________________
એક વખતે મને સમાચાર મળ્યા કે મારા પતિદેવ યુદ્ધ માટે જઇ રહ્યા છે. વરુણ સાથે યુદ્ધ કરી રહેલા રાવણને મદદ કરવા જઇ રહ્યા છે. યુદ્ધમાં તો શું ભરોસો ? યુદ્ધમાં ગયેલો પાછો ઘેર હેમખેમ ફરે તો ફરે ! હું પ્રયાણ કરતા પતિદેવના ચરણોમાં ઝૂકી પડી, પણ મને ધક્કો મારી, મારી સામું જોયા વિના પતિદેવ તો નીકળી ગયા. મારું હૃદય ચૂર ચૂર થઇ રહ્યું. ઘડીભર મને થઇ ગયું : હું હમણાં જ મરી જઇશ! પણ હું ન મરી. હું કેમ મરતી નથી ? મારું હૃદય હજુ કેમ ધબકે છે ? એનું મને પણ આશ્ચર્ય થતું.
માતા-પિતા, કુટુંબીઓ, સખીઓ, વહાલી જન્મભૂમિ આદિ છોડીને સ્ત્રી એક માત્ર પતિના પ્રેમના કારણે સાસરે આવે છે. ત્યાં આવ્યા પછી પણ પતિ પ્રેમ ન મળે તો એની હાલત શું થાય ? એ તો અનુભવે તે જ જાણે !
પણ મારા આશ્ચર્યની વચ્ચે તે જ રાત્રે મારા પતિદેવ મારી પાસે આવી પહોંચ્યા અને મને પ્રેમથી બોલાવી. મારા રોમ-રોમમાં આનંદનો અભિષેક થઇ રહ્યો, હું જાણે અમૃતના કુંડમાં નહાવા લાગી.
મેં પૂછ્યું : આટલા વર્ષો સુધી મને બોલાવી પણ નહિ ને આજે અચાનક સ્નેહ ક્યાંથી ઊભરાઇ ગયો ?
મારા પતિદેવે નિખાલસતાથી કહ્યું : તારા પર મારો ગુસ્સો લગ્ન પહેલાંથી જ હતો. જો કે આપણું વેવિશાળ થયું ત્યારે તો મને તારા પર ખૂબ જ પ્રેમ હતો. તારા ગુણો, તારું રૂપ જોવા તારા આવાસમાં આવ્યો હતો. તે વખતે તું તારી સખીઓ જોડે વાતો કરી રહી હતી. એ વાતોમાં મેં જે મારા વિષે તારા શબ્દો સાંભળ્યા તેથી હું રોમ-રોમમાં સળગી ઊઠ્યો. તારી સખી બોલી રહી હતી : તને પસંદ પડેલા બે ચિત્રોમાંથી આમ તો ભવિષ્યદત્ત ઉત્તમ પાત્ર હતો, પણ તે અલ્પ વયમાં જ મોક્ષે જનાર હોઇ મંત્રી-રાજા વગેરેએ પવનંજ્યને પસંદ કર્યો. આના જવાબમાં તે કહેલું : જીવન અલ્પ હોય તોય વાંધો નહિ, પણ તે ઉત્તમ હોવું જોઇએ. થોડું પણ અમૃત કેવું પ્રભાવશાળી હોય છે ? લાંબું પણ ખરાબ જીવન હોય તો શા કામનું ? હજારો મણ ઝેરનો કોઈ અર્થ ખરો ?' તારા આ
આત્મ કથાઓ • ૨૯૪
શબ્દોએ મારા હૃદયમાં આગ લગાડી દીધી. તે વખતે મારો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો. તે વખતે જો મારા મિત્ર ઋષભદત્તે મને અટકાવ્યો ન હોત તો હું તને ત્યાં ને ત્યાં ખતમ જ કરી નાખત.
પછી તો તારી સાથે લગ્ન કરવાની મારી જરાય ઇચ્છા નહોતી, પણ માતા-પિતાના આગ્રહથી મારે પરણવું પડ્યું. તારા શબ્દો મારા હૃદયમાં એટલા ઊંડા ઊતરી ગયા હતા કે ત્યાર પછી મને કદી તારા પર પ્રેમ જાગ્યો નહિ. આજે - અત્યારે મને સમજાય છે કે મેં તારા શબ્દોને ખોટી રીતે પકડી લીધા હતા. તું તો સહજભાવે બોલી રહી હતી અને મેં એને બહુ મોટું રૂપ આપી દીધું.
‘પણ આજે એકાએક પ્રેમ કેમ ઊભરાયો ?' પૂછ્યું.
‘વાત એમ બની કે આજે અમારા યુદ્ધનો પડાવ સરોવરની પાસે હતો. ત્યાંનું વાતાવરણ એકદમ મનોહર હતું. મંદ મંદ ઠંડો પવન ! સરોવરમાં લાલ કમળો ! આમ-તેમ તરતા હંસો ! કિનારા પર રમતાં ચક્રવાક પંખીઓ ! આ બધું જોતાં જ રહીએ એટલું બધું ભવ્ય હતું. સાંજે અંધારું થતાં જ ચક્રવાકીઓ ભયંકર રીતે રુદન કરવા લાગી. પાંખો ફફડાવતી, ઉન્માદ કરતી, નિરાશાથી કમળના તાંતણાને ખેંચતી ચક્રવાકીઓને જોઇ મેં મિત્રને પૂછ્યું : આ પક્ષિણીઓ આમ કેમ કરે છે? મિત્રે કહ્યું : દોસ્ત ! પતિનો વિરહ થતાં તેઓ વ્યાકુળ થઇ ગઇ. છે. અંધારામાં પતિ નહિ દેખાતાં પોકે-પોકે રડી રહી છે. આખી રાત તડપી-તડપીને રડ્યા જ કરશે, રડ્યા જ કરશે. રડી-૨ડીને મૃતપ્રાય બની જશે. સવારે અજવાળામાં પતિને જોતાં નવું જીવન પામીને જાણે આનંદથી ઝૂમી ઊઠશે.'
આ સાંભળતાં જ મારા મનમાં વિચારોની વીજળી ઝબૂકી : અરેરે... એક રાત માત્રના વિયોગમાં પણ આટલું કલ્પાંત આ ચક્રવાકીઓ કરે છે... તો મારી અંજનાનું કલ્પાંત કેવું હશે ? બાર બાર વર્ષ થયા મેં તેની સામુંયે જોયું નથી. અરેરે... હું કેવો કઠોર ? કેવો અહંકાર ? મેં બાર વર્ષમાં બરાબર જોયું છે કે તેણીએ કદી પર પુરુષની સામુંયે નથી જોયું. કદી મારા પ્રત્યે ધિક્કાર ભાવ પણ કેળવ્યો નથી... છતાં એ
પરકાય - પ્રવેશ • ૨૯૫