________________
હર્ષથી ગગદ બની ગયા. મારા પર તેમનો સ્નેહ વર્ષો પડ્યો. મને તેમણે વાત્સલ્યથી નવડાવી દીધો. જ્યારે તેમને ખબર પડી કે હું તેમનો પુત્ર જ છું ત્યારે તેમના આનંદનું તો પૂછવું જ શું ? મારી મા નંદાનું પૂછ્યું ત્યારે મેં જણાવ્યું કે તે નગર બહાર બગીચામાં છે. રાજા મારી બાને લેવા ગયા. હું અગાઉ મારી બા પાસે પહોંચી ગયો. બધા સમાચાર આપ્યા. મારી મા આનંદથી ઝૂમી ઊઠી. નવા કપડાં ઘરેણાં વગેરે પહેરવા તે તૈયારી કરવા લાગી. ત્યારે મેં કહ્યું : મા ! ઉતાવળ ના કર. હમણાં શણગાર સજવાનું રહેવા દે. પતિના વિરહમાં કુલીન સ્ત્રીઓ શણગાર વિનાની જ રહે છે. તો તું પહેલાં જે રીતે રહેતી હતી તે જ રીતે રહે. જેથી કોઇ શંકાનું કારણ ના રહે. માએ મારી વાત માની. મારા પિતા શ્રેણિકે હર્ષપૂર્વક અમારું સ્વાગત કર્યું અને પોતાના આવાસે લઇ ગયા.
ત્યારથી હું પિતાની સેવામાં રહેવા લાગ્યો. ઊંમરમાં હું નાનો છતાં બધા મારી સલાહ લેતા.
મોટા થઇને મેં બુદ્ધિના પ્રભાવથી ઘણીવાર રાજ્યરક્ષા કરી છે તથા ધર્મની પ્રભાવના પણ કરી છે.
| મારી જીવનના કેટલાંક પ્રસંગો સંક્ષેપથી તમને કહું ? તમને ખૂબ જ આનંદ થશે.
એકવાર કોઇ કઠિયારાએ સુધર્માસ્વામીની પાસે દીક્ષા લીધી. ત્યારે નગરના લોકો નિંદા કરવા લાગ્યા : જોયું ? ન મળી નારી ને બાવા થયા બ્રહ્મચારી ! કઠિયારા પાસે હતું જ શું ? આવા ભિખારીઓને શું દીક્ષા આપતા હશે ? જૈન ધર્મની નિંદા થતી જોઇ સુધર્માસ્વામી વિહારની તૈયારી કરવા લાગ્યા. મને ખબર પડતાં મેં અટકાવ્યા અને લોકનિંદા દૂર કરવાનું વચન આપ્યું. પછી મોતીના મોટા ત્રણ ઢગલા બજાર વચ્ચે મૂકાવી લોકોને મફતમાં લેવા કહ્યું. પણ શરત એ મૂકી કે મોતી લેનાર સ્ત્રી, અગ્નિ કે કાચા પાણીનો સ્પર્શ કરી શકશે નહિ. આથી કોઇ લેવા તૈયાર ન થયું. ત્યારે મેં કહ્યું : કઠિયારા મુનિ આ ત્રણે શરતનું પાલન કરે છે, છતાં મોતી લેવા નથી આવ્યા. બોલો, તેઓ ત્યાગી ખરા કે નહિ ? લોકો સમજી ગયા. નિંદા બંધ થઇ ગઇ. મહારાજનો વિહાર અટકી ગયો.
એકવાર સભામાં માંસ સસ્તું છે એવી ચર્ચા ચાલી. ત્યારે હું સમસમી ઊઠ્યો. મેં એ બધાને સબક ભણાવવાનું નક્કી કર્યું. બીજે દિવસે રાત્રે આવી ચર્ચા કરનારાઓના ઘેર જઇને મેં કહ્યું: ‘મહારાજા શ્રેણિક અત્યંત બિમાર છે. વૈદોએ કહ્યું છે કે માણસના કલેજાનું માંસ તાત્કાલિક આપવામાં આવે તો જ બચી શકશે. તો એ માટે તમારી પાસે આવ્યો છું. તમે મહારાજાના વફાદાર સેવક છો એટલે કાળજાનું માંસ આપવામાં જરાય અચકાશો નહિ એવો વિશ્વાસ છે. મારી આ વાત સાંભળી પેલો તો ડઘાઈ જ ગયો. ડઘાઇ જ જાય ને ? મર્યા વિના કલેજાનું માંસ શી રીતે આપી શકાય ? ન આપીએ તો રાજા તરફની વફાદારી પણ શી રીતે કહેવાય ? તેણે ધીરેકથી મારા ગજવામાં સોનામહોરો સરકાવતાં કહ્યું : મંત્રીવર ! હું લાચાર છું. આ સોનામહોરો લો અને આ કામ માટે બીજે પધારો. મારી અપેક્ષા પ્રમાણે જ બધું થયું એટલે મને કાંઇ આશ્ચર્ય ન થયું. એ રીતે હું ચર્ચા કરનારા બધા માંસલોલુપીઓના ઘરે ગયો. બધાએ મને સોનામહોરો આપી, પણ કાળજાનું માંસ આપવા કોઇ તૈયાર ના થયું. બીજા દિવસે રાજાની હાજરીમાં જ્યારે માંસની વાત મેં કાઢી ત્યારે બધા શરમીદા થઇ ગયા. મેં સૌને સમજાવ્યું કે માંસ સસ્તુ છે, પણ બીજાનું. પોતાનું માંસ તો મોંઘું છે, મોંઘું જ નહિ, પણ મહામોંઘું છે. તો બંધુઓ ! બીજા જીવોની પણ આપણા જેવી જ હાલત હોય છે. જો આપણામાં થોડી પણ સંવેદનશીલતા બચી હોય તો સત્વરે માંસ છોડી દેવું જોઇએ. મારી પ્રેરણાથી તેમણે માંસાહારનો ત્યાગ કર્યો.
એવું નથી કે હું કદી ઠગાયો નથી. ઘણીવાર હું છેતરાયો પણ છું; અલબત્ત ધર્મના ઓઠા હેઠળ, એક પ્રસંગ તમને કહું. ઉર્જનનો ચંડપ્રદ્યોત રાજા એક વખતે મોટું લશ્કર લઇ અમારી નગરી પર ચડાઇ કરવા માટે આવેલો. મેં એવી યુક્તિ લગાવી કે તેને યુદ્ધ કર્યા વિના ભાગવું પડ્યું. પછીથી બનાવટની ખબર પડતાં બે વેશ્યાઓને શ્રાવિકાના સ્વાંગમાં મોકલાવી મને જીવતો પકડ્યો. પછી તો મેં પણ ચંડપ્રદ્યોતને બધાની વચ્ચે લઇ જવાની પ્રતિજ્ઞા કરી અને તે કરી પણ બતાવ્યું. મારા સંસર્ગમાં આવનાર ઘણા આત્માઓનો ઉદ્ધાર પણ થયો છે.
પરકાય - પ્રવેશ • ૩૫૧
આત્મ કથાઓ • ૩૫૦