________________
આ વાત રાજા પાસે પણ આવી. રાજાને થયું : આવો નિદ્રા-રહિત વૃદ્ધ માણસ તો ખૂબ જ કામનો છે. બીજું કાંઇ નહિ તો અંતઃપુરના ચોકીદાર તરીકે તો કામ લાગશે જ.
...અને વળતા જ દિવસે રાજાએ તેને અમારા અંતઃપુરનો ચોકીદાર બનાવી દીધો. પેલો ડોસો તો આમેય ઘરથી કંટાળી જ ગયો હતો. સો છોકરો પણ જ્યાં પોતાની વાત માનવા તૈયાર ન હોય તે ઘરમાં રહેવાનું મન પણ કોને થાય ?
એ ડોસાને સંસારની અસારતા દેખાવા લાગી હતી, એને સંસાર ડુંગળી જેવો લાગવા માંડ્યો હતો. છોતરા કાઢતા જ જાવ. અંદર કંઇ જ ન મળે.
શરૂઆતમાં પત્ની પ્યારી લાગે. પણ પુત્ર થતાં જ એનો પ્યાર ઓછો થઇ જાય.
શરૂઆતમાં પુત્ર પ્યારો લાગે, પણ લગ્ન થતાં જ એ પુત્રવધૂનો બની જાય.
શરૂઆતમાં પુત્રવધૂ સારી લાગે, પણ બે-ત્રણ વર્ષમાં જ અલગ ઘરની વાત કરે.
બસ આ સંસારમાં આમ જ બધું સરકતું રહે. જ્યાં બધું જ સરકતું જાય અને છેલ્લે આપણે સ્વયં પણ સરકી પડીએ એનું જ નામ તો સંસાર છે ને ?
પણ રે, સંસારની આવી અસારતા અનુભવવા માટે ઠેઠ ઘડપણ સુધી પહોંચવું પડે છે, ઠેઠ ત્યારે અક્કલ આવે છે કે આના કરતાં તો... પણ ત્યારે પસ્તાવો સિવાય હાથમાં કશું હોતું નથી.
ઘરથી કંટાળેલો આ ડોસો મારા માટે તો આફતરૂપ બન્યો. ગવાક્ષમાંથી જવાનો મારો સમય થઇ ગયો. હું ઊભી પણ થઇ ગઇ, પણ પેલો ડોસો ખૂં... છૂં... કરતો હતો. મારું મન બોલી ઉઠ્યું : કેવો છે આ વિચિત્ર ડોસો ! હજી સૂતો નથી. હું એના સૂવાની વાટ જોવા લાગી, પણ મને મૂર્ખાને ક્યાં ખબર હતી કે એનાથી ઊંઘ સાત સમુદ્ર દૂર ભાગી ગઇ છે ? એ સૂવાનો ડોળ કરીને મારા માટે આફત પણ આત્મ કથાઓ . ૩૨૨
ઉભી કરી શકે છે ? - પણ કામાંધ વ્યક્તિને આટલું વિચારવા સમય જ ક્યાં હોય છે ? એ તો છતી આંખે આંધળો હોય છે. પેલો ઘુવડ તો માત્ર દિવસે ન દેખે, પેલો કાગડો તો માત્ર રાત્રે ન દેખે, પણ કામથી આંધળો થયેલો દિવસેય ન દેખે અને રાત્રેય ન દેખે.
શરૂઆતમાં તો એ ડોસો વારંવાર મારી સામે જોતો હતો. આથી હું ગભરાઇ જઇ વારંવાર નીચે બેસી જતી હતી, પણ પછી મેં જોયું તો એ ડોસો ઘસઘસાટ ઊંઘતો હતો. હાશ ! હવે વાંધો નહિ. મારું મન બોલી ઉઠ્યું. હું તરત જ હાથીની સૂંઢ પર પગ મૂકીને ઉતરી પડી.
આજે મારો યાર (મહાવત) એકદમ ક્રોધથી ધમધમતો હતો : રાંડ! આટલી વાર કેમ લગાડી ? તારામાં કાંઇ અક્કલ-બક્કલ છે કે નહિ ? સમયનું ભાન છે કે નહિ ? હું ક્યારથીય અહીં તારી વાટ જોઇને ઊભો છું, એનો તારે વિચાર કરવાનો કે નહિ ? આવી રાતે મારે ક્યાં સુધી ઊભા રહેવું ?
...અને એ તો મારું કશું જ સાંભળ્યા વિના હાથીને બાંધવાની સાંકળથી મને ઝૂડવા જ માંડ્યો.
“નાથ ! આટલા નારાજ ના થાઓ. મારી વાત જરા સાંભળો તો ખરા ! ઓલો ડોસો છે ને તે આજે જ નવો આવ્યો છે ને ટીકી-ટીકીને મારી સામે જોઇ રહ્યો હતો. હું તો ક્યારથીયે તૈયાર હતી, પણ પેલો ઊંઘે ત્યારે ને ! એ હમણાં જ સૂતો ને હું તરત જ આવી.” મારી વાત સાંભળીને મહાવત કાંઇક ટાઢો પડ્યો અને મને વળગી પડ્યો. એનો ક્રોધ કામમાં બદલાઇ ગયો.
એવું ન સમજતા કે સ્ત્રીને ઝૂડવાથી તે નારાજ થાય છે. ઝૂડવાથી ઊલટું સ્ત્રી બમણા પ્રેમથી ચાહવા લાગી જાય છે. ખરૂં પૂછો તો જે ગરમ ન થાય, જે માર-ઝૂડ ન કરે, એવો પુરુષ સ્ત્રીઓને નમાલો લાગે છે. એની શાંતિમાં સ્ત્રીને કાયરતાના દર્શન થાય છે. સ્ત્રીઓ કદી કાયરને ચાહી શકતી નથી. સ્ત્રીઓને દબડાવવાથી સીધી ચાલે છે. ‘ઢોલ પશુ મૂરખ ઔર નારી, યે સબ તાડન કે અધિકારી.' તુલસીદાસની આ પ્રસિદ્ધ ઉક્તિ તમે નથી સાંભળી ? એમાં કંઇક તો સચ્ચાઇ હશે ને ? ચંદન, પરકાય - પ્રવેશ - ૩૨૩