________________
(16) તૈલપનું આક્રમણ
||
તમને ધર્મનો કોઇ પ્રભાવ જોવા મળ્યો કે નહિ ? એવું તમે કદાચ પૂછતા હો તો હું કહીશ કે મને પગલે-પગલે ધર્મનો પ્રભાવ જોવા મળ્યો છે. દિવસે-દિવસે એવી ઘટનાઓ બનતી કે જેથી મારી ધર્મશ્રદ્ધા વધતી જ જાય, વધતી જ જાય.
વિ.સં. ૧૨૨૨માં બનેલી એક ઘટના તમને કહું. એક વખતે ચોમાસાના સમયમાં મને સમાચાર મળ્યા : કુન્તલ (કર્ણાટક) દેશનો રાજા તૈલપ ગુજરાત પર ચડાઇ કરવા આવી રહ્યો છે. હું વિચારમાં પડ્યો : કંઇ કારણ ? કર્ણાટક સાથે મેં શું બગાડ્યું છે ? અચાનક જ મને યાદ આવ્યું : હં... મેં આંબડ મંત્રીશ્વરને કોંકણના રાજા મલ્લિકાર્જુનને જીતવા મોકલ્યો હતો. પહેલી વખત તો મલ્લિકાર્જુને આંબડને ભગાડ્યો. પણ બીજી વખત આંબડે કાવેરી પર પુલ બાંધીને સામે કાંઠે જઇને મલ્લિકાર્જુનને હરાવ્યો. તેનું માથું કાપી એ માથું મારી પાસે લાવ્યો તથા બીજી કિંમતી ચીજો પણ લઇ આવ્યો. એમાંના ૩૨ સુવર્ણ કળશોમાંથી ત્રણ કળશ ઉદાયન ચૈત્ય, શકુનિકાવિહાર અને રાજઘટીઘર પર ચડાવ્યા. આંબડને ‘રાજપિતામહ'નું બિરૂદ આપ્યું. કોંકણની હાર થવાથી કર્ણાટકના રાજા તૈલપ ગુસ્સે ભરાયો લાગે છે. કારણ કે કોંકણ અને કર્ણાટક મિત્રતાથી જોડાયેલા છે. કોંકણની હારમાં કર્ણાટક ક્રોધે ભરાય અને ચડાઇ કરે તે તદ્દન સ્વાભાવિક છે.
ચિંતામાં પડ્યો : હવે શું થશે ? ચોમાસામાં તો હું બહાર, નીકળતો નથી. વળી અત્યારે મારા સામંત રાજાઓ પોત-પોતાના રાજ્યમાં ચાલી ગયા છે. સૈન્ય છુટું-છવાયું વેર-વિખેર પડયું છે. વળી મારી પણ ૭૨ વર્ષ જેટલી ઉંમર થઇ છે. પણ તરત જ મને મારા ગુરુદેવ યાદ આવ્યા. મારો ધર્મ યાદ આવ્યો. જે ધર્મનું હું પાલન કરું છું એ ધર્મ શું મારું પાલન નહિ કરે ? મારે ચિંતા કરવાની જરૂર શી ? મારા માથે દેવ અને ગુરુ બેઠેલા છે.
હું મારા ગુરુદેવ પાસે ગયો. મારી બધી ચિંતા કહી સંભળાવી. ગુરુદેવે કહ્યું : શાંતિ રાખ. બધું સારું થશે. સાત દિવસ ધમરાધનામાં તન્મય બની જા. યુદ્ધ-બુદ્ધના બધા વિચારો છોડી દે, બધું પોતાની મેળે ઠેકાણે પડી જશે.
ગુરુદેવની વાત પર મને અમાપ વિશ્વાસ હતો. સાતે ય દિવસ મેં ઉત્કૃષ્ટ રીતે ધર્મારાધનામાં વીતાવ્યા. સંસારના બધા વિચારો ભૂલી ગયો. ઉત્કૃષ્ટ રીતે થયેલી ધમરાધનાથી મારા હૃદયમાં અપૂર્વ આનંદ વ્યાપી રહ્યો. અમૃતના ઓડકાર આવે ને પરમ આનંદનો અનુભવ થાય, તેમ ધમરાધનાના “ઓડકારો’ આવવા લાગ્યા.
અને.. સાચે જ સાતમા દિવસે મને સમાચાર મળ્યા કે તૈલપ રાજા રસ્તામાં જ અચાનક મરી પરવાર્યો છે ને તેના પાછી જતી રહી છે. આ સમાચાર મળ્યા ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે તૈલપ ગુજરાત તરફ ચડાઇ કરવા આવી રહ્યો છે. ધર્મારાધનાના વેગમાં એ બધી વાતો હું ભૂલી ગયો હતો.
કર્ણાટકના રાજા તૈલપ મૃત્યુ પામ્યો. તેના સ્થાને નવો રાજા ‘પરમર્દી’ આવ્યો. કર્ણાટક અને ગુજરાત સાથે વર્ષોજૂના અમારા સંબંધો હતા. રાજા પરમર્દીએ પોતાની પુત્રી નાયકીદેવી મારા ભત્રીજા (મોટા ભાઇ મહીપાલના પુત્ર) અજયપાળ સાથે પરણાવી. તમે ઇતિહાસ જાણતા હશો તો ખ્યાલમાં હશે કે સિદ્ધરાજની માતા મીનલદેવી પણ કર્ણાટકની હતી. આ ઘટનાથી એ સંબંધો ફરીથી તાજા થયા.
આત્મ કથાઓ • ૪૪૪
હું કુમારપાળ • ૪૪૫