નાખી ? ભલે દુનિયાની નજરે હું હત્યારો નથી, પણ કર્મસત્તાની નજરે તો હું હત્યારો જ બન્યો ને ! કર્મસત્તા મને થોડી છોડવાની છે. કેટલા બધા પંચેન્દ્રિય જીવોની - માણસોની મેં માનસિક હત્યા કરી નાખી. ભગવાન કહે છે : પંચેન્દ્રિયની હત્યા, માંસનું ભક્ષણ,
આત્મ કથાઓ • ૮૨
મહા આરંભ અને મહાપરિગ્રહનું સેવન નરકમાં લઇ જાય છે. શું હું નરકમાં જઇશ ? જો સાધુ બન્યા પછી પણ નરકમાં જ જવું પડે તો તો હદ થઇ ગઇ ! રાજેશ્વરી નરકેશ્વરી... એ તો બરાબર પણ મુનીશ્વરી નરકેશ્વરી બનશે ? નહિ... નહિ... મારે નરકમાં નથી જવું. એના માટે મેં દીક્ષા નથી લીધી. મેં તો મોક્ષ માટે દીક્ષા લીધી છે.
મારા હૃદયમાં પશ્ચાત્તાપનો પાવક ભડ... ભડ... બળવા માંડ્યો. કર્મોનાં કેટલાય બંધન એમાં બળવા માંડ્યાં. મારા ચિત્તની દશા વિશુદ્ધ.. વિશુદ્ધતર અને વિશુદ્ધતમ બનવા લાગી. ક્ષણે ક્ષણે હું આત્મ-વિકાસના નવા-નવા શિખરો સર કરવા લાગ્યો. પ્રતિક્ષણે આનંદ વધવા જ લાગ્યો. વધવા જ લાગ્યો. એવો આનંદ કે જે શબ્દોમાં વર્ણવી ન શકાય. એવો આનંદ કે જેને કોઇ ઉપમાથી સરખાવી ન શકાય. ચિત્તની અશુદ્ધિ વખતની ક્લિષ્ટતા ક્યાં અને ચિત્ત-શુદ્ધિની વખતની પ્રસન્નતા ક્યાં ?
મારા વધતા આનંદના પૂરે કેટલીયે ગાંઠો ભેદી નાખી... હું આગળ વધતો જ ગયો... આગળ વધતો જ ગયો... ને એક એવા સ્થાને પહોંચી ગયો જ્યાંથી પાછા ફરવાનું જ ન હતું. હું ક્ષણવારમાં કેવળજ્ઞાની બની ગયો. મારી સાધના - નદી બ્રહ્મના સમુદ્રમાં ભળી ગઇ ! મારું સાધના-બી વડ વૃક્ષમાં ફેરવાઇ ગયું ! મારું સાધનાનું દૂધ માખણમાં પરિવર્તિત થઇ ગયું!
કેવળજ્ઞાનમાં મને દેખાઇ રહ્યું હતું : થોડી જ ક્ષણો પહેલાં શ્રેણિક મહારાજાએ ભગવાન શ્રી મહાવીરદેવને પૂછેલું : ભગવદ્ ! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અત્યારે કાળ કરે તો ક્યાં જાય ?
ભગવાને કહેલું : સાતમી નરકમાં.
હા... હું ત્યારે મનના મેદાનમાં ઘમસાણ યુદ્ધ કરી રહ્યો હતો. એવું પાપ-કર્મ મેં ઉપાર્જેલું કે ત્યારે મૃત્યુ થાય તો સાતમી નરકે જવું પડે !
- શ્રેણિક ચોંકી ઊઠ્યા : આ હું શું સાંભળું છું? આવા મહર્ષિ સાતમી નરકે ? તો પછી અમારા જેવા ક્યાં જશે ? નક્કી... મારી સાંભળવામાં કાંઇક ભૂલ થઇ લાગે છે. શ્રેણિકે ફરી પૂછેલું : ભગવન્! પ્રસન્નચન્દ્ર રાજર્ષિ અત્યારે કાળ કરે તો ક્યાં જાય ? ‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં.’ જવાબ મળ્યો.
આત્મ કથાઓ • ૮૩