________________
જાતની પરીક્ષા છે ? તેણે કહ્યું : હું એ જ જણાવું છું. એક ઊંડા ખાલી કૂવામાં વીંટી નાખીને જાહેરાત કરી છે કે જે કૂવાના કિનારે ઊભો રહી અંદર રહેલી વીંટીને બહાર કાઢશે તેને મુખ્ય મંત્રી બનાવવામાં આવશે. આથી આ લોકોનું ટોળું એકઠું થયું છે. બધા કલ્પનાના ઘોડા દોડાવે છે, બુદ્ધિ લગાવે છે, પણ કોઇના પ્રયત્નો હજુ સુધી સફળ થયા નથી. આ સાંભળીને મારા મનમાં વિચાર-વીજળી ઝબૂકી : આ તક સારી છે. મારે એ ઝડપી લેવી જોઇએ. મારી બુદ્ધિની ચમક બતાવવાની આ અભુત તકે છે. માણસ યોગ્ય તક મેળવવા માટે ઘણી મહેનત કરે છે, પણ જ્યારે તક સામેથી આવી ચડે છે ત્યારે તે હતપ્રભ બની જાય છે. પછી ફરિયાદ કરતો રહે છે : શું કરીએ ? અમારા જીવનમાં સારી તકે મળી નહિ. નહિ તો અમે પણ જીવનમાં ‘કાંઇક' કરી બતાવત. મારી દૃષ્ટિએ માણસની આ ફરિયાદ સાવ જ ખોટી છે. તમારામાં જો યોગ્યતા હોય તો અનેક તકો તમારી સામે જ પડી છે. તકો તો ક્ષણે-ક્ષણે માણસને પૂછી રહી છે : હું તો તમને મારું સર્વસ્વ આપી દેવા તૈયાર છું. બોલો, તમારી તૈયારી કેટલી છે ? પણ માણસની આ નબળાઇ છે કે એ પોતાના દોષો કે પોતાની અયોગ્યતા જોતો નથી, પણ બીજા પર દોષનો ટોપલો ઢોળી સ્વયં “નિર્દોષ' છે એમ કહેવા મથતો હોય છે.
મેં આ તક ઝડપી લેવાનો નિર્ણય કર્યો. પેલા બુઝર્ગને કહ્યું : ઓહ! એમાં કઇ મોટી વાત છે ? હું હમણાં જ જાઉં અને કૂવામાંથી વીંટી બહાર કાઢી બતાવું. મારી વાત સાંભળતાં જ એ ભાઇ હસી પડ્યો. માત્ર એ માણસ જ નહિ, આજુ-બાજુનું ટોળું પણ હસી પડ્યું. બધા એકી-સાથે બોલી ઊઠ્યા : અલ્યા ટેણીયા ! મોટા મોટા ખેરખાંઓએ પણ જ્યાં હાથ ધોઇ નાખ્યા ત્યાં તું શું કરવાનો ? તારી ઊંમર કેટલી ? તારી અક્કલ કેટલી ? તારો અનુભવ શું ? તારા કરતાં દશગણી દીવાળીઓ જોનારા પણ ધૂળ ચાટતા થઇ ગયા છે. માટે શાંતિથી બધું જોયા કર. મહેરબાની કરીને ડહાપણ ડોળીને તારી અક્કલનું પ્રદર્શન કરીશ નહિ. નાહક તારી ફજેતી થશે. તારી ફજેતી થાય એવું અમે ઇચ્છતા નથી. હું તો ટોળાની વાતનો કોઇ જ જવાબ આપ્યા વિના આત્મવિશ્વાસપૂર્વક આગળ વધ્યો.
આત્મ કથાઓ • ૩૪૮
રસ્તામાં બીજા પણ ઘણા-ઘણા માણસોએ લગભગ આવી જ સલાહ આપી. સાચે જ ‘ટોળું' કદી એ સ્વીકારવા તૈયાર હોતું નથી કે અમારાથી કોઇ આગળ વધી જાય. ટોળું મોટા ભાગે એક સરખી રીતે વિચારવાને ટેવાયેલું હોય છે. તે એક જ ઘરેડના વિચારોથી બંધાયેલું હોય છે. એ કદી એવી કલ્પના પણ કરી શકતું નથી કે આનાથી જુદી રીતે પણ વિચાર કરી શકાય. સમસ્યાનો ઉકેલ આપણે વિચારીએ છીએ એના કરતાં બીજી રીતે પણ થઇ શકે. આપણાથી નાની ઊંમરવાળા પણ આનો રસ્તો શોધી શકે. આવા કોઇ જ વિચારો ટોળાને આવતા નથી. આવા ટોળાને ગણકારે તે કદી પણ ઉપર ઊઠી શકતો નથી. પણ હું ટોળાની આવી ખાસિયતો જાણતો હતો. મારે ટોળાથી ઉપર ઊઠીને મારી સ્વતંત્ર પ્રતિભાનાં દર્શન કરાવવા હતા. હું તો ઠેઠ રાજાની પાસે જઇ પહોંચ્યો. મેં કૂવામાંથી વીંટી કાઢી આપવાની વાત કરી. શરૂમાં તો રાજા અને આજુબાજુના બધા જ લોકોએ મારી વાત હસી કાઢી, પણ પછી રાજાને થયું ઃ જોવા તો દો... આ છોકરો શું કરે છે? ઘણીવાર કેટલાક નાના બાળકોની તીક્ષ્ણ બુદ્ધિ મોટાઓને પણ હેરત પમાડે તેવી હોય છે. કદાચ આ છોકરો સફળ ન પણ થાય. પણ તેથી શું થયું ? ઘણા મોટાઓ પણ નિષ્ફળ ગયા છે ! રાજાની કૃપાથી મને “ચાન્સ” મળ્યો. મેં રાજાને કહ્યું : રાજનું ! મારે આના માટે જે જે ચીજો જોઇએ તે લાવવાનો પ્રબંધ આપે કરવો પડશે. છાણ, ઘાસનો પૂળો અને પાણી - આ વસ્તુઓ મારી પાસે હાજર કરો. હું થોડીવારમાં વીંટી કાઢી આપું. રાજાના હુકમથી બધી વસ્તુઓ હાજર થઇ ગઇ.
બધા માણસો મને આશ્ચર્યચકિત નયને જોઇ રહ્યા હતા. મેં મારો પ્રયોગ શરૂ કર્યો. છાણનો લોદો બનાવી મેં કૂવામાં રહેલી વીંટી પર ફેંક્યો. વીંટી તેમાં ચોંટી ગઇ. પછી ઘાસનો પૂળો એક તરફ સળગાવી મેં તેના પર ફેંક્યો. તેની ગરમીથી ભીનું છાણ સૂકાઈ ગયું. પછી મેં કૂવાને પાણીથી ભરવાનું કહ્યું. રાજાના હુકમથી કૂવો તરત જ પાણીથી ભરાઇ ગયો. પેલું છાણ પાણીની સપાટી પર આવી ગયું. તેની સાથે ચોંટેલી વીંટી પણ ઉપર આવી ગઇ. પાણીમાંથી તે કાઢીને મેં રાજાને આપી. રાજા
પરકાય - પ્રવેશ • ૩૪૯