________________
તરત જ લેવી છે. મેં ઘેર જઈને મમ્મી પાસે દીક્ષાની વાત કરી... પણ આ શું ? જે મમ્મી પહેલાં મને દીક્ષા લેવા સમજાવતી એ જ મમ્મી હવે ફરી ગઇ, દીક્ષા માટે આનાકાની કરવા લાગી. બેટા ! તું બહુ નાનો છે. દીક્ષા પાળવી બહુ કઠણ છે, એમાં તારું કામ નહિ. દીક્ષા લેવા જેવી ખરી, પણ હમણાં નહિ, મોટી ઉંમર થાય ત્યારે લેજે. આવું કહીને મને દીક્ષા લેતાં રોકવા લાગી. પણ હું કાંઇ કાચો ન્હોતો. એવી સમજાવટની મારા પર કોઇ અસર ના થઇ. હું મારા ધ્યેયમાં મક્કમ હતો. માતાની કાકલુદીમાં મોહનાં તોફાન હું જોઇ રહ્યો હતો.
મેં કહ્યું : હું જાણું છું છતાં જાણતો નથી. હું નથી જાણતો છતાં જાણું છું. મારી આવી “અવળ' વાણી મારી માતા સમજી શકી નહિ. એટલે તેના આગ્રહથી મેં જ ખુલાસો કરતાં કહ્યું : હે મા ! હું જાણું છું કે એક દિવસ હું મરી જવાનો છું, પણ ક્યારે મરવાનો છું, તે જાણતો નથી. એટલે જ હું કહું છું કે હું જાણું છું છતાં નથી જાણતો અને એને જ ઉલટાવીને એમ પણ કહેવાય કે હું નથી જાણતો છતાં જાણું છું. મારું મૃત્યુ ક્યારે થશે એ હું જાણતો નથી પણ એક દિવસ તો અવશ્ય થશે જ એ તો હું જાણું જ છું. એટલે હું એમ કહેવા માંગું છું કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. મૃત્યુના દરબારમાં નાના-મોટાનો કોઇ ક્રમ નથી. જો હું ગમે ત્યારે મરી શકું તો તારી વાત ‘મોટો થઇને તું દીક્ષા લે જે' એ શી રીતે માની શકાય ?
મારી મા તો મોટા માણસ જેવી મારી દલીલો સાંભળી છક્ક જ થઇ ગઇ. એ ચૂપ જ થઇ ગઇ ! ચૂપ જ થઇ જાય ને ! અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર ગુરુ ગૌતમસ્વામીનો મારા પર હાથ ફર્યો હતો.
આખરે ઘણી આનાકાનીના અંતે મારી માતાએ દીક્ષા માટે રજા આપી. ગમે તેમ તોય તેના હૈયામાં જૈન શાસન વસેલું હતું. દીક્ષા તેને પ્યારી લાગેલી હતી.
ધામધૂમથી મારી દીક્ષા થઇ. ભગવાનશ્રી મહાવીરદેવે મને ઓઘો આપેલો ત્યારે હું નાચી ઊઠેલો. અમૂલો ઓઘો મળતાં કોણ ન નાચે ? ભગવાને મારું ઘડતર કરવા મને સ્થવિર સાધુઓને ત્યાં મૂક્યો. હું વૃદ્ધોની
આત્મ કથાઓ • ૩૩૪
પાસે ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાથી મારા આત્માનું ઘડતર કરવા લાગ્યો.
એક વખત ચોમાસાના સમયે હું એક વૃદ્ધ સાધુની સાથે સ્પંડિલ ભૂમિએ ગયો. હું કામ પતાવીને વૃદ્ધ સાધુની રાહ જોતો રસ્તા પર ઊભો રહ્યો. મારી નજર પ્રાકૃતિક સૌંદર્ય પર મંડાઇ. આકાશ વાદળાંઓથી ઘેરાયેલું હતું. મોરલાઓ ટહૂકી રહ્યા હતા. ધરતી પર લીલી-લીલી કૂંપળ ફૂટી હતી. ઠેર-ઠેર પાણીના ખાબોચિયાં ભરાયેલા હતા. મારી પાસે જ એક પાણીનું ખાબોચીયું હતું. ત્યાં બાળકો રમી રહ્યા હતા. મારી ઉંમરના જ એ બાળકો હતા. પાંદડાની હોડી બનાવી ખાબોચીયામાં તરાવી રહ્યા હતા. આ જોઇને મારી પણ રમવાની વૃત્તિ સતેજ થઇ ઊઠી. આખરે આત્મા નિમિત્તવાસી છે. જેવું નિમિત્ત મળે તેવો બની જતો હોય છે. બાળકોને રમતા જોઇ હું પણ રમવા તૈયાર થયો. આખરે તો હું બાળક જ હતો ને ? બાળ સહજ વૃત્તિ મારા માટે સ્વાભાવિક હતી. હું પેલા બાળકોની ટોળીમાં ઘુસી ગયો. મને જોઇને એ લોકો રાજી થયા. સાધુ મહારાજ જેવા દોસ્ત મળે પછી રાજી કોણ ન થાય ? એક છોકરાએ મને કહ્યું : મહારાજ ! અમારી હોડીઓ આ પાણીમાં તરે છે. તમારી હોડી ક્યાં ? હું પણ ક્યાં કમ હતો ? મેં તરત જ તરપણી પર રહેલી કાચલી (નાનકડું કાષ્ઠપાત્ર) કાઢી એ ખાબોચીયા પર તરતી મૂકી અને હું ગાવા લાગ્યો : “નાનકડી તળાવડી ને નાનકડી નાવડી' મારી સાથે બધા છોકરાઓ પણ ગાવા મંડી પડ્યા. અમારી રમત સોળે કળાએ ખીલી ઊઠી. પણ અચાનક જ રંગમાં ભંગ પડ્યો. ‘અલ્યા અઇમુત્તા ! આ શું માંડ્યું છે ? સાધુ થઇને આવું કરાય ? ચાલ... છોડ રમત. ચાલ, મારી સાથે દૂરથી અવાજ સંભળાયો. કોનો હતો આ અવાજ ? જે વૃદ્ધ સાધુની સાથે હું બહિબ્રૂમિએ આવેલો હતો તે સાધુ કામ પતાવીને આવી ગયા હતા અને મને બોલાવી રહ્યા હતા. તેમનો સખત અવાજ અને કરડાકીભર્યો ચહેરો જોઇ હું ધ્રૂજી ઊઠ્યો. તેમણે મારો સરખો ઉધડો લીધો : મૂરખના જામ ! સાધુ થઇને આ શી રમત માંડી છે ? રમવું જ હતું તો સાધુ શું કામ થયો ? કાચા પાણીને આપણાથી અડાય પણ
પરકાય - પ્રવેશ • ૩૩૫