________________
શરમ નથી આવતી ? મારે આધીન સ્ત્રી પ્રત્યે પણ જેની આવી નજર બગડે એ પોતાની પ્રજાનું રક્ષણ શી રીતે કરશે ?'
દૂત દ્વારા શતાનીક રાજાનો આવો મક્કમ જવાબ સાંભળી ક્રોધાંધ અને કામાંધ ચંડપ્રદ્યોત અમારી નગરી પર હુમલો કરવા વિશાળ લશ્કર સાથે ચડી આવ્યો.
આ સમાચાર સાંભળતાં જ મારા પતિદેવને એટલો આઘાત લાગ્યો, માનવની અધમતાની પરાકાષ્ઠા જોઇ એટલી ચોટ લાગી કે એમનું હૃદય જ બંધ પડી ગયું, પ્રાણપંખેરૂ ઊડી ગયું. હું ક્ષણવારમાં વિધવા
બની ગઇ! અચાનક જ બધી જવાબદારી મારા પર આવી પડી... પણ હું એમ ગભરાઇ જાઉં તેવી ન્હોતી. રાજકીય આંટીઘુંટી ઘણી જોઇ હતી. એક તો સ્ત્રી સ્વભાવથી જ મુત્સુદ્દી હોય, ને તેમાંય રાજકીય આટાપાટાનો અનુભવ મેળવેલો હોય તો પૂછવું જ શું ?
પણ... મને મારા શીલની ચિંતા હતી. મારા નાના પુત્ર ઉદયનની ચિંતા હતી. મારી પ્રજાના રક્ષણની ચિંતા હતી.
શરૂઆતમાં તો શું કરવું ? કાંઇ સૂઝ્યું નહિ. પણ તરત જ બધી નિરાશા ખંખેરી હું જવાબદારીઓ પ્રત્યે સાવધાન થઇ ગઇ. જવાબદારી આવી પડે છે ત્યારે પોતાની મેળે જ અંદર સુષુપ્ત પડેલી શક્તિઓ જાગૃત થઇ ઊઠે છે. ભય, યુદ્ધ કે કટોકટીના સમયમાં નબળામાં નબળો માણસ પણ બળવાન બની જાય છે. કારણ કે ત્યારે તેની બધી જ શક્તિઓ એક સાથે જાગૃત થઇ કામે લાગી જાય છે.
મેં મારી સ્ત્રીસહજ બુદ્ધિ તરત જ કામે લગાડી.
હું જાણતી હતી કે ચંડપ્રદ્યોતને લશ્કરી તાકાતથી જીતવો મુશ્કેલ છે. જો હું સૈનિક-શક્તિથી લડવા જઇશ તો અવશ્ય હારી જઇશ. મારી શીલ-રક્ષા ભયમાં મૂકાઇ જશે અને મારી પ્રજા પણ બરબાદ થઇ જશે. શીલ-રક્ષા માટે જો હું આપઘાત કરીશ તો મારા નાના પુત્ર ઉદયનનું ભવિષ્ય શું ? આમ તો રાજનીતિ એમ કહે છે કે બળવાનનું શરણું લઇ લેવું. પણ જો હું તેમ કરું તો શીલની રક્ષા કરવી મુશ્કેલ થઇ જાય. સ્ત્રી
આત્મ કથાઓ - ૪૪
સહજ કપટ-કળા જ અહીં અજમાવવી ઠીક રહેશે - મારું હૃદય બોલી ઊઠ્યું. શીલાદિની રક્ષા માટે કપટ કરવું પડે તો એમાં પાપ નથી. એ હું સારી પેઠે જાણતી હતી.
મેં દૂત દ્વારા ચંડપ્રદ્યોતને સંદેશો મોકલાવ્યો : “રાજન્ ! હવે તો આપ જ મારા સ્વામી છો. પણ આપ જાણો છો કે જો હું અત્યારે મારા નાના બાળકના ભરોસે આ નગરી છોડીને આપની સાથે આવી જાઉં તો શત્રુરાજાઓને તો મોટી તક મળી જાય. આપ કહેશો કે હું બેઠો છું પછી કયા શત્રુની આંખ ઊંચી કરવાની તાકાત છે ? પરંતુ આપ તો રહો ઉજ્જૈનમાં અને શત્રુઓ રહે છે અહીં નજીકમાં... સાપ ઓશીકા નીચે અને ઔષધિઓ હિમાલયમાં... ઉપચાર શી રીતે થાય ? માટે મારી આપને વિનંતી છે કે મારો સ્વીકાર કરતાં પહેલાં કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી આપો. ઉજ્જૈનની ઇંટો ખૂબ જ મજબૂત હોય છે - એમ મેં સાંભળ્યું છે. તો આપને તો ઉજ્જૈનની ઇંટો દ્વારા કિલ્લો બનાવવો ડાબા હાથનો ખેલ છે. કિલ્લો બની જાય પછી હું આપની શરણમાં જ છું."
મારા આવા સંદેશાથી ચંડપ્રદ્યોત રાજી-રાજી થઇ ગયો : વાહ ! મૃગાવતી સામે ચડીને મને ઝંખે છે ! મારા જેવા રૂપવાન અને બળવાનને કોણ ન ઝંખે ? શતાનીકથી એ આમેય કંટાળી ગઇ હશે ! નમાલો પતિ કઇ સ્ત્રીને ગમે ? આખરે તો કુદરત યોગ્ય વ્યક્તિને યોગ્ય પાત્ર મેળવી જ આપે છે. જુઓને ! કુદરતે શતાનીકને સ્વર્ગલોકમાં પહોંચાડી દીધો... મૃગાવતીને મારા માટે તૈયાર કરી આપી !! સાચે જ હું સૌભાગ્યશાળી છું ! - આવા કઇ વિચારોથી ગાંડા-ઘેલા બનેલા ચંડપ્રદ્યોતે ઉજ્જૈનથી ઇંટો મંગાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો બનાવી દીધો. એ મૂરખને ક્યાં ખબર હતી કે આ જ કિલ્લો મને ભારે પડવાનો છે ? કોશેટાને ક્યાં ખબર હોય છે કે મારા જ તંતુઓ મારા માટે ખતરનાક બનશે ?
કિલ્લો બની ગયા પછી મેં બીજા સંદેશા દ્વારા ચંડપ્રદ્યોત પાસેથી ધન, ધાન્ય, બળતણ આદિથી આખી નગરીને સમૃદ્ધ બનાવી દીધી. બસ... હવે ચોટલી મારા હાથમાં આવી ગઇ. મેં તરત જ કિલ્લાના બધા જ દરવાજા બંધ કરાવી દીધા.
આત્મ કથાઓ • ૪૫