________________
કોઇને ખબર નહિ પડે. હું મારા પ્રાણ જવા દઇશ પણ આપને આંચ નહિ આવવા દઉં... મારા શરીરનું લોહીનું એકેક ટીપું આપની રક્ષા કરવા ઉત્સુક છે.' કુંભારની આવી વફાદારી જોઇ મારું હૃદય ઝૂમી ઊઠ્યું. પ્રજાને જો રાજાએ બરાબર સાચવી હોય તો રાજા માટે પ્રજા પોતાના પ્રાણ પાથરવા પણ તૈયાર થઇ જાય છે. એ સત્યની મને પ્રતીતિ થઇ.
હું નિભાડાની અંદર ઘૂસી ગયો. મારી આસપાસ ઈટો ગોઠવી દેવામાં આવી. અંદર હું એવો ગોંધાવા લાગ્યો કે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બન્યું ! જીવન-મરણ વચ્ચે હું ઝોલા ખાવા લાગ્યો. પ્રભુ ! આવા દુઃખો કોઇને નહિ આપતા. માણસને તરત જ મારી નાખજો... પણ આવી રીતે રિબાવતા નહિ. ક્યારેક હું આ રીતે પ્રભુ સમક્ષ મારો આક્રોશ ઠાલવી દેતો હતો.
દધિસ્થલીના શૂન્ય ઘરો, દેવળો, ગોખલાઓ, અટારીઓ, ભોંયરાઓ, ઓરડાઓ, ઓરડીઓ, મકાનો, દુકાનો, ગલીઓ વગેરે તમામ સ્થળે બારીકાઇથી તપાસ કરતી સિદ્ધરાજની સેના અહીં આવી પહોંચી. ચારેબાજુ તપાસ શરૂ થઇ. મારી નાડીના ધબકારા વધી ગયા. દરેક વખતે પ્રભુએ મારી રક્ષા કરી છે, આ વખતે નહિ કરે ? મારું પ્રભુ-વિશ્વાસુ હૃદય બોલી રહ્યું. મારી પ્રભુ-શ્રદ્ધા ફળી. બધે સ્થાને તપાસ કરનારા સૈનિકો નિભાડા પાસે ઈટોના ઢગલા પાસે પણ આવી પહોંચ્યા. પણ બહુ ઊંડી તપાસ ન કરી. ઇટોના ઢગલામાં કુમારપાળ શી રીતે હોઇ શકે ? અહીં રહે તો અંદર ગોંધાઇ-ગોંધાઇને જ મરી જાય. આવું કાંક વિચારીને તેઓ ચાલતા થયા. મારા જીવમાં જીવ આવ્યો. પ્રભુ ! ફરી એક વખત તારો આભાર માનું છું. જગધણી ! મેં તને ક્યાંય જોયો નથી... પણ મને તારી કૃપાના તો ડગલે-પગલે દર્શન થાય છે. તારા અસ્તિત્વનું પ્રમાણ આનાથી અધિક બીજું કયું હોઇ શકે ? ધજાથી મંદિર જણાય, ધૂમાડાથી આગની ખાતરી થાય, તેમ પ્રભુ ! તારી કૃપાથી તારા અસ્તિત્વની મને ખાતરી થઇ રહી છે. મારું હૃદય મનોમન પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતાથી ઝૂકી રહ્યું. થોડી વાર પછી ઈટોના ઢગલામાંથી બહાર કાઢીને કુંભારે કહ્યું:
આત્મ કથાઓ • ૩૯૪
અન્નદાતા ! અત્યારે તો આપ બચી ગયા છો, પણ હવે અહીં રહેવું આપને હિતકર નથી. આપ ક્યાંક બહાર... દૂર... સુદૂર પહોંચી જાવ. એ આપના હિતમાં છે. કારણ કે અહીં તો સિદ્ધરાજ તમને ક્યાંય છોડે તેમ નથી.
કુંભારની વાત ખરી હતી. કુટુંબના મોહમાં હું અહીં વ્યર્થ જ આવ્યો હતો. ફરી મેં જાનનું જોખમ હાથે કરીને ઊભું કર્યું. હવે હું વારંવાર ઝેરના અખતરા કરવા માંગતો હતો. પણ ક્યાંક દૂર જવાનું નક્કી કર્યું.
કુંભારને પૂછ્યું: ‘તમારું નામ શું ?' ‘મારું નામ ‘સર્જન’ છે મહારાજ !' કુંભારે કહ્યું.
“ઓહ ! સજ્જન ! નામ તેવા ગુણ છે તમારામાં. ફઇબાએ બહુ જ સમજણપૂર્વક તમારું નામ સજ્જન રાખ્યું છે. સર્જનભાઇ ! ખરું કહું છું : તમારા જેવા સજ્જનોથી જ આ ધરતી ટકી રહી છે. ઉપકારને કરનારા અને કરેલા ઉપકારને જાણનારા આ બે મહાપુરુષોથી જ ધરતી રસાતળમાં નથી ગઇ. તમારા પ્રાણ રક્ષાના ઉપકારને હું શી રીતે ભૂલી શકું ? અત્યારે તો હું કાંઇ આપી શકું તેમ નથી, પણ તમે જ્યારે સાંભળો કે પાટણમાં કુમારપાળ રાજા થયો છે ત્યારે મારી પાસે આવી જજો. હું ત્યારે કંઇક ઋણ અદા કરી શકીશ.”
“આપની એ સજ્જનતા છે, પણ મારી એવી બદલો લેવાની કોઇ ભાવના નથી. તમને બચાવતાં અત્યારે જે મને આનંદ થયો એ જ મારે મન મોટી વાત છે. બદલો લઇને હું ઉપકારનો વેપાર કરવા માંગતો નથી.”
‘તમે ભલે ન ઇચ્છો. તમારે ન જ ઇચ્છવું જોઇએ. પણ હું શી રીતે ભૂલી શકું ?' મેં કહ્યું અને તરત જ મેં વિદાય લીધી. | ‘હજાર હાથવાળો ભગવાન તમારી રક્ષા કરે. તમારો પંથ કંટક હીન હો ! તમારી દુઃખની રાત વીતી જલદી સુખનું પ્રભાત પ્રગટો.” સર્જન કુંભારના છેલ્લા શબ્દો સંભળાઈ રહ્યા. એ શબ્દોમાં પણ સજ્જનતા પ્રતિબિંબિત થતી હતી.
હવે પળવાર પણ દધિસ્થલીમાં રહી શકાય તેમ નહોતું. હું વોસિરિ નામના બ્રાહ્મણની સાથે કેટલાક દિવસે ખંભાત જઇ પહોંચ્યો.
હું કુમારપાળ : ૩૯૫