________________
ગુણોની મેં કદી કદર કરી નહિ, ધિક્કાર હો મને ! ના... હવે મારે એને વધુ ને તડપાવવી જોઇએ. નહિ તો એ કદાચ મરી જશે. આજે રાત્રે જ જાઉં અને તેને આશ્વસ્ત કરું ! આ વિચાર થતાં જ હું મિત્ર ઋષભદત્ત સાથે આકાશ માર્ગે તારી પાસે આવી પહોંચ્યો છું. પ્રિયે ! મારા અપરાધને માફ કર.
મેં કહ્યું : પ્રિયતમ ! અપરાધ આપનો નહિ, મારો જ છે. મારા જ કર્મના ઉદયે આપને મારા પ્રત્યે અણગમો થયો. તો આપને માફી આપનાર હું કોણ ? હું તો આપની દાસી છું, કિકરી છું. આપ મારા સ્વામી છો. આપને માફી માંગવાની હોય ?
બેન ! એ રાત્રે મને પ્રથમવાર પતિનું સુખ મળ્યું. પણ તું એમ ન માનીશ કે મારા જીવનમાં દુઃખની રાત ગઇ અને સુખની સવાર ઊગી. ખરેખર દુઃખો તો હવે શરૂ થયા.
વહેલી સવારે જ્યારે પતિ વિદાય થવા લાગ્યા ત્યારે કહ્યું : પ્રિયતમ ! હું ઋતુસ્નાતા છું. આવતી કાલે કદાચ હું માતા બનું તો જગત મને કલંક નહિ આપે ને ? મારે દુનિયાને જવાબ શું આપવો ? યુદ્ધથી આપ ક્યારે પધારશો ? તેનો શો ભરોસો ? - પતિદેવે મને પોતાની વીંટી કાઢીને આપતાં કહ્યું : મારા આગમનની આ નિશાની તું બતાવજે. પછી કલંકનો કોઇ સવાલ નહિ રહે.
પતિદેવ તો જતા રહ્યા. આ બાજુ હું ખરેખર ગર્ભવતી બની. મારી ઉદર-વૃદ્ધિ જોઇ મારી સાસુ તાડૂકી ઊઠી : રાંડ ! આ શું ધંધો માંડ્યો છે ? પેટમાં કોનું બાળક છે ?
મેં સાચી વાત કહી, વીંટી પણ બતાવી, પણ મારી સાસુ ન માની. એ તો વધુ ને વધુ આરોપ લગાવવા માંડી : નિર્લજ્જ ! આવા કાળા કામ કરતાં શરમ નથી આવતી ? અત્યાર સુધી હું એમ માનતી હતી કે મારા દીકરાનો વાંક છે, પણ આજે સમજાયું કે કોનો વાંક છે ? તું આવી કુલટા હોય તો પવનંજ્ય શાનું તારી સામે જુએ ? આવું કાળું કામ કર્યા પછીયે પાછું સતીત્વનો દેખાડો કરવો ? વાહ ભાઈ વાહ ! પવનંજય અહીંયા હતો ત્યારે તારી પાસે હોતો આવતો તે યુદ્ધમાંથી
આત્મ કથાઓ • ૨૯૬
તને મળવા આવે ? જૂઠા બોલી ! જૂઠું બોલવાની પણ કાંઇ હદ છે ? તારું હું તો શું કોઇ સાચું નહિ માને. પાછી તું વીંટી બતાવે છે ! શરમ નથી આવતી ? વીંટી તો પહેલેથી કબજે કરીને રાખી શકાય એટલી વાત શું અમે નહિ સમજતા હોઇએ ? મારી સામે શું જોયા કરે છે ? જા... નીકળી જા... મારા ઘરમાંથી. મને હવે તારું મોઢું બતાવીશ નહિ. કાળમુખી !'
સાસુના એક-એક શબ્દ મારા કાળજાને વીંધતા હતા. અત્યાર સુધી તો માત્ર પતિ તરફથી ઉપેક્ષાનું જ દુઃખ હતું, પણ મારા સતીત્વ પર કોઇએ કલંક હોતું આપ્યું. હવે કલંક આવ્યું. ઉપેક્ષા કરતાં કલંકનું દુઃખ મને ભયંકર લાગ્યું. પણ શું કરું ? વીંટી એ મારો છેલ્લો જવાબ હતો. પણ કોઇ મારી વાત સાચી માનવા તૈયાર હોતા.
હું મારી પ્રિય સખી વસંતતિલકા સાથે સાસરેથી નીકળી પિયર ગઇ. પણ કલંકિતાને પિયરમાં પણ ક્યાંથી સ્થાન મળે ? હું બહુ મોટી આશાથી મારા માતા-પિતા પાસે ગઇ. મેં માન્યું : મારા મા-બાપને હું સાચી વાત સમજાવી સુખેથી રહીશ. પણ આપણું ધાર્યું થોડું થાય ? મારા મા-બાપ પાસે મારી કલંકિતતાના પહેલેથી સમાચાર પહોંચી ચૂક્યા હતા. મને જોતાં જ તેઓ બોલી ઊઠ્યા : અંજના ! અહીં પગ નહિ મૂકતી. તે ખરેખર તારું નામ સાર્થક કર્યું છે, અંજન જેવા કાળા કામ કરીને ! ફેટ રે.. ભૂંડી... તારા કરતાં પેટે પથ્થરો પેદા થયો હોત તો પણ સારું હતું ! કમ સે કમ અમારું કુલ તો કલંકિત ન થાત. પથ્થરો તો કપડાં ધોવા કામ લાગે, વસ્ત્રોના મેલ ઊતારે, મેલાં કપડાંને ઉજળા કરે, જ્યારે પુત્રી થઇને તે નિર્મળ કુળને મલિન કર્યું. સાત-સાત પેઢીની અમારી આબરૂ તેં પાણીમાં નાખી દીધી. તું દીકરી નહિ, પણ ઠીકરી છે ! સાચે સાચ આજે ઠીકરીએ અમારો કીર્તિ-કુંભ ફોડી નાખ્યો. કીર્તિનું બધું અમૃત ઢોળાઈ ગયું. તું એમ ન સમજતી કે પુત્રીના નાતે અમે તને ઘરમાં રાખશું. ઘરમાં તો શું રાખીએ... તારું મોઢું જોવા પણ અમે તૈયાર નથી. જા... અત્યારે ને અત્યારે અહીંથી ચાલી જા. તારે જવું હોય ત્યાં જજે. હવે અહીં આવતી નહિ.
પરકાય - પ્રવેશ • ૨૯૭