________________
હશે.
(૬) હું રોહિણિયો
તમને કોઇ વ્યસન ખરું ?
જેનું વ્યસન હોય તેના વિના તમને ન ચાલે, ખરુંને ? તમારામાંના ઘણાને ચાનું, બીડીનું, પાન-પરાગનું કે દારૂનું વ્યસન
મને પણ વ્યસન હતું; ચોરીનું.
તમને જેમ ચા વિના ન ચાલે, તેમ મને ચોરી વિના ન ચાલે ! ચોરી ન થાય એ દહાડે ઊંઘ ન આવે ! દિવસ વ્યર્થ લાગે !
આ વ્યસન મને વારસામાંથી મળ્યું હતું. મારો બાપ પણ ચોર હતો.
મરતી વખતે એણે મને સલાહ આપી હતી કે - ચોરી એ તો આપણો
બાપ-દાદાનો ધંધો છે. આ ધંધો જો તારે ચાલુ રાખવો હોય તો એક કામ તું કરજે. ઓલા મહાવીર નામના જાદુગરને તો તું ઓળખે છે ને ? એની વાણી ભૂલે-ચૂકેય કદી સાંભળીશ નહિ. એની વાણી સાંભળીને મારા કેટલાય સાથીદારોએ ચોરી મૂકી દીધી. એની વાણીમાં કોણ જાણે એવું કામણ છે કે એકવાર તું સાંભળે તો એની પાછળ પાગલ થઇ જાય. એવી મીઠાશ છે કે સાકર ને દ્રાક્ષ પણ તું ભૂલી જાય. એની વાણીએ તો શાલિભદ્ર, ધન્ના જેવા કેટલાય શેઠીયાઓને બાવા બનાવી દીધા ! આ તો હું જ એવો મજબૂત છાતીનો કે આજ સુધી એના પ્રભાવથી અલિપ્ત રહી શક્યો. પણ બેટા ! મને લાગે છે કે તું એટલો પાકો નથી. તું ઘણીવાર ઘણાની વાતમાં ભોળવાઇ જાય છે. તું આવા કાચા કાનનો છે - એટલે તને મારી ખાસ સલાહ છે કે જિંદગીમાં જો સુખી થવું હોય... બાપ-દાદાનો ધંધો ટકાવી રાખવો હોય તો કદી મહાવીરની વાણી સાંભળીશ નહિ.' મૃત્યુ-વખતની પિતાની સલાહ કયો દીકરો ન માને ? દરેક પુત્રને વિશ્વાસ હોય છે કે મૃત્યુ-સમયે મારા પિતાજી મને જે કહેશે તે હિત માટે જ કહેશે.
બાપની હિત-શિક્ષા હું સાંભળી રહ્યો. હાથમાં પાણી લઇ બાપની આત્મ કથાઓ • ૫૦
સામે પ્રતિજ્ઞા કરી : ‘પિતાજી ! આજથી દૃઢ સંકલ્પ કરું છું કે કદી મહાવીરની વાણી નહિ સાંભળું.'
પિતાજીને હવે શાંતિ થઇ. થોડીવારમાં એ મૃત્યુ પામ્યા. લોહખુર એમનું નામ હતું. આખી જિંદગી એમણે લુંટફાટ, ચોરી, ખૂન અને બળાત્કાર જેવા પાશવી કાર્યોમાં જ ગુજારી હતી. મને પણ એનો વારસો આપી ગયા હતા. સારું કુળ મળવું, સારા સંસ્કારો મળવા - એ કાંઇ ઓછા પુણ્યની વાત નથી. એ અર્થમાં મારા કરતાં તમે ઘણા પુણ્યશાળી કહેવાઓ. કારણ કે તમને કમ સે કમ મારા બાપ જેવો ઊંધી સલાહ આપનારો બાપ નથી મળ્યો.
પિતાજીની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાનું હું અણીશુદ્ધ પાલન કરવા લાગ્યો. ચોરને પણ કોઇક ‘પ્રતિજ્ઞા’ તો હોય છે !
મહાવીર અવાર-નવાર રાજગૃહ નગરમાં આવતા. એમની વાણી સાંભળવા અનેક શ્રેષ્ઠીઓ, સામંતો, રાજાઓ વગેરે જતા. મારા જેવા ડાકુ પણ જતા અને એમનું જીવન બદલાઇ જતું. આવા સમાચાર મને મળતા ત્યારે હું ગુસ્સાથી છળી ઊઠતો : બિચારા સાવ કાનના કાચા ! કોઇની વાતમાં ભોળવાઇ ગયા ! ધંધો ખોયો ! બિચારાઓનું કુટુંબ હવે ભૂખે મરશે. જો કે હું ભોળવાઇ જાઉં તેવો નથી. છતાં વાણી સાંભળવા નહિ જ જાઉં ! પ્રતિજ્ઞા એટલે પ્રતિજ્ઞા !
ઘણીવાર મહાવીર આવ્યા પણ હું એમની પાસે ન જ ગયો. એ ઉત્તરમાં હોય તો હું દક્ષિણમાં જતો. બની શકે ત્યાં સુધી તો હું દિશા જ બદલાવી નાખતો. ન છુટકે પાસે જવું જ પડે તો કાનમાં આંગળા ઘાલીને ભાગી છૂટતો. ભૂલે-ચૂકે પણ એમના શબ્દો મારા કાનમાં પેસી ન જવા જોઇએ.
કાંટો પેસે તો વાંધો નહિ, પણ શબ્દો ન પેસવા જોઇએ. કાંટાથી જેટલો ડર ન્હોતો તેટલો ડર મને એમના શબ્દોથી હતો. આખી દુનિયા જે શબ્દો માટે ઝંખતી એ શબ્દોથી હું સેંકડો ગાઉ દૂર રહેવા પ્રયત્ન કરતો.
પણ... એકવાર ભારે થઇ ગઇ. હું કાનમાં આંગળા ઘાલીને જોરથી આત્મ કથાઓ • ૫૧