________________
મંત્રી ઉદાયનને જીત તો મળી, પણ પ્રહારોથી ખૂબ જ જર્જરિત થતાં વઢવાણ પાસે ભોગાવા નદીના કિનારે તેઓ સમાધિપૂર્વક મૃત્યુ પામ્યા. વિ.સં. ૧૨૧૩માં ઉદાયન મંત્રીના પુત્ર બાહડે શત્રુંજય તીર્થનો મોટો ઉદ્ધાર કરાવ્યો. મારા પૂજ્ય ગુરુદેવના હાથે પ્રતિષ્ઠા થઇ. તળેટીમાં બાહડપુર નામનું ગામ બાહડે વસાવ્યું. તેમાં કિલ્લો તથા ‘ત્રિભુવનપાળ વિહાર’ નામનું મંદિર પણ બંધાવ્યું. એ અરસામાં જૈન સંઘમાં કેટલાક નવા મતો નીકળ્યા હતા. એમના આચાર્યો પાટણમાં આવતા તેથી પાટણ જૈન સંઘની એકતા જોખમાતી એટલે મેં આદેશ આપ્યો કે - નવા મતીઓએ પાટણથી બહાર ચાલ્યા જવું. બધાને મેં એ પ્રમાણે વિનંતી કરી. અંચલગચ્છીય આચાર્યશ્રી જયસિંહસૂરિજી પાસે જઇને પણ મેં બહાર જવાનું કહ્યું. પરંતુ તેમણે પંચ પરમેષ્ઠીનું વર્ણન પૂરું થાય પછી જવાનું કહ્યું. મેં ભોળાભાવે એમની વાત માની. પરંતુ એ મહાત્માએ તો પંચ પરમેષ્ઠીનું વર્ણન ૧૬ વર્ષ સુધી ચલાવ્યે રાખ્યું. આથી હું તેમને બહાર જવાનું કહી શક્યો નહિ. કારણ કે હું વચનથી બંધાયેલો હતો. વિ.સં. ૧૨ ૧૬ માગ. સુ. ૨ ના મેં સમ્યકત્વ સહિત બાર વ્રતોનું ગ્રહણ કર્યું. તે સમયથી હું પરમહંત બન્યો. ત્યારે મારા ગુરુદેવે પોતે જ મને “રાજર્ષિ'નું બિરૂદ આપ્યું. મારી વિનંતીથી મારા ગુરુદેવે ૨૦ પ્રકાશવાળું વીતરાગસ્તોત્ર તથા ૧૨ પ્રકાશવાળું યોગશાસ્ત્ર - બંનેની રચના કરી. હું રોજ સવારે એ ૩૨ પ્રકાશોનો પાઠ કરી ભાવ મંજન કરતો હતો. સવારે મંગળ વાજીંત્રો વાગતાં હું જાગતો. પછી નવકાર મંત્રનો જાપ, ૩૨ પ્રકાશનો પાઠ, જિનદર્શન, ચૈત્યવંદન, કુમારવિહારમાં ચૈત્યપરિપાટી, ગૃહમંદિરમાં નૈવેદ્ય ધરીને ભોજન, સાંજે ગૃહમંદિરમાં આંગી, આરતી, મંગળ દીવો, પ્રભુ સ્તુતિ, રાત્રે મહાપુરુષોના જીવનની વિચારણા નવકારના સ્મરણપૂર્વક નિદ્રા -
આમ સામાન્ય રીતે મારી આવી દૈનિક ધર્મચર્ચા હતી. ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક તથા પ્રતિક્રમણના સૂત્રો મેં કંઠસ્થ કરી લીધા હતા. એકવાર મેં વેશ્યા સાથે રહેનારા મુનિને પણ વંદન કર્યું. આ જોઇ નાડોલના યુવરાજે મારા ગુરુદેવને આ વાત જણાવી. ગુરુદેવે મને
પતિત સાધુને વંદન ન કરાય’ એમ જણાવ્યું. પરંતુ પેલા વેશ્યાગામી સાધુના જીવનમાં મારા વંદનથી પરિવર્તન આવી ગયું. વેશ્યા, પાન, જોડા વગેરે છોડી તેમણે ફરી દીક્ષા લીધી અને અનશન સ્વીકાર્યું. હું અનશનમાં રહેલા એમને વાંદવા ગયો ત્યારે તેમણે કહ્યું : તમે જ મારા ગુરુ છો. તમારા વંદનથી જ હું સન્માર્ગે વળ્યો છું. પાટણ, સોમનાથ, પાટણ, થરાદ, જાલોર, લાડોલ, ખંભાત, તારંગા વગેરે સ્થળોએ મેં ‘કુમાર વિહાર” નામના જિનાલયો બંધાવ્યા હતા. અજિતનાથ ભગવાનની પૂજાથી મને સપાદલક્ષ (શાકંભરી પાસેનો પ્રદેશ)માં વિજય મળ્યો હતો. માટે મેં તારંગાના પર્વત પર ૩૨ માળનું શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. જે યશોદેવના પુત્ર દંડનાયક અભયકુમારની દેખરેખ નીચે બન્યું હતું. શત્રુંજય તીર્થમાં પણ મંદિર બંધાવ્યું. સિંધ દેશના દટાઇ ગયેલા વીતભય પત્તન (મોંએ જો દરો)ને ખોદાવી ત્યાંથી જીવંત સ્વામીની પ્રતિમા મંગાવી તેનું અલગ દેરાસર બંધાવ્યું. હું વર્ષમાં બે વાર - આસો તથા ચૈત્રમાં ભવ્ય રથયાત્રા કાઢતો. મારા માંડલિક રાજાઓ પણ ઠાઠથી રથયાત્રાઓ કાઢતા. ૭00 લહિયાઓને રોકી જૈન આગમો લખાવ્યા. પંચાંગી સહિત ૪૫ આગમોની સાત નકલો સોનાની સાહીથી લખાવી. સિદ્ધહૈમ વ્યાકરણ તથા ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રની ૨૧ પ્રતિઓ લખાવી.
આત્મ કથાઓ • ૪૫૨
હું કુમારપાળ • ૪૫૩