________________
(૩૧) હું નામશ્રી
રસોઇ બનાવવામાં હું હોશિયાર હતી. મારી રસોઇ જેના મુખમાં જાય તે મોંફાટ મારી પ્રશંસા કર્યા વિના ન રહે. મારા પતિ તો મને રોજ કહે : પ્રિયે ! તું એવી સુંદર રસોઇ બનાવે છે કે આંગળા કરડી ખાવાનું મન થઇ આવે ! આવી પ્રશંસાથી હું ફાટીને ધુમાડો થઇ જતી. સ્વપ્રશંસા કોને ન ગમે ?
મારું ગામ ચંપાપુરી. પતિનું નામ સોમદેવ. કુલ અમારું બ્રાહ્મણનું. એક વખત અમારે ત્યાં જમણવાર ! અમારું આખું કુટુંબ અમારે ઘેર જમવા આવવાનું હતું ! મને ઘણી હોંશ હતી, જમાડવાની, ખાસ કરીને મારી પાક શાસ્રની કળા દેખાડવાની. રસોઇમાં પણ શાક બનાવવામાં મારી માસ્ટરી ! મારું જે ખાય શાક ! એનો ઊતરી જાય બધો થાક ! એમ હું માનતી.
આ જમણવારમાં તો શાક એવું બનાવું, એવું બનાવું કે બધા છક્કડ ખાઇ જાય ! ...ને મેં તુંબડીનું શાક બનાવ્યું. મીઠું, મરચું, તેલ વગેરે નાખીને એવું સ્વાદિષ્ટ બનાવ્યું કે ન પૂછો વાત ! પણ રે, જ્યાં મેં એ ચાખ્યું. થૂ-થૂ... કરીને ફેંકી દીધું ! કડવું વખ હતું. મને ખ્યાલ આવી ગયો : મેં મસાલા પર તો ધ્યાન આપ્યું, પણ મૂળ વસ્તુ પર જ ધ્યાન ન આપ્યું. મીંડા વધારતી ગઇ, પણ આગળના એકડા પર જ ધ્યાન ન આપ્યું ! બીલ્ડીંગ બનાવતી ગઇ, પણ પાયાનો ખ્યાલ રાખ્યો જ નહિ ! રે, મારી મૂર્ખતા !
મારા મનોરથોનો મીનારો ક... .... ડ... ભૂસ તૂટી પડ્યો. આ કડવી તુંબડીનું શાક એટલું કડવું હતું કે કોઇને આપી શકાય તેમ ન્હોતું ! કડવું જ નહિ, ઝેરી પણ હતું. શાક ઝેરી હોવા છતાં ફેંકી દેવાનો મારો
જીવ ચાલ્યો નહિ. શાક બનાવવા મેં કેટલી મહેનત કરી ? કેટલો કિંમતી મસાલો નાખ્યો ? આવા શાકને ફેંકાય કેમ ? મેં શાકને એક બાજુએ મૂકી દીધું.
આત્મ કથાઓ • ૨૨૨
જે શાક પર ઘણા અરમાનો રાખ્યા હતા એ જ આવું નીકળ્યું ! સાચે જ જે વસ્તુ પર આપણને ઘણો અભિમાન હોય, એ વસ્તુ મોટા ભાગે આપણા હાથમાંથી જાય. રૂપનું અભિમાન કર્યું તો રૂપ ગયું, સમજો. કદરૂપા બનવું પડે. બુદ્ધિનું અભિમાન કર્યું તો બુદ્ધિ ગઇ સમજો. ધનનું અભિમાન કર્યું તો ધન ગયું સમજો. પોતાની કોઇ પણ વિશેષતાનું અભિમાન કરીને તે વિશેષતાને ખોઇ દેનારા ઘણા માણસો તમને તમારી આસપાસ મળી આવશે. કુદરત આના દ્વારા માણસને સંકેત આપવા માંગે છે : ઓ માનવ ! તને મળેલી કોઇ અસાધારણ વિશેષતાનું અભિમાન કરીશ નહિ. નહિ તો એ વિશેષતા ચાલી જશે. પણ આ સંકેત નિર્મળ બુદ્ધિવાળા જ સમજી શકે. મારા જેવી કઠોર-નઠોર બુદ્ધિવાળી બૈરી શું સમજે ? સંકેત સાફ હતો : ‘પાકશાસ્ત્રની નિષ્ણાતતાનું અભિમાન છોડી દે. નહિ તો પરિણામ સારું નહિ આવે.' પણ કુદરતનો આ સંકેત મારા બહેરા કાને અથડાયો. સંવેદનહીન વ્યક્તિ, સ્થૂલ સંકેતોને પણ ન પકડી શકે તો સૂક્ષ્મ સંકેતોની તો વાત જ શી કરવી ?
શાક એક બાજુએ મૂકીને હું બીજું કામ કરવા બેઠી હતી ત્યાં જ ધર્મલાભ’ શબ્દ મારી કાને અથડાયો. મૂઆ આ મુંડિયા ક્યાં સવારના પહોરમાં હાલ્યા આવ્યા ? કાંઇ કામ ધંધો જ નહિ. મફતનું ખાવું ! કોઇ કામધંધો કરવો નહિ. ‘ધર્મલાભ’ આપી પાત્રા ભરીને રવાના થઇ જવું, આ જ ધંધો ! જૈન સાધુને દરરોજ જોઇ હું મનમાં બબડવા લાગી. મને સાધુઓ પ્રત્યે પહેલેથી જ દ્વેષ ! સાધુઓને હું તો સાધુડા જ કહેતી ! મારે મન એ મફતનું ખાઇને તાગડધીના કરનારી બાવાઓની જમાત જ હતી. આવા બાવાઓને તો સીધાદોર કરી નાખવા જોઇએ. આવું મેં કેટલીયેવાર વિચાર્યું હશે... પણ જોઇએ તેવો કોઇ મોકો મળેલો ન્હોતો. આજે કુદરતી રીતે સારો મોકો મળ્યો હતો. જૈન સાધુ ભિક્ષા માટે આવેલા હતા ને મારી પાસે ઝેરી શાક તૈયાર હતું. આવો અવસર મળે ક્યાંથી ? મેં તક ઝડપી લીધી. ઘેર આવેલા સાધુના પાત્રમાં કડવી તુંબડીનું ઝેરી શાક વહોરાવી દીધું. ‘વહોરાવી દીધું.’ એમ કહ્યું, એના કરતાં ‘નાખી દીધું' એમ કહું તો વધુ ઠીક ગણાશે.
પરકાય - પ્રવેશ - ૨૨૩