________________
અનાર્યદેશમાં રહેલા એક આદ્રક નામના રાજકુમારે મારી સાથે દોસ્તી બાંધવા મારા પર સારું ભેટછું મોકલ્યું. મેં તેને ધર્મ માર્ગે વાળવા પ્રભુની મૂર્તિ મોકલી. તેને જોઇ જાતિસ્મરણ જ્ઞાન પામી, આર્યદેશમાં આવી તે જૈન મુનિ બન્યો અને આત્મકલ્યાણ સાધ્યું.
કસાઇ અને ખૂંખાર ચોરના પુત્રો પણ મારા સંસર્ગથી ધર્મમાર્ગે વળ્યા છે.
કાળિયા કસાઇનો પુત્ર સુલસ, મારી જ પ્રેરણાથી સન્માર્ગે વળ્યો હતો અને પિતાનો ખાટકીનો ધંધો તેણે સ્વીકાર્યો ન્હોતો.
પેલા રોહિણિયા ચોરની વાત તો તમે સાંભળી જ હશે ? એના પિતા લોહખુરે શ્રી મહાવીરદેવની દેશના નહિ સાંભળવાની તેને પ્રતિજ્ઞા કરાવી હતી. એક વખતે તે પકડાયો. મેં તેની પાસેથી ગુનો કબૂલાવવા દેવલોકની માયા ઊભી કરી, પણ તે ફસાયો નહિ. ક્યાંથી ફસાય ? તેણે મહાવીરદેવની દેશનાના કેટલાક વાક્યો સાંભળ્યા હતા. સાંભળ્યા ન્હોતા, પણ સંભળાઇ ગયા હતા. અનિચ્છાએ પણ દેશના સાંભળવાથી પ્રાણ બચતા હોય તો એમનું શરણું સ્વીકારવાથી શું ન મળે ? આ વિચારે તેણે દીક્ષા લીધી. હું તેના ચરણે ઢળી પડ્યો.
મેં જ્યારથી પ્રભુના મુખે સાંભળેલું કે અંતિમ રાજર્ષિ ઉદયન બનવાના છે, ત્યારથી મેં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે હું જાણતો હતો કે રાજા જો રાજગાદીનો ત્યાગ ન કરે તો પ્રાયઃ નરકે જાય. રાજેસરી નરકેસરી ! પણ મારા પિતા કોઇ હિસાબે રજા આપતા હોતા. તેઓ મગધની ગાદી મને સોંપવા માંગતા હતા. એક વખતે મેં એવું કામ કર્યું કે તેનાથી ગુસ્સે થઇ બરાડી ઊઠ્યા : જા... તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારે તો આટલું જ જોઇતું હતું. હું ભગવાન પાસે પહોંચી મુનિ બની ગયો. જો કે, પછીથી મારા પિતાને ખબર પડી અને મને બોલાવવા આવ્યા, પણ હવે હું ઘરે જાઉં ?
જગતનું સર્વોત્કૃષ્ટ સામ્રાજ્ય શ્રમણપણું પ્રાપ્ત કરી હું ધન્ય બની ગયો હતો. બંધુઓ ! મારી બુદ્ધિ, મારી પ્રગતિ વગેરે જોઇને તમને થયું હશે ?
આત્મ કથાઓ • ૩૫૨
આવી બુદ્ધિ શી રીતે મળી ? આવી પ્રગતિ શી રીતે થાય ? મારી બુદ્ધિ અને મારા આત્મ-વિકાસનું મૂળ બતાવું ? એના માટે મારે પૂર્વભવ બતાવવો પડશે. કારણ કે આ ભવનું સારું કે માઠું પૂર્વભવની આપણી જ કરણીનું ફળ છે. મારી પૂર્વભવની વાત સાંભળી તમે ચોંકી ઊઠશો. હેં.. ? આવો ગમાર માણસ પણ પ્રગતિ સાધી શકે ?
પૂર્વભવમાં હું એક ગરીબ... ના... ગરીબ જ નહિ, હું ભિખારી છોકરો હતો. મને ભીખ માંગતો જોઇ એક શેઠને દયા આવી. મને કહ્યું : હું દરરોજ ભગવાનના મંદિરમાં પૂજા કરવા જાઉં છું. તું મારા ફૂલો લઇ આવજે. આ કામ બદલ હું તને એક માણો અનાજ આપીશ. મેં આ કામ કરવા માંડ્યું. એક દિવસ મને પણ પૂજા કરવાના ભાવ જાગ્યા. મેં મારા પૈસાથી ખરીદેલા ફૂલોથી ભગવાનની પૂજા કરી. મને અપાર આનંદ આવ્યો. ત્યાંથી મૃત્યુ પામીને હું મહારાજા શ્રેણિકનો પુત્ર અભય બન્યો. મારી બુદ્ધિનાં મૂળ પ્રભુ-પૂજામાં પડેલા છે, એ ભૂલશો નહિ. પ્રભુભક્તિથી મળનારી બુદ્ધિ નિર્મળ હોય છે. નિર્મળ બુદ્ધિ કદી પણ અકાર્યના માર્ગે દોરતી નથી. આજે પણ તમે લોકો “અભયકુમાર જેવી બુદ્ધિ હોજો' એમ લખો છો તે શા માટે ? બુદ્ધિ તો ઘણાયમાં હોય છે, પણ બુદ્ધિ સાથે શુદ્ધિ હોય તો જ તારક બને, અન્યથા મારક બને.
પરકાય - પ્રવેશ • ૩૫૩