________________
સ્વર્ગવાસે મારા હૃદયને ભયંકર આંચકો આપ્યો. મારા પિતાજીના મૃત્યુ વખતે પણ મને જે આંચકો ન્હોતો લાગ્યો, તે અત્યારે લાગ્યો. પિતાજીએ મારા દ્રવ્ય શરીરને જન્મ આપ્યો, પણ મારા આધ્યાત્મિક જન્મદાતા તો પૂજ્ય ગુરુદેવ જ હતા ને ? વળી દ્રવ્ય જીવનરક્ષક પણ હતા જ.
હું અત્યંત વ્યથિત હૃદયે સ્મશાનયાત્રામાં જોડાયો. મારી નજર ન પહોંચે એટલું માનવ-મહેરામણ ઊભરાયું. મારી જ નહિ, પાટણની દરેક વ્યક્તિની આંખ અશ્રુભીની હતી. રડતા હૃદયે મેં અગ્નિદાહ આપ્યો.
અગ્નિજવાળાઓ આકાશને આંબતી હતી. મારું હૃદય ઝાલ્યું ન રહી શક્યું. હું બાળકની પેઠે ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. મને આ રીતે રડતો જોઇ મંત્રીએ પૂછ્યું : રાજનું ! આપ બાળકની જેમ આમ કાં રડો ? આપના જેવા જ્ઞાની એક છોકરડાની જેમ રડશે ? લોકો કેવું સમજશે ? અને આપે તો ગુરુદેવ દ્વારા મેળવવા જેવું બધું જ મેળવ્યું છે હવે આટલું રુદન શાને ?
રડતાં-રડતાં મેં કહ્યું : મંત્રીશ્વર ! તમે ભલે માનો કે મેં બધું મેળવ્યું છે. ખરેખર તો હું કશું જ મેળવી શક્યો નથી. મારા કમભાગ્યની શી વાત કરું ? રોટલીનો એક ટૂકડો પણ એમના પાત્રમાં હું વહોરાવી શક્યો નથી. આ ઓછી કમનસીબી છે ? હું રાજા હતો એટલે મારો આહાર રાજપિંડ તો એમને કહ્યું નહિ. પણ મેં કેવી મૂખઇ કરી ? સત્તાને છેવટ સુધી ચીપકી રહ્યો. જો મેં રાજ્ય છોડી દીધું હોત તો સુપાત્રદાનનો લાભ તો મળત ! સુપાત્રદાનની આગળ રાજ્ય શી વિસાતમાં છે ?... ને હું ફરી રડી પડ્યો.
મારા ગુરુદેવનો મહિમા ત્યારે મને નજર સમક્ષ જોવા મળ્યો. મારા પૂજ્ય ગુરુદેવની ચિતા ઠરી-ન ઠરી ત્યાં તો રાખ લેવા લોકોએ પડાપડી કરી. પડાપડી એટલે કેવી ? હૈયે-હૈયું દળાય એવી !
જોત-જોતામાં તો એ રાખ સાફ થઇ ગઇ. પણ પાટણની ઘણી જનતા હજુ બાકી હતી. રાખ ખૂટી તો લોકોએ ત્યાંની ભૂમિની માટી લેવા માંડી. કેટલાય દિવસો સુધી ત્યાંથી લોકોએ માટી લીધે જ રાખી, લીધે જ રાખી. આથી ત્યાં મોટો ખાડો થઈ ગયો, જે “હેમખાડ' તરીકે
આત્મ કથાઓ • ૪૬૦
પ્રસિદ્ધ થયો. આવો હતો મારા ગુરુદેવનો મહિમા !
ગુરુના વિરહમાં હું શી રીતે જીવી શકીશ ? એવી આશંકા મને પહેલેથી હતી જ અને ખરેખર એ સાચી પડી. પૂજ્ય ગુરુદેવ વિના હું ઝૂરવા લાગ્યો. પાણી વિનાના માછલા જેવી મારી હાલત થઇ ગઇ ! મારા જેવા માંસભોજી, મદિરાપાયી, રખડુ માણસને એમણે કેવી કુનેહથી સન્માર્ગે વાળ્યો ? એ બધું વિચારતાં જ હું ગદ્ગદ્ બની જતો.
મારું શરીર પણ હવે કથળી રહ્યું હતું. પહેલાં જેવી ર્તિ અને ચપળતા હવે રહ્યા ન હતા. રહે પણ ક્યાંથી ? ૮૦ વર્ષની ઉંમર થઇ હતી. કેટલા બધા કામ લીધા હતા આ શરીર પાસેથી ? પછી થાકે એમાં એનો શો ગુનો ?
બધે બને છે તેમ મારો વારસો મેળવવા રાજકીય ખટપટો શરૂ થઇ ગઇ હતી. સિદ્ધરાજની જેમ મારે પણ કોઈ પુત્ર હોતો ! જો કે સાવ ન્હોતો એવું નથી. નૃપસિંહ નામનો મારે એક પુત્ર હતો, પણ ૧૬ વર્ષની ઉંમરે એ ગુજરી ગયેલો. મૃત્યુ-શય્યા પર પડેલો એ નૃપસિંહ આજે પણ મને યાદ આવે છે. ઓહ ! કેવું એનું નિર્દોષ જીવન ! કેવી એની ઉત્તમ ભાવના ? મૃત્યુ વખતે એણે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહેલું કે - “હું જો રાજા હોઉં તો સોનાના જિનાલયો બનાવું !' એની ભાવના સાચે જ મારાથી પણ સવાઇ હતી. પણ મારાથી પહેલાં જ તે અનંતની યાત્રાએ ઉપડી ગયો. કર્મના ગણિત સાચે જ રહસ્યમય હોય છે. મોટામોટા શહેનશાહો અને ચક્રવર્તીઓને પણ એની આગળ ઝૂકી જવું પડતું હોય છે.
હું કુમારપાળ • ૪૬૧