________________
(પ) હું સંગમ
લિ
મને કકડીને ભૂખ લાગી હતી. મારી માએ મારા માટે સુંદર સ્વાદિષ્ટ ખીર બનાવી હતી. હા... એ ખીર માટે મેં મા પાસે માંગણી કરેલી. તહેવારના દિવસે બધા લોકો ખીર ખાય અને હું રહી જાઉં... એ શું ચાલે? મેં તો મા પાસે હઠ જ પકડી : મારે ખીર જોઇએ ને જોઇએ જ ! મારી આગ્રહપૂર્વકની માંગણી જોઇ માની આંખમાં ઝળહળિયાં આવી ગયા. એ રડી ઊઠી. પણ મારા હૃદયની વાત સમજી શકું એવી મારામાં ક્યાં સમજ હતી ? હું તો નાદાન હતો. મારી મા પોતાની કઢંગી સ્થિતિ પર રડી પડી : અરેરે ! આ બિચારો મારો નાનકડો લાલ ! મારી કાળજાની કોર ! મારી પાસે ખીર માંગે છે. એને ક્યાં ખબર છે કે આ તારી મા તને રોટલા પણ માંડ ખવડાવી શકે છે ત્યાં ખીર ક્યાંથી લાવે ? આમ વિચારતી મારી મા રડી રહી હતી. તેના રુદનથી પીગળેલી પાડોશણોએ ખીર બનાવવાની દૂધ, ઘી, સાકર વગેરે વસ્તુઓ આપી. આથી મારી મા ખીર બનાવી શકી. ખીર બનાવી મને થાળીમાં પીરસી તે બહાર ગઇ. ખીર ખૂબ જ ગરમ હતી. ઠંડી થાય તેની હું વાટ જોઇ રહ્યો હતો.
અચાનક જ મને વિચાર આવ્યો : શું હું આ ખીર કોઇને ખવડાવ્યા વિના ખાઇશ ? શું હું એકલપટો બનીશ ? રે, કાગડા પણ પોતાના જાત ભાઇઓને બોલાવીને ખાય છે ? હું કાગડાથી પણ હીન ? હું આવા વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ “ધર્મલાભ” શબ્દ સંભળાયો. હું આનંદથી નાચી ઊઠ્યો. મારે જે જોઈતું હતું તે સામેથી મળ્યું હતું. એક મહિનાના ઉપવાસી કોઇ જૈન મુનિ મારે ત્યાં વહોરવા માટે આવ્યા હતા. મારું રોમ-રોમ નાચી ઊઠ્ય : ઓહ ! આજે મારા આંગણે કલ્પતરુ ઊગ્યો. મારે ઘેર કામધેનુ આવી. મારા હાથમાં ચિંતામણી રત્ન આવ્યું. હું આનંદના નિરવધિ સાગરમાં સ્નાન કરી રહ્યો હતો. તપસ્વી મુનિને ઊછળતા હૈયે ખીર વહોરાવી. મુનિશ્રી ના પાડતા રહ્યા, પણ મેં તો આખી
આત્મ કથાઓ • ૩૫૪
થાળી ઠાલવી દીધી. | મુનિ જતા રહ્યા. ખાલી થાળી હું ચાટતો હતો. મારી માએ આ જોયું : બિચારો ! કેટલો ભૂખ્યો છે ! હજુ ધરાયો નથી. ખાલી થાળી પણ ચાટે છે. મને કહ્યું : દીકરા ! બીજી ખીર આપું ? મેં કહ્યું : ના... હવે જરૂર નથી. મેં ધરાઇ જવાનો ડોળ કર્યો. પણ મા કોને કહેવાય? તેણે મને બીજી ખીર પીરસી. મેં ખાધી. જિંદગીમાં ખીર પહેલી જ વાર ખાધી હોવાથી મારું પેટ ટેવાયેલું નહોતું. થોડીવારમાં મને પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો. વૈદો જેને વિશુચિકા કહે છે એ રોગથી હું ઘેરાયો. મને અત્યંત પીડા થવા લાગી. મારી આયુષ્યની દોરી તૂટતી જણાઈ. મેં પેલા મુનિવરને મનોમન યાદ કરવા માંડ્યા. દાનધર્મની ખૂબ ખૂબ અનુમોદના કરી. પેટમાં વેદના અને મનમાં વંદના ચાલુ રહી. વેદના અને વંદના વચ્ચે મારા પ્રાણ ચાલ્યા ગયા.
હું મૃત્યુ પામીને ગોભદ્ર શેઠના પુત્ર તરીકે જન્મ્યો. દાન ધર્મના પ્રભાવથી મને વિપુલ સમૃદ્ધિ મળી. મારે ત્યાં દરરોજ ૯૯ પેટી દેવલોકથી આવતી હતી.
હવે તો તમે મને ઓળખી જ ગયા હશો ? કહી બતાવશો : હું કોણ ? હું શાલિભદ્ર !
પરકાય - પ્રવેશ • ૩૫૫