________________
(13) રુદતી-ધન-ત્યાગ
||
કદાચ તમે પૂછશો : શું તમને પશુઓ પર જ પ્રેમ હતો ? માણસો પર નહિ? અમે એ જાણવા માંગીએ છીએ કે તમે માણસો માટે શું કર્યું? ભલા માણસ ! તમે પણ ખરા છો. પશુ માટે પ્રાણ આપી દેવા તૈયાર થનાર માણસ, માણસ માટે કાંઇ ન કરે, એવું તમે શી રીતે વિચારી શકો છો? પ્રાણી માટે મને પ્રેમ હોય તો માનવ પર કેમ ન હોય ? મારા જીવનની એક ઘટના કહું, એટલે મારો માનવ-પ્રેમ તમે સારી રીતે સમજી શકશો.
એક વખતે પાટણના વેપારી મંડળે આવીને મને સમાચાર આપ્યા : રાજન ! આપણા નગરમાં કુબેરદત્ત નામનો મોટો વેપારી આજ રાત્રે જ મૃત્યુ પામ્યો છે. એ અઢળક સમૃદ્ધિનો માલિક હતો, પણ એને ત્યાં કોઇ પુત્ર નથી. માટે અપુત્રિયાનું ધન આપનું થાય છે. માટે આપ એમના ઘેર પધારો અને બધું ધન રાજખજાનામાં જમા કરાવો.
હું કુબેરદત્તના ઘેર ગયો. ઓહ ! શું અદ્ભુત ઘર હતું ! આને ઘર ન કહેવાય, આ તો રાજમહેલ છે, રાજમહેલ. મારું મન બોલી રહ્યું હતું. એની આલીશાન હવેલી જ એની સુવિશાળ સમૃદ્ધિને કહી રહી હતી.
ત્યાં જિનમંદિર પણ હતું. હું ત્યાં દર્શન કરવા ગયો. ઓહ ! અદ્ભુત હતું એ જિનમંદિર ! જયાં મેં પગ મૂક્યો, એ ભૂમિ જ રત્નજડિત હતી ને ભગવાનની મૂર્તિ તો ચંદ્રકાન્ત મણિની હતી. મેં ભાવ-વિભોર હૃદયે પ્રભુનાં દર્શન કર્યા.
દેરાસરની એક ભીંત પર મારી નજર ગઈ. ત્યાં કુબેરદત્તના પરિગ્રહ પરિમાણની નોંધ હતી. નોંધ આ પ્રમાણે હતી : ૧૦૦ હાથી, ૫૦ હજાર ઘોડા, ૮૦ હજારનું ગોકુલ, ૧ હજાર રત્ન-હીરા વગેરે ઝવેરાત, ૫૦૦ હળ, ૫00 ગાડાં, ૫00 વહાણ, ૫ ઘર, ૫ દુકાન, ૨000 ધાન્યના કોઠાર, છ કરોડ સોનામહોર, ૬ કરોડનો ચાંદી વગેરે કિંમતી માલ.
કુબેરદત્તની અપાર સંપત્તિ પર, તેની ધાર્મિકતા પર આશ્ચર્યવિભોર ચિત્તથી વિચાર કરતો હું જિનાલયમાંથી બહાર નીકળ્યો ત્યાં જ મારા
કાને સ્ત્રીઓના રુદનનો અવાજ આવ્યો. શું કરુણ હતું એ રુદન ? સાંભળનારનું હૃદય પીગળ્યા વિના ન રહે, જો થોડો પણ દયાનો છાંટો હોય ! મને જાણવા મળ્યું કે કરુણ રુદન કુબેરદત્તની માતા અને પત્નીનું હતું. રાત્રે જ માતાએ વહાલસોયો પુત્ર અને પત્નીએ પોતાનો પ્રાણપ્યારો પ્રિયતમ ખોયો હતો અને હવે અધૂરામાં પૂરું ધન પણ રાજા લઇ લેશે. આથી તેઓ કરુણ રીતે રડી રહી છે. - સ્ત્રીઓના રુદને મને વિચારમાં મૂકી દીધો : શું આ રીતે હું ધન લઉં તે વાજબી ગણાય ખરૂં? કોઇના નિસાસાવાળું ધન મને શી રીતે પચે? એકતો બિચારી સ્ત્રીઓ પુત્ર-પતિવિહોણી બની અને હવે હું તેમનું ધન લઇને પડતા પર પાટું મારું ? ખરેખર તો આવી અનાથ સ્ત્રીઓને
મારે કાંઇક આપવું જોઇએ... પણ હું તો અહીં લેવા આવ્યો છું ! છટ... | ધિક્કાર છે તારી આવી લોભી દાનતને ! મનોમન હું મારી જાતને ધિક્કારી રહ્યો. મેં મનથી નક્કી કરી નાખ્યું આવું ધન મારા ખજાનામાં ન જોઇએ. મારો ખજાનો દુઃખીઓના આંસુ ભરવા માટે નથી. જો કે કાયદો મારા પક્ષમાં હતો. પરંપરા પણ મને ટેકો આપતી હતી. મહાજન મારા પડખે હતું. મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર અને અભિજ્ઞાનશાકુંતલના પ્રાચીન શાસ્ત્રોના આધારો મારી તરફેણ કરતા હતા. બસ, એક મારું જૈન ધર્મથી ભાવિત થયેલું કરુણાÁ હૃદય જ તરફેણ ન્હોતું કરતું. એ મને દઢપણે કહી રહ્યું હતું : કુમારપાળ ! છેતરાઇશ નહિ. લાલચમાં લલચાઇશ નહિ. તું મક્કમપણે આવું ધન લેવાનું નકારી કાઢજે. જો આ રીતે તને લેવાની આદત પડી ગઇ તો વારંવાર એ તરફ જ તારું મન જશે. ક્યારે કોઇ અપુત્રિયો મરે ને ક્યારે મને એનું ધન મળે ? એ જ તારી વેશ્યા બની જશે. અનાજનો સંઘરાખોર વેપારી દુકાળ ઇચ્છે, કુલટા સ્ત્રી પતિના મૃત્યુને ઇચ્છ, વૈદરાજ શ્રીમંતોમાં રોગ ઇચ્છ, નારદ ઝગડાને ઇચ્છ, દુર્જન બીજાના છિદ્રને ઇચ્છે, તેમ તું પણ અપુત્રિયા ધનિકનું મૃત્યુ ઇચ્છતો થઇ જઇશ; આવી વિચારધારા તારા હૃદયને સાવ જ નિષ્ફર અને કઠોર બનાવી દેશે. એવા કઠોર હૃદયમાં ધર્મના અંકુરા ઊગી શકશે નહિ.
હું એ રડતી સ્ત્રીઓ પાસે ગયો અને કહ્યું : બેનો ! રડશો નહિ.
આત્મ કથાઓ • ૪૩૬
હું કુમારપાળ • ૪૩૭.